બચપણમાં વિહરીએ
બચપણમાં વિહરીએ
ચાલ બચપણમાં વિહરીએ
ચાલ શાળાએ જઈએ..
છૂટી ગયેલી દોસ્તીને એક તાંતણે જોડીને
ઉંમરને આઘી ઠેલીને પાછા બાળક બનીએ
ચાલ શાળાએ જઈએ,
વિશાળ ચોગાનમાં બેસી પ્રાર્થના ગીત ગાઈએ
સાવધાન વિશ્રામની તાલીમ એક સાથે લઈએ
ચાલ શાળાએ જઈએ,
વર્ગખંડની બાંકડીએ બેસી પાઠો પાછા ભણીએ
કવિતાઓને યાદ કરી મોટેમોટેથી સૌ ગાઈએ
ચાલ શાળાએ જઈએ,
સાતતાળી.. લંગડી.. ખો ખો ફરીફરીને રમીએ
મેદાનમાં હરતા ફરતા બોર આમલી ખાઈએ
ચાલ શાળાએ જઈએ,
રીસેસનો બેલ પડતા ભેળની ઉજવણી કરીએ
ખોબે ખોબે પાણી પીને પાછા રમવા દોડીએ
ચાલ શાળાએ જઈએ,
સ્પર્ધામાં ભાગ લઈ શાબાશી શિક્ષકની મેળવીએ
નાટકો ભજવીને આપણે સ્ટેજ ફરી ગજવીએ
ચાલ શાળાએ જઈએ,
યાદોના પોટલા ખોલી એને શાંતિથી નીરખીએ
ભાગદોડની જિંદગીમાંથી થોડો વિરામ સ્વીકારીએ
ચાલ શાળાએ જઈએ,
શિક્ષક રસ્તે મળતા પાછા બે હાથ જોડીએ
વેકેશનની મજા માણવા આજ બાળક બનીએ
ચાલ શાળાએ જઈએ,
સખી ચાલને બચપણમાં વિહરીએ
સખી ચાલને શાળાએ જઈએ !
