'મા' એક અવર્ણનીય વ્યક્તિત્વ
'મા' એક અવર્ણનીય વ્યક્તિત્વ


કરવા બેઠી વર્ણન 'માં'ના વ્યક્તિત્વતણું,
ખુટ્યા શબ્દો મારા શબ્દકોશનાં !
સાચે જ, કેવી 'અવર્ણનીય' છે તું મા !
વરસાવે અપાર પ્રેમની વર્ષા મુજ પર,
ઉભરાતું કઠોર વાણીમાં પણ તુંજ અંતરનું હેત !
આવે ન કોઈ તોલે તારી મમતાને,
સાચે જ અતુંલ્ય 'વાત્સલ્યમય' છે તું મા !
જમાડતી તું સૌ કુટુંબીજનોને પેટ ભરીને,
સાંભળી સૌના 'ઢેકાર', ઠરતું પેટ તારું !
કહેવાતો 'અન્નદાતા' જગ આખાયનો ખેડુ,
પણ, સાચે જ દેવી 'અન્નપૂર્ણા' છે તું મા !
લેતી સંભાળ બાળ, જુવાન, વડીલોની,
જોઈ સૌ ને સ્વસ્થ, માનતી નિરોગી ખુદને !
ભરી દવા સઘળા રોગોની તુંજ રસોડામાં !
સાચે જ જગની શ્રેષ્ઠ 'ધન્વંતરી' છે તું મા !
આપતી જીવન જીવવાની સાચી સમજણ,
કરતી મીઠી ટકોર હરેક કાર્યમાં !
બતાવી સાચી જીવન દિશા, બની પથદર્શક,
સાચે જ પ્રથમ 'ગુરુ' આદરણીય છે તું મા !
કરતી સામનો જીવનના પડકારોનો,
બનતી સંતાન કાજ, ક્યાંક 'અંબા' તો ક્યાંક 'મહાકાળી' !
બતાવતી પરચો અનોખી સહનશક્તિનો,
સાચે જ શક્તિરૂપી 'અવતાર' છે તું મા !
રેલાવી સદા મીઠું સ્મિત ચહેરે,
આપતી હૂંફ બાળ બચ્ચાને,
છૂપાવી રુદિયે દુઃખ, પહેરી હાસ્યનું મહોરું !
સાચે જ વિશ્વ રંગમંચની શ્રેષ્ઠ 'અદાકારા' છે તું મા !
આપતી બાળને જીવનના અનુભવોનું જ્ઞાન,
ઘડતી જિંદગીનો ઘાટ સદગુણોથી,
બનતી જીવનની સાચી શિલ્પી !
સાચે જ બાળની 'વિશ્વકર્મા' છે તું મા !
આવાં તો કઈ કેટલાય રૂપ છે તારાં,
ભજવે તું દરેક રૂપે નોખું જ કિરદાર !
એટલે જ રચના તું શ્રેષ્ઠ ઈશ્વરતણી !
સાચે જ વંદનીય છે તું મા !
કરવા બેઠી વર્ણન 'માં'ના વ્યક્તિત્વતણું,
ખૂટ્યા શબ્દો મારા શબ્દકોશનાં !
સાચે જ, કેવી 'અવર્ણનીય' છે તું મા !