દિલોદ્યાનનું ગુલાબી ગુલાબ
દિલોદ્યાનનું ગુલાબી ગુલાબ
મનના રંગીન શમણાં સંગે એક હસીન ગુલાબ ભાળ્યું,
રક્તરંગી હોઠ ગુલાબી, હળવું હસતાં તે ત્યાંથી ભાગ્યું.
દિલમંદિરના રંગભર્યા ગોખે સો સો દીવડા ઝળક્યા,
મન ખેંચાતું વારે વારે, એ નીલ પંખીએ દીલને છેડ્યા.
આંખોની પલકોમાં રમતું, મનમંદિરના ચોકમાં એ ઝુમતું,
અલપઝલપ જઈને જાણ્યું, એને સરોવર પાળે ગમતું.
એક સલોણી સંધ્યા સમયે મનમંદિરની પાળે એ બેઠું,
તેના સંગે જઈ બેઠો તો હાથે બતાવ્યું મારા નામે ટેટૂ.
અલકમલકની વાતો કરતાં એ આવી બેઠું ખોળે સીધું,
હેતપ્રીત મનમાં જાગીને તેના કપાળે એક ચુંબન કીધું.
'મૃદુ' ઝંખના પૂરી ભાળે ત્યાં તો તેને દીધો એક ટહૂકો,
જાગીને જોયું, માનુનીનો એજ અનેરો ચહેરો ઢબૂક્યો.

