Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

nayana Shah

Tragedy Inspirational Thriller

4  

nayana Shah

Tragedy Inspirational Thriller

ગોઠવણ

ગોઠવણ

6 mins
379


પરોક્ષ બેચેન હતો. કારણ કે એના સ્વપ્ન ચકનાચૂર થઈ ગયા હતાં. એને થયું કે એના કરતાં તો સાધુ જીવન સારું કારણ કે એમાં તો એમની કોઈ ઈચ્છા જ ના હોય.

ઘણીવાર થતું કે દીકરાને ત્યાં જઈને રહે. દીકરો તો ચૂપ રહે પરંતુ પુત્રવધૂ તરત પૂછે, "પપ્પા તમે એકલા કેમ આવ્યા ? " ત્યારે એ શું જવાબ આપે ? પતિપત્ની વચ્ચે પાછલી ઉંમરમાં બહુ જ પ્રેમ અને લાગણી હોય, બોલ્યા વગર પણ બંને એકબીજાના મનની વાત સમજી શકતા હોય. નિવૃત્તિ માં બધા મિત્રો કેટલા આનંદથી બહારગામ ફરતાં હોય છે. ખરેખર તો નિવૃત્તિ એટલે જ બધી જવાબદારીઓમાંથી મુકિત. એને પણ કયાં જવાબદારી હતી ? છતાં પણ એ જિંદગીનો ભરપૂર આનંદ કયાં ઉઠાવી શકે છે ?

પરોક્ષ બારી પાસે ખુરશી પર બેસીને ભૂતકાળ વાગોળતો હતો. એનું ઘર સામાન્ય હતું. એને તો જેમતેમ કરી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો. એ દરમ્યાન બાપદાદા તરફથી મળેલ ઘરેણાં તથા વાસણો વેચાતાં જ રહ્યા. માબાપને આશા હતી કે દીકરો ભણીગણીને નોકરી કરતો થશે તો દાગીના ફરીથી વસાવી શકાશે. પરંતુ ભણવાની ઉંમર જતી રહેશે તો એ ફરીથી પાછી નહીં આવે. તેથીજ એને નક્કી કરેલું કે લગ્ન તો નોકરી કરતી યુવતી સાથે જ કરશે. એવામાં જ સ્પૃહાનું માંગુ આવ્યું. એને કોમ્પ્યુટરમાં એન્જિનિયરિંગ કરેલું. પગાર પણ લગભગ એના જેટલો જ હતો. એના આગમનથી એ બહુ જ ખુશ હતો. સ્પૃહા પણ કહેતી કે, "તમારા માબાપે તમારા ભણતર પાછળ પુષ્કળ ખર્ચ કર્યો છે. એમને તો પૈસેટકે હમેશા તંગી જ વેઠી છે. હવે એમને ઠારવાની જવાબદારી આપણી." સ્પૃહા બોલવા ખાતર બોલી ન હતી એને તો આવતાંની સાથે જ ઘરની જવાબદારી સંભાળી લીધી હતી. સવારે વહેલા ઊઠીને રસોઈ તથા ઘરનું બધું કામ પરવારીને નોકરીએ જતી. એટલુંજ નહીં બંને નણંદોને કહેતી, "તમે તમારી મેળે વાંચો. માબાપને ત્યાં છો ત્યાં સુધી ભણી લો. પછી સાસરે ગયા પછી તમારે કામ કરવાનું જ છે ને ! અને તમને કંઈ પણ ના આવડે તો મારી મદદ લેજો." સ્પૃહાના આવ્યા પછી મહેમાનોની અવરજવર પણ વધુ રહેતી. પરંતુ સ્પૃહાએ કયારેય મોં ચઢાવ્યું ન હતું. એ તો આવનાર દરેક વ્યક્તિના મન જીતી લેતી. શરૂઆતના દિવસોમાં તો સ્પૃહા કહેતી, "ફરવા માટે તો આખી જિંદગી પડી છે. અત્યારે આપણી જવાબદારી પુરી કરવાની છે. પરંતુ ત્યારબાદ એવું થતું કે ઘરમાં બધા પરોક્ષને પૂછવાને બદલે દરેક બાબતમાં સ્પૃહાની જ સલાહ લેતાં. એ દરમ્યાન સ્પૃહા એક દીકરા અને એક દીકરીની મા બની ગઈ હતી એટલું જ નહીં એનો પગાર પરોક્ષ કરતાં વધી ગયો હતો અને એને સતત પ્રમોશન પણ મળતું રહેતું હતું.

પરોક્ષનું સ્વમાન ઘવાતું હતું.પરિણામ સ્વરૂપ એને વાત વાતમાં સ્પૃહાનું અપમાન કરવાનું ચાલુ કરી દીધું. વાતવાતમાં "બુદ્ધિ વગરની, સ્ત્રીની બુદ્ધિ પગની પાનીએ. સ્ત્રી તો સ્ત્રી હોવાના કારણે જ લટકાચટકા કરી પ્રમોશન મેળવે બાકી બુદ્ધિના નામે મીડું "ઈર્ષા ને કારણે એને કંપનીમાં એકસાથે બબ્બે પાળી કરવાનું ચાલુ કરી દીધું. કારણકે વધુ કામ કરવાથી એને વધુ પૈસા મળે.વારંવાર અપમાન સહન કરવા ને કારણે હવે સ્પૃહા એકદમ શાંત થઈ ગઈ હતી. દીકરા દીકરીના ભણતર પર જ વધુ ધ્યાન આપતી હતી. હવે તો પરોક્ષને સાબિત કરવું હતું કે એ પત્ની કરતાં ઘણો ચઢિયાતો છે. ત્યારબાદ તો હમેશાં એ ગુસ્સામાં જ રહેતો તક મળે પત્નીને મારઝૂડ પણ કરતો. દરેક વ્યક્તિ સ્પૃહાના વખાણ કરતું એ પણ ઈર્ષા માટે નું કારણ હતું. બધા કહેતાં પરોક્ષ નસીબદાર છે કે એને સ્પૃહા જેવી ભણેલી ગણેલી સંસ્કારી અને સમજુ પત્ની મળી. એને થતું કે કોઈ તો કહે કે ,"સ્પૃહા નસીબદાર છે કે એને પરોક્ષ જેવો પતિ મળ્યો."પણ એ વાક્ય કયારેય એને સાંભળવા મળતું નહીં. પરોક્ષના માબાપનું અવસાન થઈ ગયું અને બંને નણંદો પરણીને સાસરે જતી રહી હતી. દીકરો દીકરી પણ મોટા થઈ ગયા હતા. હવે તો સ્પૃહાનો પક્ષ લેનાર પણ કોઈ ન હતું. હવે એ પણ પતિ સાથે કામ સિવાય વાત જ કરતી નહીં. એવામાં જ એની બદલીનો ઓર્ડર આવ્યો. એ ખૂબ જ ખુશ હતો. કારણ એને પ્રમોશન મળ્યું અને સાથે સાથે પગાર પણ વધુ મળવાનો હતો. સ્પૃહા એટલી અબુધ ન હતી કે પતિના ગુસ્સાનું કારણ સમજી ના શકે. દીકરો કોલેજમાં આવી ગયો હતો અને એની નોકરીના વીસ વર્ષ પૂરાં થઈ ગયા હોવાથી એને પેન્શનનો લાભ મળે એમ હતું. તેથી જ એને પતિને કહ્યું, "હું નોકરી છોડી દઉં છું. તમે પાછા આ શહેરમાં આવતાં રહો. " પરંતુ પરોક્ષની ઈચ્છા પાછા આવવાની હતી જ નહીં. એને તો હતું કે મારી ગેરહાજરીમાં પત્નીને મારી મહત્તા સમજાશે. પરંતુ કોઈનાય વગર કોઈનુંય કામ કયારેય અટકતું નથી. 'કોઈ વ્યક્તિ એ કોઈ બીજી વ્યક્તિથી એટલો વખત દૂર ના રહેવું જોઈએ કે એ તમારા વગર જીવતા શીખી જાય.' દીકરા દીકરીના લગ્ન બાદ પણ પરોક્ષને નિવૃત્તિના પંદર વર્ષ બાકી હતાં. સ્પૃહાએ કહ્યું પણ ખરુ કે, "ત્યાં તમે એકલા છો તો હું તમારી સાથે આવું. " પણ પરોક્ષને બીક હતી કે ત્યાં પણ બધા સ્પૃહાના વખાણ જ કરશે. દીકરાને બીજા શહેરમાં નોકરી હોવાથી એ પણ ન હતો. ઘરમાં સાસુના વખતની સેવા હતી. અત્યાર સુધી તો મિસરી જ ધરાવતી હતી પરંતુ એકલી પડતાં જ એને તો ઘરને મંદિર બનાવી દીધું. સવારે મંગળાથી માંડીને શયન સુધી સેવા કરવા લાગી હતી. તેથી જ કયારે સવાર પડે અને કયારે સાંજ પડે એ જ ખબર પડતી નહીં. સ્પૃહા જોઈતી ચીજ વસ્તુઓ પણ ઓનલાઈન મંગાવી લેતી. છતાંય કોઈ વસ્તુ જોઈએ તો તેની નણંદો કે દીકરી આવે તો એમની પાસે મંગાવી લેતી. હવે સ્પૃહાની જિંદગી એટલે એના ઠાકોરજી. સવારે વહેલા ઊઠીને પરવારીને મંગળામાં દૂધ, દહીં, માખણ, મિસરી ધરાવતી. એ માટે રાતથી જ દૂધ મેળવવું, માખણ કાઢવું એ કામમાં પ્રવૃત રહેતી. ત્યારબાદ શૃંગારમાં લીલોસૂકો મેવો તૈયાર કરતી. પલનામાં તો ઠાકોરજી પાસે રમકડાં મુકી ઠાકોરજીને રમાડતી. કયારેક ભમરડો ફેરવતી તો કયારેક ધુઘરો વગાડતી. રાજભોગમાં તો અનેક વાનગીઓ બનાવતી. ઊત્થાપન વખતે પણ લીલોમેવો ધરાવતી. અને રાજભોગ અને ઉત્થાન વચ્ચેના સમયમાં સંધ્યાભોગ માટે ચેવડો, બુંદી, સક્કપારા વગેરે સામગ્રી કરતી. સાથે સાથે દૂધ ઘરની સામગ્રી કરતી. અનોસર (જયારે ઠાકોરજી પોઢી ગયા હોવાથી પ્રત્યેક દર્શન ના થાય)ના સમયમાં ધાર્મિક પુસ્તકોનું વાંચન કરતી.. જાણે કે એની જિંદગી ઠાકોરજીમય બની ગઈ હતી. હવે તો કુટુંબમાં બધાને એના પ્રત્યે વધુ ને વધુ માન થવા માંડ્યું. એટલે સુધી કે બધા કહેતા સ્પૃહા તાદ્દશી છે. (જે વૈષ્ણવને ઠાકોરજી સાથે સાક્ષાત્કાર થયો હોય.) શયનમાં તો સાંજની રસોઈમાં અનેક વિવિધતા હોય જ.

નિવૃત્તિ બાદ જયારે પરોક્ષે જોયું કે બધા મિત્રો જિંદગીની ભરપૂર મજા માણે છે. ત્યારે પત્ની સાથે આત્મીયતા કેળવવા પ્રયત્ન કરતો રહ્યો. આટલા વર્ષો બાદ પતિ નિવૃત્ત થઈને આવ્યો હતો. ભૂતકાળમાં તો ત્રાસ આપ્યો જ હતો પરંતુ ઠાકોરજીની સેવાના કારણે એ તો બધું જ ભૂલી ચૂકી હતી. પાર્ટીમાં જવાની વાત કરે તો એ તરત કહેતી, "શયન પછી જઈશું. હા, પણ હું બહારનું કે કોઈના ઘરનું ખાતી નથી. "પરોક્ષને થયું કે એ જો એની રીતે જીવવા ટેવાઈ ગઈ છે તો મારે શું ? તેથી જ એ સવારથી મિત્રોને ત્યાં જઈને બેસતો. આમ ને આમ જિંદગી પસાર પણ થઈ જાત પરંતુ કોરોનાને કારણે હવે એ કોઈને ત્યાં જાય તો બધાને ગમતું નહીં. એ વાત એ સમજી ચૂક્યો હતો. તેથી એને એક દિવસ પત્નીને કહ્યું, " મારી ભૂલોની મને માફી નહીં આપે ? પતિપત્ની તો એકબીજાના પૂરક છે. ઈશ્વરે એટલે જ સમાજમાં આ રીતે ગોઠવણ કરી છે. મારે તારો સાથ જોઈએ છે."

"મેં તો તમને કયારના ય માફ કરી દીધા છે. સીતાજીએ પણ મૃત્યુ સમયે પતિને કહેલું કે જન્મો જન્મ તમે જ મને પતિ રૂપે પ્રાપ્ત થાવ. કૃષ્ણએ ગોકુળ છોડ્યું છતાં પણ રાધા એમના હૃદયની રાણી જ રહી. ઈશ્વરનું અર્ધનારીશ્વર રૂપ એ પણ કહે છે કે બંને એકબીજા વગર અધૂરા છે. માટે જ પુરાતનકાળથી ઈશ્વરે આ ગોઠવણ કરી છે. એમાં હું કે તમે અપવાદ નથી. એટલું તો નક્કી કે તમે તમારી રીતે મિત્રો જોડે સમય પસાર કરી ને તમારી જાતને સમજાવવા પ્રયત્ન કરતાં રહ્યા કે તમે ખુશ છો પરંતુ જિંદગીમાં પતિ કે પત્નીએ એકબીજાથી કોણ ચઢિયાતું છે એ સાબિત કરવાનું નથી હોતું. પણ ઈશ્વરે પતિપત્નીનું સર્જન ધર્મ, અર્થ, કામ અને મોક્ષ માટે કરેલું છે. હવે એમાં વિક્ષેપ વગર સાથે અને સારી રીતે એકબીજા સાથે ગોઠવાઈ જઈશું. "


Rate this content
Log in

Similar gujarati story from Tragedy