એટલી છે ખબર
એટલી છે ખબર
તમે આવશો ક્યારે એ નથી રે...ખબર,
પણ આવશો જરૂર એટલી છે ખબર.
હે પુષ્પો આમ તમે કરમાશો નહિ,
તે વસંત બનીને આવશે, એટલી છે ખબર.
હે શમાઓ બુઝાવી દો સઘળી જ્યોતિ,
તે ચાંદ બનીને આવશે, એટલી છે ખબર.
હે મોરલા તું નાહક ટહુકીને ગળું ન બેસાડ,
તે વર્ષા બનીને આવશે, એટલી છે ખબર.
હે પતંગિયાઓ તમે ફૂલ શીદને શોધો છો?
તે બહાર બનીને આવશે, એટલી છે ખબર.
છોને મળતા રહે પ્રેમમાં હજારો ઝખમ,
તે મરહમ બનીને આવશે, એટલી છે ખબર.
હે નયનો વિયોગે પાપણો ન ભીંજવશો.
તે "સ્નેહે" સ્મિત ધરીને આવશે.એટલી છે ખબર...
