કવિતાનો હલવો
કવિતાનો હલવો
તમે ગાજરનો હલવો કે દૂધીનો પૌષ્ટિક હલવો ખાધો હશે -
જો તમે ખાવાના શોખીન હશો તો
અથવા તમે ખૂબ હોંશેથી બનાવ્યો પણ હશે, જો તમે પોતાને 'કિચનકિંગ' માનતા હશો !
તમે રોજ રોજ નવી નવી વાનગીની એક સંશોધનકારની માફક શોધ કરવામાં કેટકેટલું ઘી,મસાલા અને કિચનના રસાયણો વેડફી દેતા હશો !
મેં મારી જાતને એક મોટી યુનીવર્સીટીમાં સફળ થયેલ ટોપ સાયનટીસ્ટની જેમ મારી કિચન લેબોરેટરીમાં અસંખ્ય મસાલાઓનો ભેળ કરીને !
'ગિનિઝ બુક રેકોર્ડ' માં અંકિત થાય એવી વાનગી બનાવવાનું શરુ કર્યું !
સૌ પ્રથમ એક કડાઈમાં ઉકળતી લાગણીના દૂધને તપવા દીધુ, પછી ઉકળે એટલે જીવનના પ્રસન્નતા ભર્યા પ્રસંગો રુપી સાકરને ઓગળવા મુકી !
પછી આટલા વર્ષો લગી ફ્રીજમાં સંગ્રહી રાખેલ લાલ, રાતાચોળ દુ:ખોના ગાજરને છીણીને એકરસ થવા દીધુ....
કોઈ મીઠી યાદોની એલચી ભભરાવીને.....
થોડીવારમાં રેકોર્ડમાં નોંધાય એવી વાનગી તૈયાર થઈ,
ખબર છે એનું નામ - એ તો મારો
સ્પેશિયલ કવિતાનો હલવો !
