ચોમાસું
ચોમાસું
કોડની ભરેલી તમે મોકલી મને સાસરિયે,
વસમું લાગ્યું હતું, મને પહેલે તે દિ' એ,
'આવ મારી વ્હાલુડી', કાન મારા તરસે,
બાપુ, મેં તો આખું ચોમાસું મોકલ્યું ટપાલમાં,
મન ફાવે તેમ જ મને 'એ' હંકાવતો
જીવનની ગાડીનો હાંકનાર જ એક,
મારે ક્યાં જાવું, એવી દરકાર જ કોને,
ભાઈ, મેં તો આખું ચોમાસું મોકલ્યું ટપાલમાં,
સીસકારા દાબું, હવે ચૂડીના રણકારમાં,
કચવાતું મન મારું દાઝે તાવડીનાં ટેરવે,
કૂકરની સિટી જેમ બસ, ફાટી હું પડતી,
મા, મેં તો આખું ચોમાસું મોકલ્યું ટપાલમાં,
રિસામણાં મનામણાંના ભેદ રે ભૂલાયા,
ફરજ ને સંસ્કાર સાથે અઠખેલી કરતી,
અંતરે લવતી ને, અંતરે જ સિસકતી,
બે'ની, મેં તો આખું ચોમાસું મોકલ્યું ટપાલમાં,
વેદનાના હીંચકે બેઠી, ખભો હું શોધતી,
આરસીમાં જોઈને, હું તો હસતી ને રડતી,
કાગળની ભીનાશે હું તો, દ્રવતી ને ચૂંવતી,
સખી, મેં તો આખું ચોમાસું મોકલ્યું ટપાલમાં.
