'રંગારો' - નાર તણો
'રંગારો' - નાર તણો
તારી કાતિલ નજરોની કામણગારી પીંછીનું તો શું કહેવું ?
છાલક્યાં શર્મિલા શેડો ઝૂકેલ પાપણે,
ને લગાવી લાલિમા બંધ હોઠોના બારણે,
પુરી દીધી ગુલાબી રંગોળી તે તો ગાલોના ખંજને !
તારી નજાકતભરી અંગ મરોડનારી પીંછીનું તો શું કહેવું ?
વહાવ્યા તરંગિત રંગો લટકાભરી ચાલે,
ને ઘોળ્યા મોહક વળાંકો પાતલડીની કાયે,
સજાવી દીધી વાદળી ઘટાઓ તેં તો ઘુમ્મરીયા વાળે !
તારી માયાભરી વ્હાલ વરસાવનાર પીંછીનું તો શું કહેવું ?
વરસાવ્યા પ્રેમના રંગો અમ ઉર-આંગણે,
ને ફોર્યાં મીંઠા વેણ કામિનીકેરી જીભે,
રંગી દીધો સ્નેહ રંગ તેં તો પાલવના છેડે !
આવા કોમળ રંગરૂપ આપનાર એ રંગારાનું તો શું કહેવું !
આપ્યા અગણિત રૂપો એક જ જોબને,
ને ઉતાર્યું અપાર સૌંદર્ય ધરણીતીરે,
કરી દીધું નવલી-નારતણું સર્જન કુદરતનાં ખોળે !