આજ તો રવિવાર છે
આજ તો રવિવાર છે
શેરી મહીં શમણા રમે છે, આજ તો રવિવાર છે,
પરિવાર સાથે સૌ જમે છે, આજ તો રવિવાર છે,
લીટા તણાયા ચોક કેરા, થઈ ગલી મેદાન ભઈ,
તડકો અને ઠંડી ખમે છે, આજ તો રવિવાર છે,
મા-બાપ જાતાં ઓફિસે, બાળક જતાં નિશાળમાં,
બાળક વિયોગે એ નમે છે, આજ તો રવિવાર છે,
બાળક ઘણી મોજ માણે લઈ રજાનો લાભ ભઈ,
મા-બાપ પણ હરખી ભમે છે, આજ તો રવિવાર છે,
થઈ છે પળોજણ, કામ કેરી દૂર, જીવન ધન્ય કર,
રસલ્હાણ ઝરતી 'શ્રી' ગમે છે, આજ તો રવિવાર છે.
