Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Amrut Patel 'svyambhu'

Tragedy Crime

3.9  

Amrut Patel 'svyambhu'

Tragedy Crime

ષડયંત્ર

ષડયંત્ર

7 mins
443


  આજે દુનિયાભરની નજર ભારત દેશ તરફ છે ત્યારે... વસુંધરા નિત્યક્રમ પૂરો થતા વહેલી સવારથી જ ટીવી સામે ગોઠવાઈ ગઈ છે. સમાચાર ઉપર નજર કરતા તે જીતનો ઉત્સવ મનાવી રહી હોય તેમ હરખાઈ રહી છે. પરિણામ એક પછી એક બેઠકવાર જાહેર થઈ રહ્યા છે. કામવાળી જશીબાઈ હમણાંજ ચાના બે કપ મૂકી ગઈ તેમાંથી વસુંધરાએ એક કપ ઉઠાવી સમાચાર જોતા જોતા ઉતાવળે ઘૂંટડો ભર્યો ત્યાં જીભ દાઝી. બળતરા સાથે આંખમાં પાણી આવ્યું તે સાથે તેની નજર ટીવી ઉપરથી હટીને દિવાનખંડના ખૂણે પડી !

  ખૂણેથી દિવાકર જાણે કહી રહ્યો છે, " વસુ જરા ધ્યાન રાખ તું તો બધી વાતે ભારે ઉતાવળી !

વસંધરા જયારે પણ ઉતાવળમાં કોઈ કામ કરતી ત્યારે દિવાકર આજ રીતે તેને ટોકતો રહેતો. વસુંધરાની આંખ ક્યાંય સુધી એ ખૂણામાં સ્થિર બની. 

તે દિવાકરના વિચારોમાં ખોવાઈ. આ દરમિયાનમાં સંજરી ક્યારે તેની પાસે આવીને ગોઠવાઈ ગઈ તેનો ખ્યાલ સુધ્ધા વસુંધરાને ન રહ્યો !

  ' દાદી તમે શું માનો છો ? આ જીત પાછળના શું કારણો હોય શકે ? સંજરીના એકાએક પ્રશ્નથી વસુંધરા ફરીથી ટીવી ઉપર પ્રસારિત થતાં જીતનાં દ્રશ્યો ઉપર નજર કરતાં બોલી, ‘ એટલે હું કાંઈ સમજી નહી દીકરી ?

  'એટલે દાદી એમ કે આ વખતની ચૂંટણીમાં કેટલા બધા ઈસ્યુઓ ઊભાં થયા હતાં જેમ કે અનામત આંદોલન, જીએસટી, નોટબંધી, ત્રાસવાદ અને નેતાજીઓની આવન જાવન, પક્ષપાલટું જેવી કઈ કેટલી ઘટનાઓ બની કોઈ પણ પક્ષ માટે લોઢાના ચણા ચાવવા જેવી વાત હતી તો પણ આટલી જંગી બહુમતીથી વિજય થવો એ !

 'હા દીકરી તું સાચું કહે છે, હવે આ પહેલાં જેવી હરીફાઈ નથી રહી કે જનતા તમારા ઉપર આંખ બંધ કરીને આંધળો વિશ્વાસ મૂકી દે. હવે તમારે મૂલ્યનિષ્ટ નેતાગીરી પૂરી પાડી તમારા કરેલા કાર્યોને ઉજાગર કરવા રાતદિવસ એક કરવો પડે ત્યારે કંઈક જીતની આશા બંધાય.’ વસુંધરા શ્વાસ લેવા રોકાય.

ત્યાં..

  'દાદી હું જ્યારથી સમજણી થઈ ત્યારથી બસ એક જ વાત સાંભળતી આવી છું જ્યાં જુઓ ત્યાં વાતો થતી હોય છે કે, આ રાજકરણમાં પડવું એ સીધા સાદા માણસોનું કામ નહી. જો તમારે કુશળ "પોલિટીશીયન" બનવું હોય તો કુટનિતી વાપરવી જ પડે વગેરે.... વગેરે... દાદીજી તમે શું માનો છો આ અંગે....? 

સંજરીના અણધાર્યા પ્રશ્નથી વસુંધરાએ મૂંઝવણ અનુભવી. તે ફરી ચશ્માને સહેજ નાકના ટેરવેથી ઉપર કરતાં ખૂણાં તરફ તાકી રહી..!

  'દાદીજી તમારું તો આખું જીવન જ આ ક્ષેત્રમાં પસાર થયું તો તમારો શું અનુભવ રહ્યો આ રાજકરણ અંગે ?

  સંજરીની વાત સાંભળતા વસુંધરા પળવાર માટે મૌન બની. સંજરી તેમનાં ખોળમાં ઉછરીને જ મોટી થઈ હતી. અત્યાર સુધી તે સંજરીને એક હતો રાજા અને એક હતી રાણી તો વળી ક્યારેક દૂર વાદળ ઉપર બેસીને આવતી પરીની વાતો કરતી હતી.

પણ.... આજે સંજરીએ જ્યારે રાજકરણની ચર્ચા કરી ત્યારે વસુંધરાને લાગ્યું કે સમય કેટલો તેજ ગતિથી પસાર થઈ ગયો..!

  વરસોની વેદના ઘૂંટાઈ. વસુંધરા દ્રષ્ટિ સમક્ષ જીવાય ગયેલી જિંદગી તરવરી ઊઠી. દેહનાં એક ખૂંણામાં વરસોથી ભોંકાયેલા શૂળનો જુનો ઘા ફરી તાજો થયો. વીતેલા જિંદગીના દિવસો સાંભરી આવ્યા. તે સાથે તેની આંખમાં ચમકારા આવી ગયા.

વેદનાનાં આવરણને છેદવા મથતી હોય એમ વસુંધરા દિવાનખંડનાં ખૂણામાં ગોઠવાયેલી દિવાકરની તસવીર તરફ જોઈ, તેને સાચી શ્રધ્ધાંજલી આપવાનો સમય આવી ગયો હોય તેમ જોઈ રહી આજ સુધી તે છાતી ઉપર એવો ભાર લઈને જીવી રહી છે જે તેના માટે અસહ્ય હતો. તે કોઈને કહેવાય ન સહેવાય તેવી વેદના સાથે દિવસો પસાર કરી રહી હતી. દિવસ વીતી જાય ને દિવસનો થાક રહી જાય, એમ વેતીલી જિંદગીનો ભાર પણ મન ઉપર રહી જાય છે. વસુંધરાની જિંદગીમાં પણ ઘણું સારું અને ઘણું બુંરુ તેની રાજકરણની કારકિર્દી દરમિયાન બન્યુ.

 વસુંધરા વરસોનાં સંસ્મરણો તાજા કરતાં બોલી, ‘ દીકરી, રાજકરણની તો તને શું વાત કરુ. એ બધુ ત્યારે એકાકાર થઈ ગયું હતું. આજે આ ઘડીએ પણ હું તે આબેહૂબ અનુભવું છું. મારી આ કૃશકાયામાં હજી પણ રાજકરણની ગતિવિધિ ઓસરી નથી !

તારા દાદા સાથે ગામડાં ગામની સ્કૂલમાંથી બદલી કરાવી અહી મહાનગરમાં આવી ગયા. તારા દાદા અહી સ્કૂલમાં સામાન્ય શિક્ષક શહેરમાં બીજુ કોઈ પરિચિત જણ નહોતું. તે સમયે તારા પપ્પાનો જન્મ થયો નહોતો. શહેરથી અમે સાવ અજાણ, દાદા સરકારી સ્કૂલની સવારથી સાંજ સુધીની નોકરી પૂરી કરી મહાનગરનાં ઘોંઘાટથી છૂટી ઘરે પગ મૂકે ત્યાં શાંતિ મળે ! વસુંધરા અટકી.

 ત્યાં સંજરી બોલી, ‘ દાદી તમે આ રાજકરણમાં કઈ રીતે પ્રવેશ્યા ?

 વસુંધરા બોલબવા જતી હતી ત્યાં જ ટીવી ઉપર બન્ને પક્ષોના વર્ષવાર લેખા-જોખા ચાલતાં હતાંં.

ટીવીના પરદે વસુંધરાનો ભૂતકાળનો સૌથી વધુ મતોથી થયેલા વિજયનો આંકડાકીય ઈતિહાસ દર્શાવાય રહ્યો છે.

બન્ને તે તરફ એકીટશે જોઈ રહ્યા !

  'જો દીકરી, આ મારા જીવનની સૌથી મૂલ્યવાન પળ હતી. તે દિવસે હું ખૂબ ખુશ હતી. ખબર નહી કેમ પણ મને નાનપણથી નેતાગીરી કરવાનો ભારે શોખ જાગેલો અને બાલ્યાવસ્થાનો શોખ ઉંમર સાથે વિકસતો રહ્યો. તારા દાદા ભગવાનના માણસ તેમને આઅ બધામાં કાંઈ ગતાગમ પડે નહી. તે મારા કામમાં ક્યારેય માથું મારતાં નહોતા. આ તરફ સોસાયટીમાં અમારો પરિચય વધ્યો. સોસાયટીના પ્રમુખથી લઈ, કોર્પોરેટર અને તે પછી રાજ્યસભાની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ઝંપલાવ્યુ અને જંગી વોટથી ચૂંટાઈ ગઈ.

  તે પછીનો સમય રસ્તામાં ન ઓળખતાં હોય તેવી સાવ અજાણ વ્યક્તિ પણ કેમ છો દીદી ? કહી બોલાવતાં અને હું વેંત ઊંચી બનીને અનાયસ સત્કાર મેળવતી ગઈ !

  તારા પપ્પા દશેક વરસના થયા હશે ત્યાં સુધીમાં હું સંપૂર્ણપણે રાજકરણમાં સક્રિય બની ગઈ.

ચૂંટણીઓ તે પછી યોજાતી રહી. શરુઆતમાં અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવી સમાજમાં એક આગવી પ્રતિભા ઊભી કરી. સમય પસાર થતાં પાર્ટીના નામ મૂકતા પાર્ટીની ટિકિટ મળી. આ દરમિયાનમાં તારા મમ્મી-પપ્પા કેન્યા ઉપડી ગયા. આ તરફ પક્ષની ટિકિટ મળતાં જંગી વોટથી હું વિજય બની. પક્ષ તરફથી ખાતાની ફાળવણી થતાં મારું નામ સૂચવાયું અને મને ગૃહખાતું મળ્યુ. રાજ્યમાં સૌ પ્રથમ ગૃહમંત્રી તરીકે મેં સોગંદ લીધા.

  વસુંધરાને ફરી પાછો આજે તે સમય તાજો થઈ આવ્યો. કડવો ઘૂંટ પી ગયા હોય અને જે વેદના આંખમાં તરી આવે તેમ તે સંજરી સામે જોઈ રહી.

 ‘ દાદી તમારા આ કાર્યકાળ દરમિયાનમાં બનેલી કોઈ એવી અવિસ્મરણીય ઘટના હોય તો કહોને....? સંજરી વસુંધરાની વધુ નજીક બેસતા બોલી.

પળવાર માટે સન્નાટો છવાયો. વસુંધરા મૌન બની. સવારનો ઠંડો વાયરો બારીનાં પરદા ઉપર રમી રહ્યો છે. સામે ટીવી ઉપર એક પછી એક વિજેતાઓનાં નામોની સામે હારેલા ઉમેદવારોનાં વોટની સરખામણી ચાલી રહી છે.

 વસુંધરાએ ફરીથી દિવાકરની તસવીર તરફ અપરાધ ભાવથી નજર કરી તે પછી સંજરી બાજુ જોઈ સજળ નયને બોલી, ‘ આજ સુધી એક વાત આ હૈયામાં સંકોરી રાખી છે. જે આજ સુધી કોઈને કહી શકી નથી. એટલે એનો ભાર અસહ્ય થઈ પડે છે. જિંદગી એક શૂળ જેવી બની ગઈ છે. આ છાતી ઉપર મૂકેલા ભાર સાથે આ દેહ છૂટવાનો નથી. એટલે આજે તું પરીઓની વાતમાંથી વાસ્તવિક જીવન જીવતાં શીખી ગઈ છે અને વાત નીકળી જ છે ત્યારે !

 વસુંધરા ડૂસકું ભરી ગયા.

સંજરીએ વસુંધરાનાં ખભે હાથ મૂક્યો.

કળ વળતા વસુંધરા બોલી, ‘ તે દિવસોમાં તારા દાદાજી સાથે અહી અમે સુખમય દિવસો પસાર કરી રહ્યા હતાંં. હું રાજકરણનાં સંપૂર્ણ રંગમાં રંગાઈ ગઈ હતી. ધન, દોલત, ખ્યાતિ બધું જ હતું કોઈ વાતની કમી નહોતી. પણ મન હજુ વધુ ખ્યાતિ ઝંખતું હતું. ઉદ્ઘાટન સમારંભો એક પછી એક યોજાતાં રહેતા. પક્ષમાં મારું એક નામ હતું. પક્ષમાં મારા નામ માત્રથી કામો થતા રહેતા. જ્યાં જુઓ ત્યાં બસ મારી વાહ.. વાહ થતી રહેતી.

  ત્યાં એક રાત્રે ટેલીફોનની ઘંટડી રણકી ઊઠી. મેં ફોન ઊઠાવ્યો, સામે છેડેથી એક સંદેશો મળ્યો તે સાંભળતા હું મૂંઝાઈ ગઈ. હું સામો કોઈ પ્રશ્ન કરુ તે પહેલાં તો સામા છેડેથી સંપર્ક કાપી નાંખ્યો. ફોન ઉપર મળેલા સંદેશાથી હું બેચેન બની. શું કરવું તે સુઝતું નહોતું. રાત પસાર થતી રહી. મારી હાલત જોતાં તારા દાદાજી પુછતાં રહ્યાં, ‘ શું વાત છે.... આમ બેચેન કેમ લાગો છો ?! પણ મને મળેલો સંદેશો અતિગુપ્ત હતો. કોઈ ને કાંઈ જણાવી શકુ તેમ નહોતું. મારી સામે ધર્મસંકટ હતું. ફરી ફોન કરી સંપર્ક કરવાનો વિચાર આવ્યો. બીજી ક્ષણે તેનો કોઈ અર્થ સરવાનો નહોતો તે વિચારે તે પણ ના કરી શકી. શું કરવું તેની વિમાસણમાં સમય સરતો રહ્યો. આંખ સામે મખમલી ખુરશીનો ચળકાટ દેખાતો હતો. ખુરશીની પરાધીનતાની એ ઘડીએ મને ઘેરી લીધી. આખી રાત બેચેનીમાં પસાર કરી. સવારે પણ ગઈ રાતનાં ફોન પર મળેલા સંદેશાનાં શબ્દો કાનમાં પડઘાઈ રહ્યા. ફોન પર મળેલા સંદેશા મુજબ મારે એક એવું દુષ્કૃત્ય કરવાનું હતું જેમાં દેશનું નહીં પણ પક્ષનું હિત સમાયેલું હતું.

દીકરી, મારું આંતરિક મન કહેતું હતું. હું મારી જાત સાથે છેતરપિંડી નહી કરી શકું. પણ ખુરશીનો, ખ્યાતિનો મોહ આંખ સામે છવાઈ જતાં ‘ થોડા વહેવારું બનીએ તો ચાલે ‘ તેવું નક્કી કરી તકસાધુ બની બંધારણ સાથે ચેડા કરી એક ગેરકાયદેસર દુષ્કૃત્ય કરી બેઠી. મેં આવું પગલું કેમ ભર્યુ તેની મને ખબર નહોતી. કદાચ આ ખુરશીના મોહમાં મત બની જઈ આવું પગલું ભર્યું હશે.. દીકરી, સત્તાનો મોહ શું નથી કરાવતો તે અનુભવ મેં તે દિવસે કર્યો. મારું આંતરિક મન ઉધઈ બની આત્માને કોરતું રહ્યું. મનમાં અજીબ ભાર લઈ દિવસો પસાર કરતી રહી. તારા દાદાને તો આવી કોઈ વાતની ખબર પડતી નહોતી. બે ટંક ખાવું મળે જાય એટલે બસ... શરુઆતથી જ સંતોષી જીવ...!

  તે દિવસે મેં મારી જાત સાથે છેતરપિંડી કરી એવા લોકોનો સાથ આપ્યો હતો જે સગા બાપનોય કાંટો કાઢી નાંખતા વાર ન કરે ! એમને સત્તા અને પૈસા સિવાય કશું ખપે નહીં ! અને એટલે મારી પાછળ પણ એક ષડયંત્ર રચાયું. આ વાતથી હું સાવ અજાણ હતી.

 'ષડયંત્ર...?!

 'હા દીકરી, પક્ષ તરફથી એક રાત્રે ભોજન સમારંભનું આયોજન થયું. હોટલ કિંગ્સમાં વી.વી.આઈ.પી. ફિલ્મી અને કળાની દુનિયાની હસ્તીઓ તેમજ અધિકારીઓ સાથે લગભગ પ્રત્યેક ટોચના ઉદ્યોગ ગૃહોના સૂત્રધારો ઉપસ્થિત રહ્યા. કચવાતા મન સાથે હું પણ તારા દાદા સાથે પાર્ટીમાં ગઈ. ભોજન સમારંભમાં મારા માટે તૈયાર કરાયેલી 'સ્પેશ્યલ ડીશ ‘ આવી..!

પણ !

વસુંધરાની આંખ છલકાઈ ઊઠી. તેમણે ચશ્મા ઊંચા ચઢાવી પાલવથી આંસુ લુછી નાંખ્યા !

'પછી...?

'ભૂલથી આ ડીશ તારા દાદાનાં હાથમાં ગઈ અને એક નિર્દોષનો ભોગ લેવાયો !

'એટલે દાદાજીને ફૂડ પોઈઝન અપાયું હતું ?!

'હા દીકરી, મારા માટે રચાયેલા ષડયંત્રનો ભોગ તારા નિર્દોષ દાદાજી બની ગયા !

'પણ દાદી, પપ્પા તો કહેતા હતાંં કે વરસો પહેલા દાદાને એટેક આવ્યો હતો !

' હા મારી દીકરી, આ જ તો ‘ પોલિટીક્સ ‘ છે. જે વાત આજ સુધી મારા સિવાય કોઈ જાણતું નથી. વસુંધરા ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા રહ્યા. સંજરી તેના ખભે હાથ ફેરવતી રહી...

દિવાનખંડનાં ખૂણામાંથી દિવાકર હસતા ચહેરે જાણે કહી રહ્યો હતો, ‘વસુંધરા જરા ધ્યાન રાખ...!'


Rate this content
Log in

Similar gujarati story from Tragedy