અલગ અંદાજે
અલગ અંદાજે
અલગ અંદાજે રમત આદરી આવતો વરસાદ,
ધીમી ધારે વરસીને મોહકતા ફેલાવતો વરસાદ,
કદી ટીપે-ટીપે વરસીને અલક-મલક મલકાતો,
ફૂલ-પાંદડે મોતી વરસાવી હરખાતો વરસાદ,
ટપટપ કરતો ટપકી અમી-છાંટણા વરસાવતો,
ને હૈયૈ હરખની હેલી ભરવા આવતો વરસાદ,
વરસતાં કદી ભાન ભૂલી ધોધમાર છલકાતો,
જાણે પાળ તોડી વહેણમાં ધસમસતો વરસાદ,
મળવા ધરાને બાવરો બની ધસમસતો વરસતો,
મળી ધરાને આંસુડાની ધારે છલકાતો વરસાદ,
બુંદ-બુંદમાં ઓજ સમાવી વૈભવશાળી લાગતો,
ને મેઘધનુષ સંગ જાજરમાન લાગતો વરસાદ.
