Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Drama Thriller

3  

Mariyam Dhupli

Drama Thriller

લાડુ

લાડુ

4 mins
14.9K


ડોરબેલ વાગી. મનમાં થયું કોઈ મહેમાન આવ્યા હશે. દિવાળી ઉપર સવારથી મહેમાનોની આવનજાવન શરૂ થઇ ચુકી હતી. દરવાજો ખોલ્યો અને એ તદ્દન સામે ઉભો હતો. મારી આંખો વિસ્મયથી ચમકી. એ આમ મારા ઘરે? અહીં સુધી આવવાની હિમ્મત એણે કઈ રીતે ભેગી કરી હશે?

" કોણ છે આરતી ?"

પાછળથી મમ્મીનો અવાજ ગુંજ્યો. મહેમાન ઉપર કદાચ એની નજર આવી ડોકાય એટલે અણગમા દર્શાવતા એના ડગલાં નિયમિત કરતા થોડા ઉંચાજ સ્વરમાં રસોડામાં પહોંચતા મને સંભળાયા.

હું તદ્દન વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ ગઈ. શું કરું? શું કહું? મૂંઝવણ ભારોભાર. તહેવારનો દિવસ હતો. આંગણે ઉભા મહેમાનની અવગણના કઈ રીતે થાય? એના મોઢે બારણું તો નજ વાંસી દેવાય.

" આવો , અંદર આવો ." વિમાસણમાં શબ્દો જાતેજાતે મોઢામાંથી વિખરાઈ ગયા. રસોડામાં પહોંચેલી મમ્મીના દાંત ભીંસાયા હશે એ દ્રશ્ય નિહાળવા વિનાજ હું કલ્પી રહી.

મારા શબ્દોથી એનો ગભરાયેલો અને તાણયુક્ત ચ્હેરો થોડો હળવો થયો. છતાં એની આંગળીઓ અને હથેળીના હાવભાવો એના અંતરના ડરને પારદર્શી બનાવી રહ્યા. સોફા ઉપર ગોઠવાયેલા શરીરની આંખો ચારે તરફ દીવાલો ઉપર એ પ્રમાણે ફરી રહી જાણે આગળ શું કરવું, શું કહેવું એ અંગે કોઈ ઊંડી પૂર્વતૈયારી થઇ રહી હોય.

" પાણી ?" ઔપચારિકતા સિવાય વાત આગળ ધકેલવા મારી પાસે પણ કોઈ વિકલ્પ ન હતો.

" નહીં ....થેન્ક્સ ...." સામે તરફથી પણ ઔપચારિકતાનો જ આશરો લેવાયો .

રસોડામાંથી વાસણના અફળાવાનો અવાજ થયો. હું સહેમી ઉઠી. એ અવાજ સાહજિક તો ન હતો. કોઈ છૂપો સંકેત કે મને બોલાવવા માટેનો એક ચતુર ઈશારો.

" એક્સક્યુઝ મી ....." છોભીલા હાવભાવો જોડે હું રસોડા તરફ દોડી.

મમ્મીનો ફૂલેલો ચ્હેરો અને ક્રોધમાં ચળકતી આંખો તદ્દન અપેક્ષિત હતી. મારા અવાજની તીવ્રતા ન્યુનતમ રાખી હું એને શાંત પાડવા અને પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા પ્રયાસ

કરી રહી.

" જો મમ્મી હું દિવાળી પછી દિલ્હી જતી રહીશ. પછી ખબર નહીં જીવનમાં ફરી એને મળી પણ શકીશ કે નહીં. અંતિમવાર હું એને એક મિત્ર તરીકે મળવા ઈચ્છું છું. એના માટે નહીં જ. મારા હૃદયની શાંતિ માટે. પ્લીઝ!"

મમ્મીના ચ્હેરાની અકળામણ યથાવત રહી. પણ એ સમજી ગઈ હશે એ વાતની મારા મનને ખાતરી અપાવતી હું બેઠકખંડમાં પહોંચી.

મારી થોડા મિનિટોની ગેરહાજરીમાં વાત કરવાની થોડી હિમ્મત ભેગી થઇ હોય એ રીતે આખરે પોતાના આગમનનું કારણ ખચકાતા સ્વરે એણે જણાવ્યું.

" એક્ચ્યુલી ઘરની ચાવી ખોવાઈ ગઈ છે. તારી પાસે એની ડુપ્લીકેટ હશે એ અંગેજ ...."

એના મોઢેથી બોલાયેલો ' ઘર ' શબ્દ મને એજ ક્ષણમાં એ ઘરમાં ઉજવેલી મારી અંતિમ દિવાળીની ક્ષણો તરફ ખેંચી ગયો.

મહેમાનોથી ખીચોખીચ બેઠકખંડની વચ્ચે એક હાથમાં શરાબની બોટલ અને બીજા હાથમાં મારા હાથે તૈયાર થયેલા દિવાળીના લાડુની થાળ લઇ એ ઉભો હતો. ઉપરથી નીચે સુધી નશામાં ધુત્ત, તહેવારને દિવસે પણ. હું ટેવ પ્રમાણે ફક્ત બધોજ તમાશો ચુપચાપ નિહાળી રહી હતી. આંસુઓ કંટાળીને હવે પોતાની ફરજ ચુકી જતા હતા.

" ખાઓ , બધા ખાઓ. મારી આરતી જેવા લાડુ કોઈ ના બનાવી શકે. આ લાડુનો સ્વાદ ચાખીને જ તો લગ્ન માટે હા પાડી હતી. આ લાડુ વિના મારી દિવાળી અધૂરી. પણ એ તો આ દારૂ વિના પણ અધુરીને. અફસોસ હું એના લાડુને જેટલો પ્રેમ કરું છું એટલો પ્રેમ એ મારી દારૂને નથી કરતી. શું કરવા નથી કરતી? જવાબ આપ ."

બધા મહેમાનોની વચ્ચે એણે મારા ગાલ ઉપર થપ્પડ માર્યો હતો.

એ થપ્પડનો સ્પર્શ અને પીડા વર્તમાનમાં પણ હું અનુભવી રહી. ચમકીને સ્વસ્થ થઇ સ્થગિત વાર્તલાપની દોર હું ફરીથી થામી રહી.

" પણ એ ડુપ્લીકેટ ચાવી તો અદાલતમાં છેલ્લે દિવસેજ પરત કરી દીધી હતી. "

ફરીથી એજ છોભીલા હાવભાવો. " ઓહ , તો તો મારી પાસેજ હોવી જોઈએ. ઠીક તો હું નીકળું. સોરી ટુ ડિસ્ટર્બ યુ એટ ધીઝ ટાઈમ."

" એક મિનિટ . હું આવું છું ." બેઠકખંડમાં એને મારી રાહ જોવાનું કહી હું ઝડપભેર રસોડામાં પહોંચી. દિવાળીની મીઠાઈ વહેંચવા ખરીદેલા પુઠ્ઠાના ડબ્બાઓમાંથી એક મોટો ડબ્બો લઇ મારા હાથે બનાવેલા લાડુઓથી ભરી નાખ્યો.

" આઈ કાન્ટ બીલીવ ધીઝ ." મમ્મીના ગુસ્સાભર્યા ઠપકાને સંયમથી અવગણતી હું શીઘ્ર બેઠકખંડમાં પહોંચી.

" ધીઝ ઇઝ ફોર યુ ."

" આની શી જરૂર હતી ? " ફરીથી ઔપચારિકતાની લહેરો બેઠકખંડમાં ઉછળી રહી.

" બસ તહેવારના લાડુ છે ."

' લાડુ ' શબ્દ સાંભળતાજ એની આંખો ચમકી.

" ઓહ ...થેંક્સ ...તો હું નીકળું?" મીઠાઈના ડબ્બા ઉપરની એની પકડ એટલી જ ચુસ્ત થઇ જેટલી રમકડાં થામેલા કોઈ બાળકની.

હકારમાં માથું ધૂણાવી એક સંસ્કારી યજમાન માફક હું એને અંતિમ વિદાય આપવા બારણે પહોંચી.

"ઓકે ધેન બાય ...." મારી આંખોમાં ઝાંખી એણે અંતિમ શબ્દો કહ્યા.

અમારા સંબંધને એક મૈત્રીસભર પૂર્ણવિરામ આપવા આખરે મારા દિલ્હી ખાતેના ટ્રાન્સફરના સમાચાર એને જણાવી જ દીધા.

" એકચ્યુલી દિવાળી પછી હું દિલ્હી જતી રહીશ. ટ્રાન્સફર. સો....."

આગળ હું કાંઈ બોલી શકી નહીં. પણ એ સમજીજ ગયો હશે કે હવે મળવું અશક્યજ.

એના ચ્હેરા ઉપર ઉપસી આવેલો પરસેવો એના અંતરના શોકનો પુરાવો બની રહ્યો.

ચ્હેરા ઉપરનો પરસેવો લૂંછી, પોતાના હય્યાની સાચી પરિસ્થિતિ ઉપર પરદો નાખવા એણે ધ્રૂજતા હાથે ખિસ્સામાં હાથ નાખી રૂમાલ બહાર ખેંચી કાઢ્યો.

ઘભરાટને કારણે રૂમાલ જોડે બીજી કઈ વસ્તુ પણ બહાર નીકળી જમીન પર પછડાઈ.

મારી દ્રષ્ટિથી બચાવવા અત્યંત ઝડપથી એ વસ્તુ ઊંચકી એ પીઠ ફેરવી દાદર ઉતરી અદ્રશ્ય થઇ ગયો.

હું થોડી ક્ષણો સુધી ત્યાંજ સ્તબ્ધ ઉભી રહી ગઈ.

નહીં, એ મારી દ્રષ્ટિની ભ્રમણા ન જ હતી.

એના ખિસ્સામાંથી ઘરની બન્ને ચાવી જ નીચે પછડાઈ હતી......


Rate this content
Log in

Similar gujarati story from Drama