ચંદ્રની પેલે પાર જઈએ
ચંદ્રની પેલે પાર જઈએ
ક્યાં સુધી હવે સંતાઈને મળતા રહીયે?
આ નફરતભરી દુનિયાથી શા માટે ડરીયે?
હરપળ પ્રેમમાં ડૂબવા માટે મારી વાલમ,
ચાલ હવે ચંદ્રની પેલે પાર જઈયે.
જીવનને પ્રેમના રંગોથી તરબોળ કરીયે,
તારાઓની મહેફિલમાં મગ્ન બની જઈયે,
સપનાઓને પૂરા કરવા માટે મારી વાલમ,
ચાલ હવે ચંદ્રની પેલે પાર જઈયે.
વાદળોને વરધોડામાં જાનૈયા બનાવીયે,
હ્રદયની શરણાઈની સૂરાવલી સાંભળીયે,
પ્રેમના મીઠા તરાના ગાવા માટે મારી વાલમ,
ચાલ હવે ચંદ્રની પેલે પાર જઈયે.
જ્યાં તારા- મારા સિવાય કોઈ ન જોઈયે,
પ્રેમની દુનિયાના રમણીય દ્રશ્યો નિરખીયે,
પ્રેમનો ઈતિહાસ લખવા માટે મારી વાલમ,
ચાલ હવે ચંદ્રની પેલે પાર જઈએ.
રચના:-ધનજીભાઈ ગઢીયા "મુરલી" (જુનાગઢ)

