દહલીજ પાર જવું છે
દહલીજ પાર જવું છે
આ બંધ કમાડ ઉઘાડી દહલીજ પાર જવું છે,
લક્ષ્મણ રેખા ઓળંગી દહલીજ પાર જવું છે,
જાળવીશ હું મારી માન, મર્યાદા અને સન્માન,
થોડું મારા મનનું કરવા દહલીજ પાર જવું છે,
યાદ છે મને એ રસ્તો, સિરસ્તો અને કુધારો,
એમાં સુધારો કરવાજ દહલીજ પાર જવું છે,
મનોવ્યથા, મનોમંથન, અવહેલના અને ઘુંટન,
બધું ક્યાં સુધી ? એટલે દહલીજ પાર જવું છે,
શબ્દો મૌન ક્યાં સુધી ? હોઠે તાળા ક્યાં સુધી ?
વાચા આપવા શબ્દોને દહલીજ પાર જવું છે,
હું ઘરનું ધબકતું હૃદય અને શ્વાસોચ્છવાસ છું,
મારાં સ્વપ્ન ખિલવવા દહલીજ પાર જવું છે,
ખાબોચિયાંમાં રહીશું તો દરિયો ક્યારે માણીશું ?
વહેતાં રહેવાં 'ઝીલ' ને દહલીજ પાર જવું છે.
