ડોશાએ ડોશીનેગુલાબઆપ્યું
ડોશાએ ડોશીનેગુલાબઆપ્યું
બાગમાં બેઠાં ડોશા બાપા એ, ડોશીમાં ને ગુલાબ આપ્યું,
હળવેથી ડોશીએ ગુલાબ, ધ્રૂજતા હાથે માથામાં નાખ્યું.
વખાણ કરતાં ડોશા બોલ્યા, લાગે છે તું નવપરિણીત કન્યા,
શરમાતાં ડોશી ગાલ ગુલાબી, શું તમે પણ ! એટલું જ બોલ્યાં.
લાકડીના ટેકે હળવે હળવે, ડોશા આવ્યાં ડોશી કને,
ચાલ માધુરી ! આજ ફેર ઝૂલવું, બેસ અહીં હિંચકાવું તને.
હાથ પકડીને ડોશીમાં તો, હિંચકે હિંચવા બેસી ગયાં,
સાંકળ પકડી ડોશા બાપા, યાદોની બસમાં બેસી ગયાં.
વીસ વર્ષની યુવતીનો ચહેરો, જેમ સુંદરતાથી છલકે છે,
એમ એંશી વર્ષના ડોશીના ગાલ, છૂપાઈને મંદ મધુરું મલકે છે.
વર્ષોથી અકબંધ રાખેલી સ્મરણોને, આજે વ્યક્ત કરી દીધી,
જીવનની ઢળતી સંધ્યાને, જાણે નૂતન વાસંતી પ્રભાત કરી લીધી.

