અતિવૃષ્ટિ
અતિવૃષ્ટિ
ધીમા પડો, મેઘરાજા ધીરા પડો,
ખમૈયા કરો, વર્ષારાણી થોડું કમ વરસો.
કે, અમે તો તારી રીમઝીમ, ઝરમર, હેલી,
અમીછાંટણા થકી માંગીએ શાતા, દેવી,
કાં તું ધોધમાર, મુશળધાર,અનરાધાર,
સાંબેલાધાર વરસીને રીતસર દઝાડતી?
શું તારે ને સુરજ ને કંઈ વાંકુ પડ્યું છે?
જરા જેટલું ડોકિયું કરવા જાય ને......
તારા કાળા ભમ્મર વાદળિયાંનું ઝુંડ,
ક્યાંકથી દોડતું આવીને એને ઢાંકી દે ?
ધરાને તો તેં તરબોળ કરી અનહદ હેત વરસાવીને,
રણની રેતી જળને વલખે, ત્યાં દરિયો ઝુલાવીને.
પણ ખેતરોના ઉભા મોલ કાં નમાવી દીધા?
પાણી વિના ઝૂરતા પશુને, પાણીમાં જ ડૂબાડી દીધા?
કેટલું વહાલ અને હજી કેટલું વરસવું બાકી છે?
કે પરત ફરવાંના હાલ કોઈ તો એંધાણ છે?
તારી અપાર વરસવાની અમને કોઈ શંકા નથી.
પણ, મેઘરાજા,
આટલું હેત ઝીલવાની અમારી ક્ષમતા નથી.
કબુલ છે, અવહેલના કરી અમે માઁ ધરતીની,
ના જતન કીધું આ જગનું, ના તારી કિંમત કીધી.
પણ,
અવહેલના તો તેં પણ કરી જ ને.
કોની?
ખમૈયા કરો મેઘરાજા હવે પરત ફરો,
વિંનંતી અમારી, વિશ્રામ કરો
તમે પ્રકૃતિ પર દયા કરો, અમે કરશું જતન,
આજ આપીઓ અમે સૌ મળીને તમને વચન.
