રાધાની વેદના
રાધાની વેદના
અંતરની લાગણી આજ હૈયે ઉભરાય,
શરમાળી આંખો મારી ઢળી ઢળી જાય,
વિયોગી વેદનાઓ નહિ રે સહાય,
વિયોગી તાપે હૈયું બળી બળી જાય,
યૌવન ક્યારાએ આજ ખુશ્બુ રેલાય,
ખુશ્બુમાં યાદો તારી ભળી ભળી જાય,
પામવાને સ્પર્શ તારો હોઠ શરમાય,
ગુલાબી યૌવન ફરી કળી કળી થાય,
પામવાને “સ્નેહ” આંખે કાજલ છલકાય,
કજરાળી આંખે તું મરી મરી જાય,
તારી આંખોનો સ્નેહ અને હોઠોનુ સ્મિત
મુંજ હૈયામાં નામ તારું લખી લખી જાય,
મથુરાના મોહે શ્યામ ગોકુળ ભૂલાય,
ચોધાર આંસુએ રાધા રડી રડી જાય,
વાયદો આપીને શ્યામ ભૂલી ન જવાય,
વૃંદાવન વાટે રાધા પડી પડી જાય,
આઠ પટરાણીને દાસી મલકાય,
રાધા તો શ્યામ નામ રટી રટી જાય,
મુજ ગોપિકાને તો ભૂલી રે જવાય,
કેમ રાધા દિલ ચોરી ફરી ફરી જાય?
અંતરની લાગણી આજ હૈયે ઉભરાય,
શરમાળી આંખો મારી ઢળી ઢળી જાય.