આસાન નથી
આસાન નથી
રોજ દિલને સમજાવવું આસાન નથી,
તારા વગર મનાવવું આસાન નથી,
ફરી ફરી એક જ વાતનું રટણ કરે છે,
વ્યસન તમારું છોડાવવું આસાન નથી,
એકલો દૂર નીકળી ગયો છું રાહ પર,
ફરી ભીડમાં જોડાવું આસાન નથી,
તમે આવો તો પ્રણયની મહેફિલ સજાવીએ,
એકલા ગીત ગાવું આસાન નથી,
ગમે એટલું કરો પણ છાનું નહીં રહે,
લાગણીનું પૂર છુપાવવું આસાન નથી,
એમ ક્યાંથી પીછો છોડાવી લેશો,
જન્મોનું ઋણ ચૂકાવવું આસાન નથી,
તમારી ચાહતમાં એકવાર ડૂબ્યા પછી,
કિનારે આવવું આસાન નથી,
મળી છે તક તો ઝડપી લો એકવાર,
પ્રેમ વગર જીવવું આસાન નથી,
થોડું ઈશારાઓમાં પણ સમજો,
બધું ગઝલમાં ઠાલવવું આસાન નથી.

