અષાઢી વાયરાને કહી દો
અષાઢી વાયરાને કહી દો
અષાઢી વાયરાને કહી દો તમે,
કે હવે મસ્તીમાં રાખે થોડું ભાન,
મેં લીલુડી ઓઢણીને માથે ચડાવી,
ને એણે આદર્યું છે ભારે તોફાન.
ઉંબર ઓળંગીને પગ મારો મુકું,
ત્યાં મારે સુસવાટાનો ડંખ,
ઊડતી એ ઓઢણીને સંકોરવા લાગુ,
ત્યાં છલકે છે ઉરના ઉમંગ.
પછી લજ્જાથી આંખોની પાંપણ ઢળે છે,
ને ગાલો પર ગુલાબી નિશાન,
અષાઢી વાયરાને કહી દો તમે,
કે હવે મસ્તીમાં રાખે થોડું ભાન.
માથે હોય ગાગર, ને ગાગરમાં પાણી,
પછી પલળે છે એકે એક અંગ,
ભી
ના એ અંગોમાં ફણગે છે મોગરો,
ને રેલાય છે માદક સુગંધ.
છાકટો બનીને મને ઘેરી વળે છે,
મને છેડે છે ગુમાવી ભાન,
અષાઢી વાયરાને કહી દો તમે,
કે હવે મસ્તીમાં રાખે થોડું ભાન.
એ સૂકી રેતીમાં હું પગલાઓ માંડું,
ને મારા પાલવથી નીતરે ભીનાશ,
મારી ઓઢણીયું ખેંચીને ભેટી પડે છે,
જાણે જનમો જનમ ની કોઈ આસ,
શ્વાસોને થંભાવી ચૂમવા ચાહે છે,
ને અહીં ફૂટે છે પ્રિયતમનું પાન,
અષાઢી વાયરાને કહી દો તમે,
કે હવે મસ્તીમાં રાખે થોડું ભાન.