આઝાદ થાઓ
આઝાદ થાઓ


સંકુચિત માનસ બધાં છોડો, હવે આઝાદ થાઓ.
જાતનાં વાડાં બધાં તોડો, હવે આઝાદ થાઓ.
દેશ તો આઝાદ છે પણ માનવી સૂતો હજી પણ,
ભેદભાવો ના લઈ દોડો, હવે આઝાદ થાઓ.
ખોતરે છે માનવી તો માનવીને કેમ આજે,
સ્વાર્થ ખુદનો ના તમે જોડો, હવે આઝાદ થાઓ.
લાખના તો એ રતનને, ધૂળમાં ના મેળવો લઈ,
મૂલ્ય આંકો આમ ના ફોડો, હવે આઝાદ થાઓ.
ભીંજવી લો મન ફરીથી સ્નેહના આ આંગણામાં,
વાવટો તો પ્રેમનો ખોડો, હવે આઝાદ થાઓ.