આપણું વીતેલું બાળપણ
આપણું વીતેલું બાળપણ


હાલને ભેરુ સાંભરે છે આજ આપણું બાળપણ,
ગામના પાદરે વીતેલું એ આપણું અલ્લડ ભોળપણ,
યાદ છે તને એ સ્ફૂર્તિભરી સવાર,
જ્યાં વડની વડવાઈએ ઝૂલાતી આપણી કતાર !
રમતા'તા પેલી સંતાકૂકડીની માયાજાળ,
થતો થપ્પો જ્યારે મળતી છૂપાયેલાની ભાળ,
કેવી શાંત ને થંભીલી હતી એ ઉનાળાની બપોર,
રમવા કચૂકો ને અડકો-દડકો ઉભરાતો બાળસાગર !
અટવાટો આંધળોપાટોમાં દાવ આપનાર,
ને પોલીસ જેમ બતાવતો ઠાઠ આઉટ કરનાર !
રમતા'તા ગિલ્લી-દંડો ને આંબલી-પિપળી આંબાવાડીએ,
મચાવતા ભારે શોરબકોર પકડવા લાકડી હથેળીએ,
આજે પણ યાદ છે એ શેરીની ખદબદતી સંધ્યા,
લગાવતા'તા ટાયરની રેસ આપણે હારે લંગોટિયા !
મૂકી ઠીકરી લંગડી રમી જીતતા'તા બંગલો મજાનો,
તોડતા'તા થપ્પી ઠીકરીની તાકી એક નિશાનો,
હાલને ભેરુ સાંભરે છે આજ આપણું બાળપણ,
ગામના પાદરે વીતેલું એ આપણું ભોળપણ.