છે તું મારી
છે તું મારી
જોને દિલમાં મારા કેવું રમખાણ છે,
છે તું મારી તોય માગે એ પ્રમાણ છે.
સઘળી ખુશી છે તારી માત્ર મારા થકી,
એ વાતની તો એને ય સારી પેઠે જાણ છે.
ઉતારે છે તું મારો એહસાસ શબ્દોમાં,
જાણે તારી કવિતાનો એજ પ્રાણ છે.
તોય ગમે એને તારા મુખે આ સાંભળવું,
તેથી મચાવે અવિરત પ્રશ્નોનું ઘમસાણ છે.
અખંડ બ્રહ્માંડમાં તારી લાગણીઓ સ્મરું,
મારી લાગણીને તારી એવી ઓળખાણ છે,
ટીપે ટીપે સરોવર ભરાય આપણા પ્રેમનું,
એમાં ડૂબતા રહેવું જોઈએ એ જાણ છે.
અનંત ક્ષિતિજની જેમ છે તારી ચાહત,
હૈયું મારું હવે એમાં જ રમમાણ છે.
ગમે છે તારા વિચારોમાં રત રહેવું મનને,
હવે તું જ જીવન ને તું જ એનો પ્રાણ છે.

