ચક્રવ્યૂહ
ચક્રવ્યૂહ
હસતી-રમતી મારી જિંદગીમાં
એક ગોઝારા દિવસે
સ્ટ્રોકે મને ખેંચી લીધો —
સીધો ચક્રવ્યૂહમાં.
હું અંદર ને અંદર ઊતરતો ગયો,
અને મારી પાછળ
રસ્તાઓ બંધ થતા ગયા.
હવે એ જ રૂમ છે,
એ જ પથારી છે,
એ જ દવા છે,
એ જ રાત છે,
જે ક્યારેય પૂરી થતી નથી.
એ પથારીમાં છે,
નીકળી શકતા નથી.
હું કુંડાળામાં છું,
નીકળી શકતો નથી.
અમે બંને ફસાયા છીએ.
લોકો હવે અદેખાઈ નથી કરતા,
દયા ખાય છે.
"ધીરજ રાખ"
કહીને જતા રહે છે.
હું ગોળ-ગોળ ફર્યા કરું છું,
હવે તો ધીરજ પણ તૂટી ગઈ છે.
અને પછી એક દિવસ,
એક નાનો હાથ
મારી પીઠ પર મુકાયો.
ઓમ.
એ કંઈ બોલ્યો નહીં,
એણે બસ કહ્યું —
"પપ્પા, હું છું."
અને મને સમજાયું,
હું આ ચક્રવ્યૂહમાં
મરવા નથી આવ્યો,
હું તો એને તોડવા આવ્યો છું.
હું બહાર નીકળીશ.
ઓમ માટે.
✍️ રાજેશ નાયક " રાજ "
