આપી શકે
આપી શકે
તારલાઓ તું ગણાવી છાબમાં આપી શકે,
કે અધૂરા જે રહ્યાં અરમાન દફનાવી શકે,
આભ ઉપર પગ તળે રાખી ધરા, ઊભી રહું,
એક સપનું પૂર્ણ થાશે આશ જન્માવી શકે ?
નામ તારું થાય રોશન એ પ્રયાસો તો કર્યા,
પણ કદી થાકી જઈ ભાંગી પડું સાંખી શકે ?
ચાલ મનવા તું હવે ત્યાં ધ્યેય સામે કર નજર,
બસ કદમભર દૂર છે જો હાથ લંબાવી શકે,
જો નજર ઈશ્વર તરફ કરવી પડે તો કર હવે,
આરઝુ તારી થશે પૂરી જો અપનાવી શકે,
એ બહાના ત્યાં બતાવી રોજ છટકી જાય છે
ને ફસાઈ જાય ત્યારે વાત ઉપજાવી શકે,
આપવાની વાતમાં ના પાડવાની હામ છે ?
શાખ તારી સાચવીને કેમ શરમાવી શકે ?
