ચંદન સ્નેહ
ચંદન સ્નેહ


નથી મિનારા નથી ઝરુખા, નથી મેડી મહેલાત,
નાના ખોરડે શોભે આંગણિયે ; આંગણિયારી ભાત.
પંખીનાં કલરવ કામણગારાં, છાપરીએ નાચે મોર,
લીલાં પોપટડાં પારેવા સંગ, કોયલ કરે કલશોર.
રાત ઢળે ને ઢળે ઢોલિયા, આભલડું રમાડતું તારા,
પડવો પાંચમ ગણતાં ગણતાં , થાયે પૂનમનાં અજવાળાં.
વહેલી પરોઢે, હૈયાના તાલે, પ્રભાતિયાં મીઠાં ગુંજે,
કુદરતના ખોળે રમતાં ભમતાં, સ્નેહ બંધનો ઝૂલે.
ભોળા દિલના ભોળા માનવી, ભોળી ભોળી રીતો,
નદીના તટે મેળામાં મ્હાલે, જીવન ભરની પ્રીતો.
p>
હરતાં ફરતાં, વાટે વિચરતાં, નયનોમાં વરસે નેહ,
છાનાં-છપનાં મલકી મલકી, ખીલવે ઋજુ સ્નેહ,
સલૂણી સંધ્યાએ શમણાં ચીતરે કઈંક જ ભાતીલું,
પ્રીતના પાનેતર ઓઢી, કંકુ પગલે પધારે રસીલું.
છલકાવી સાચો સ્નેહ સાગરશો, કુંદન જેમ રે તપિયાં,
લોહીના સગાઈથી સવાયાં થઈ, આયખે રે ઘોળાયાં.
જીવન પતંગ ઝુલાવ્યો લોટાવ્યો, અનંત અધ્ધર આભે,
આયખે ઘસી ચંદન સ્નેહ, અમી છાંટણું પૂજે.
એકબીજાના પૂરક સંગે, માણ્યા મન મોટપ સથવારા,
દીધા દાતાએ રોટલા ઓટલા, સાચા સુખના ઝબકારા (૨)