આમ, નવું વર્ષ ઉજવાય
આમ, નવું વર્ષ ઉજવાય
મંદીરોમાં અનનકુટ ને બદલે,
જરુરતમંદને મદદ કરાય,
અવનવી મીઠાઈઓથી,
ગરીબ જઠરાગનિ જ્યારે ભરાય,
અને આમ, નવું વર્ષ ઉજવાય !
ફટાકડાંઓનાં ધુમાડાને બદલે,
હતાશ મનમાં, દિવાળી ઉજવાય,
એક ઉત્સાહનાં કોડિયાથી,
ઉરમાં હર્ષ નો દીપક પ્રગટાવાય,
અને આમ, નવું વર્ષ ઉજવાય !
નારી ને અબળા ને બદલે,
શક્તિ માની પુંજાય,
ઘરમાં એનાં પાવન પગલાં,
લક્ષ્મી સ્વરૂપે ગણાય,
અને આમ, નવું વર્ષ ઉજવાય !
રાગ દ્વેષ ને ક્લેશ ને બદલે,
પ્રેમને મહત્વ અપાય,
નફરત નહીં પણ,
“ચાહત”ની, રંગોળી રુડી પુરાય,
અને આમ, નવું વર્ષ ઉજવાય !
ખોટી ઝાકઝમાળ ને બદલે,
ભીતર જો ઉજવાય,
મલકતાં રહે હૈયાં ને,
લાગણીનાં આસોપાલવ રોપાય,
અને આમ, નવું વર્ષ ઉજવાય !
