છોકરી
છોકરી
કેવું મજાનું ઘર સજાવી દે અમારી છોકરી,
શાળા બનાવે ઘર મહી એવી અમારી છોકરી.
એ પૂછતી ભગવાન કેવા હોય છે દેખ્યા તમે,
પાછી તરત ભગવાન પણ બનતી અમારી છોકરી.
આખો દિવસ ગીતો મજાના ગાયને નાચે રમે,
સૌને નચાવે વ્હાલથી ગાતી અમારી છોકરી.
ઘરઘર રમે ભોજન કરે સાથે જમાડે સાચવી,
વાસણ ઘસે ને ગોઠવે લૂછી અમારી છોકરી.
આળસ કરે ના થાક લાગે એમને આખો દિવસ,
આખો દિવસ એ સુખ બની હસતી અમારી છોકરી.
એ ઝાડ પંખી ચીજ સાથે વાત કરતી હેતથી,
માટે બધી ચીજો મહી રમતી અમારી છોકરી.
પળપળ મહી જન્મો બધા સાથે બતાવે સામટા,
લક્ષ્મી ઉમા વરદાયિની શક્તિ અમારી છોકરી.