અવિરત
અવિરત
પતંગિયાને પીવા પુષ્પરસનો પ્રબંધ રહે છે,
ભ્રમરને પણ ગુલાબનો મોહ અનંત રહે છે,
મધમાખીને મોહે આ પ્રેમનું પ્રતીક,
સરવાળે મધને મહોબ્બત બે'યમાં સુગંધ રહે છે.
ધરતીનો ઉકળાટ કે જે છે કકડાટનું કારણ;
ખરેખર મિલનનો થનગનાટ છે જેમાં આનંદ રહે છે,
મહેકે એવી રે રાતરાણી તને મેળવી લેવાનું મન થાય,
આમ લજામણીના છોડને સ્પર્શ કરવા પર પાબંધ રહે છે.
ને આમ મંત્રમુગ્ધ કરે એવી વાક્ય રચના તારી;
શબ્દો નો પ્રયોગ જેમાં મંદ રહે છે,
ને છે પ્રેમની ભાષા એવી કે,
નથી વ્યાખ્યા ને વ્યાકરણ'ય નથી,
હું વાંચી લઉં છું મૌનમાં જે નિબંધ રહે છે.
પેલું પારેવડું પાંખ ફેલાવી પારિજાત પર જઈ બેસે;
પણ મારો પ્રેમપત્ર પહોંચાડવા કટિબદ્ધ રહે છે,
ને મરણ કે મિલનના રાઝ ખોલતો 'પોસ્ટમાસ્તર'
એના ચહેરા પર રહસ્યો ઘણાં'ય અકબંધ રહે છે.
વરસાદને મન મુકીને આવવું છે; આવવા દે,
મોહબ્બતમાં ઋણ વગરનો અનુબંધ રહે છે,
અવકાશને વરસવું ને આશીકોને પલળવું હોય,
છત્રી નીચેનાં ઇશ્કમાં બંધન વિનાનો બંધ રહે છે.
આક્રંદને અમસ્તું'ય આમંત્રણ ન આપ તું;
ચેહરા પરનું સ્મિત મારું અંગત રહે છે,
ને 'આવાઝ' લખતાં થાકે નહિ,
જો વર્ણનમાં 'પૂર્ણવિરામ' આવશ્યક ન હોય,
શું કરું મને'ય વાંચકોના સોગંદ રહે છે.

