ધાર છે તલવાર કેરી
ધાર છે તલવાર કેરી
જિંદગીની સેજ કાયમ ક્યાં મળે ગમતી અહીં !
ધાર છે તલવાર કેરી, હર પળે દમતી અહીં,
કષ્ટ કરમાવે સદા તો પણ કદી ડગવું નહીં,
છાંવની સંગાથ આવે, ધૂપ પણ રમતી અહીં,
સૂર્ય ઓકે આગ, જળ પણ બાષ્પ થઈ ચડતું ગગન,
વાદળી પણ હેત ઉરમાં, સંઘરી ખસતી અહીં,
જે મળે એ માન્ય કરતાં ચાલવું ભઈ મોજથી,
થાય જો સ્વીકાર ! મનની માંદગી મટતી અહીં,
જીવતર સુખ દુઃખ તણી, દુર્લભ કહાની માન 'શ્રી',
શ્યામ મુજ સંગાથ માનો, યાતના ટળતી અહીં.
