આત્મ અજવાળી શકાય ?
આત્મ અજવાળી શકાય ?
જિંદગીને ચાહવાથી મોતને ટાળી શકાય,
શ્રી શરણનો જામ પીતાં વેદના ખાળી શકાય.
ભક્ત નરસૈંયો બનો તો યાદ રાખો એટલું,
માણવા હો કૃષ્ણ તો આ હાથને બાળી શકાય.
રંગ, રૂપ ને ગુણ બધા, સંશય મિટાવી દો પછી,
આવતા હો યમ છતાંયે, જાત રખવાળી શકાય.
હું અને તું જયાં મળીએ, જ્ઞાનના આસ્વાદમાં,
જ્ઞાનનો આસ્વાદ થાતાં, મૃત્યુને પાળી શકાય.
જો કદી ખુદને મળો તો પૂછજો 'હેલી'તમે,
જો મળે શરણું ગુરુનું, આત્મ અજવાળી શકાય ?
