ભાઈબંધ
ભાઈબંધ
મિત્રતાના ખોળે આવી ઉભો છું,
હું નાનપણના ભાઈબંધ જોડે આવી ઉભો છું,
લાગણીઓનું પૂર ઉમટાવી ઉભો છું
ને મીઠી યાદોને મમળાવતો હું.
એ ભેરુના ખભે હાથ વીંટાળી ઉભો છું,
આળોટી રહ્યો છું એક અલગ-અકલ્પ્ય આનંદમાં,
દોસ્તને આલિંગન હું આપી ઉભો છું.
દેવાતા રહેશે વર્ષો સુધી ઉદાહરણ સુદામા-કૃષ્ણના;
તો સખા મને તું દાન દે: સદા સદા તારા સાથનું,
અહીં સંપતિનો હિસાબ નથી જ કરવો,
હું તો પ્રેમ માંગવા ઝોળી ફેલાવી ઉભો છું.
ચાલને નાનકડી અમથી વાતમાં ઝઘડી પડીએ,
ફરી રિસામણા-મનામણાની માથાકૂટ કરીએ.
આ જગતમાં ઉંમર-ઉંમર પર સમીકરણ બદલાય છે;
ને દુનિયાને દેખાડવા શાંતિ ધ્વજ ફરકાવી ઉભો છું.
બાકી મૌનનો "આવાઝ" બહુ ખટકે છે મુજને,
હું તારી જોડે વાત કરવા આવી ઉભો છું,
હું નાનપણને યાદ કરવા આવી ઉભો છું,
શિક્ષકને ખોટી ફરિયાદ કરવા આવી ઉભો છું;
ને પછી તને પડતી સોટી ઝીલવા આવી ઉભો છું,
હું થોડામાં ઘણું અને એક પાંચરૂપિયાના મમરામાં,
બધાનો સરખો ભાગ વાળી વાતને વાગોળવા આવી ઉભો છું.
