અજંપો
અજંપો
અચાનક ઉપડેલ દુઃખાવો,
ડોક્ટરોની મુલાકાતો,
સોનોગ્રાફી અને રિપોર્ટોનાં ઢગલાઓ,
દવાઓના અખતરાઓ,
અને અંતે
સ્વજનો અને ડોક્ટરોનો એક જ નિર્ણય,
અંગ કાઢી નાખીએ તો ?
થાકેલી, હું હેબતાઈ ગઈ
થોડો સમય લીધો, હવે જરાય ડર નહીં
પણ, મનનાં ખૂણે, એક અંજપો,
ભીતરે ઉઠતો બળાપો,
પોતાના જ અંગને અળગા કરવાનો,
મારી બેદરકારી, બેકાળજી જ મારા આ મિત્ર પ્રતિ,
કેટલાય વર્ષોથી હું એની સાથે,
ભલે આંખોથી ના જોયેલ અંગ
પણ, સ્ત્રીતત્વનું ભાન કરાવતું એ અંગ,
મારા અંશને જાળવ્યો તેણે જ, ઉદરે નવ માસ !
પણ, કેમ ? અચાનક શું થયું ? ન સમજાયું મને,
આ અબોલ સ્વજનનાં મોતની તૈયારી કરું,
કે પછી ખુદને સાચવવાની કોશિશ કરું.
અંત તો બંનેનો...
એક સુખદાયક,
એક દુઃખદાયક.
મને ખબર છે બેહોશ, હું હોઈશ ને,
કાતરે કપાઈને તું અલવિદા લઈશ,
તને જોયા વગર જ હું તારાથી વિખૂટી થઈશ
માફ કરજે, પણ હું તને
ન સાચવી શકી,
ન છૂપાવી શકી,
ન બચાવી શકી !
