છત્રી
છત્રી
વરસાદના વ્હાલ વચ્ચે,
રંગીન છત્રીની છત્રછાયામાં,
બે કાગડા વિચારી રહ્યા હતા,
આ છત્રી 'કાગડો' થઈ જાશે તો ?
***
આંખ મીંચી ત્યાં તો
એક ડાળખી બની ગઈ વટવૃક્ષ,
ત્યાંજ શમણાંએ બારણું ખખડાવ્યું !
કમાડ ઉઘાડું ત્યાં જ,
પેલા વૃક્ષની એકે'ક ડાળખી વિખરાઈ ગયેલી....
***
છત્રછાયા ગુમાવેલ બે ટહૂકાઓ હજીયે ફટાણાં ગાઈ રહ્યાં છે...
પણ હું વ્યસ્ત છું કમાડ ઉઘાડવામાં !
***
વાદળ પલળી ગયાં છે
અંગેઅંગથી
પરી થઈ આપી આવું
છત્રી ?
આવતી વેળા મને કોણ આપશે ?
