બની ગઈ
બની ગઈ
ગોળ ઘૂમી ઘૂમીને ચકરી બની ગઈ,
એટલે કે છોકરી ગરબી બની ગઈ.
રાત આખી રણઝણી એ રોશનીમાં,
ઝાંઝરી ઝાકળભીની પગડી બની ગઈ.
ઢોલના ઢબકારે કામણ એ કર્યુ કે,
ચોક વચ્ચે કંકુની પગલી બની ગઈ.
સિંહ જેવી ફાળ દીધી'તી પ્રથમ ને,
આરતી ટાણે જુઓ બકરી બની ગઈ.
જોઈએ ગરબો, ગઝલ ચાલે નહીં આ,
એની ફરમાઈશ ગઝલ અઘરી બની ગઈ.