Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra
Participate in the 3rd Season of STORYMIRROR SCHOOLS WRITING COMPETITION - the BIGGEST Writing Competition in India for School Students & Teachers and win a 2N/3D holiday trip from Club Mahindra

mariyam dhupli

Tragedy Thriller


5  

mariyam dhupli

Tragedy Thriller


યોદ્ધા

યોદ્ધા

7 mins 401 7 mins 401

રાત્રીના ત્રણ થયા હતાં. મારો મોબાઈલ સતત વાઈબ્રેટ થઈ રહ્યો હતો. આટલી મોડી રાત્રે કોનો ફોન હશે એવી સામાન્ય લોકો જેવી ચિંતા મને ન થઈ. કારણકે વ્યવસાયે હું એક ગાયનૅકોલૉજિસ્ટ કે ગાઈનીક જે આપને કહેવું હોય. સૃષ્ટિ ઉપર સૌથી કઠિન, પીડાદાયક અને સાહસવાળું કોઈ કાર્ય હોય તો એ બાળકને જન્મ આપવું. એ કઠિન સમયે મારી પેશન્ટને પડખે રહી એની મદદ કરવી એજ મારી ફરજ અને એજ મારો વ્યવસાય પણ. એ કઠિન સમય પૂર્વ નિશ્ચિત તો ન જ હોય. હા, સિઝેરિયન વખતે ગર્ભધારી માતા પોતાના બાળકને સૃષ્ટિમાં લાવવાનો સમય કે તારીખ જરૂર નિર્ધારિત કરી શકે.પરંતુ પ્રાકૃતિક રીતે દુનિયામાં આવનારું શિશુ કોઈ પણ સમયે બારણું ખટખટાવે અને મારે દોડતા ભાગતા પહોંચવું પડે. ક્યારેક આખો દિવસ હોસ્પિટલમાં કામ કરી થાકી ગઈ હોઉં, ક્યારેક કોઈ લગ્ન સમારંભમાં હાજરી આપી રહી હોઉં કે પોતાની કોઈ પારિવારિક કે વ્યક્તિગત સમસ્યાથી ઘેરાયેલી હોઉં. એક ફોન આવે ને બધુ જ પડતું મૂકી મારી ફરજ નિભાવવા મારે દોડવું જ પડે. આ વખતે મારી કઈ પેશન્ટના શિશુએ બારણું ખટખટાવ્યું એ જાણવા મેં મોબાઈલની સ્ક્રીન નિહાળી. સ્ક્રીન ઉપર ઝળહળી રહેલું નામ વાંચતાજ હું પથારીમાંથી બહાર કૂદી પડી. આરતીની માતાનો ફોન હતો. એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ મેં તરતજ કોલ ઉપાડ્યો. 

" જી, બોલો. "

સામે તરફથી બોલાયેલા શબ્દોથી હું બરફ સમી થીજી ગઈ. મને લાગ્યું કે મારા શરીરનું લોહી ભ્રમણ કરી રહ્યું ન હતું. મોબાઈલ થામેલો હાથ થરથર ધ્રૂજી ઉઠ્યો અને મોબાઈલ સરકીને જમીન ઉપર પડ્યો.

એસીની હવામાં પણ મારા ચહેરા પર બાઝેલા પરસેવાના ટીપા હું હાથ વડે સાફ કરવાનો પ્રયાસ કરી રહી. થોડા સમય માટે મારી ભાવનાઓએ મને નબળી કરી મૂકી. ડોક્ટરને બધા ઈશ્વર ભલે કહેતા હોય એ હોય છે તો સામાન્ય માનવી જ. એમની પાસે પણ હૃદય હોય છે. સંવેદનાઓ અને લાગણીઓ હોય છે. 

આખરે તાલીમ વખતે ભાવનાઓ અને ફરજને, વ્યવસાયિક અને વ્યક્તિગત ભાવોને નિયંત્રિત ત્રાજવામાં રાખવાની મેળવેલી મૂલ્યવાન શીખ અને શિક્ષણે મને તંદ્રામાંથી જગાડી. મેં હૈયું સખ્ત કર્યું, પથ્થર સમું. એની જરૂર હતી. ધ્રૂજતા હાથને ફરજનિષ્ઠ કામે વળગાડ્યા. નીચે ભોંય ઉપર પડેલો મોબાઈલ ઉઠાવ્યો. બાથરૂમમાં જઈ મોઢા ઉપર પાણીની છાલક મારી ઊંઘ દૂર કરી. અત્યંત ઉતાવળે કપડાં બદલ્યા. મારી બેગ અને ઓવરકોટ સાથે લીધા. અવિનાશ માટે એક નોટ મૂકી ફ્રિજ ઉપર મેગ્નેટિક સ્ટીકર જોડે ચોંટાડી દીધી. 

' ગોઈંગ ટુ હોસ્પિટલ. ઈમરજન્સી. '

અવિનાશ અને ધરા ગાઢ નીંદરમાં હતાં. આ અમારો નક્કી થયેલો નિયતક્રમ હતો. રાત્રે આવતી દરેક ઈમરજન્સી વખતે હું ફક્ત એક નોટ ફ્રિજ ઉપર ચોંટાડી દેતી. જેથી એમની ઊંઘમાં ખલેલ ન પહોંચે. અવિનાશ એની નાનકડી દીકરીનો મારાથી પણ વધુ ખ્યાલ રાખતો. એવા સજ્જન પતિનો જેને ટેકો હોય એ સ્ત્રી આખું વિશ્વ જીતી શકે. 

ગાડી લઈ હું નીકળી. રાત્રે ત્રણ વાગ્યે શહેરના રસ્તાઓ અત્યંત સૂના અને વેરાન હતાં. કેટલાક કૂતરાઓના ભસવાના સ્વર સિવાય ચારે દિશાઓમાં ઘોર સન્નાટો હતો. આમ તો અર્ધી રાત્રીએ ડ્રાયવિંગ કરવાની મને ટેવ હતી. આ પહેલીવાર થોડી હતું ? આ પહેલા પણ અનેક વાર હું અર્ધી રાત્રીએ મારી પેશન્ટ પાસે પહોંચી હતી. પરંતુ આજે મને રાત્રી ખુબ જ ભયાનક લાગી રહી હતી. આજનો સન્નાટો મારા હૃદયના ધબકાર શરીરના બહાર સંભળાવી રહ્યો હતો. એ કુતરાઓના રડવાના અવાજ કાળજું કંપાવી રહ્યા હતાં. એક તરફ પોતાની સુરક્ષા અંગેનો ભય અને બીજી તરફ આરતીની ચિંતા. ડરની બેવડાયેલી માત્રાથી કારની ઝડપ હદ વટાવી રહી હતી અને એ ઝડપ જોડે આરતીના વિચારો મન ઉપર ઘેરાઈ આવ્યા હતાં. 

એક ડોકટરના જીવનમાં અનેક દર્દીઓ, પેશન્ટ આવે છે. એ દરેક દર્દી કે પેશન્ટ ડોક્ટરને એના મેડિકલ કેસ કે ફક્ત એક ફાઈલ તરીકે યાદ રહે છે. પણ આરતી એ બધાથી જુદી હતી. એ મારા માટે ફક્ત એક મેડિકલ ફાઈલ, રેફરન્સ નંબર કે ચેલેંજિંગ કેસ સુધી સીમિત ન હતી. હા, એનો કેસ પડકારયુકત હતો ખરો. પણ એવા ઘણા પડકાર આ પહેલા મેં સફળતાથી પાર પાડ્યા હતાં. ગર્ભમાં રહેલ બાળકની દિશા વિરુદ્ધ દિશામાં વળાંક લઈ બેઠી હતી. 

" સિઝેરિયન કરવું પડશે. " 

મેં માહિતી આપી હતી ત્યારે એના ચહેરા ઉપર ડરની આછી કિરણ પણ આવી ન હતી. કેટલાક કોમ્પ્લિકેશન્સ પણ હતાં. મેં દરેક વિષે એને સ્પષ્ટ શબ્દોમાં માહિતગાર કરી હતી. પોતાના જીવન જોખમ અંગે એને કોઈ ફિકર કે ચિંતા ન હતી. શી વોઝ એ વોરિયર ! જીવનના કેટલાક સૈનિકો વર્દીધારી હોતા નથી, ન એમના હાથમાં કોઈ હથિયાર હોય છે. તેમનું કાળજું જ તેમનું હથિયાર હોય છે અને તેમની મક્કમતા અને અડગતા તેમની વર્દી. આરતી પણ એમનામાંની જ એક હતી. 

યુદ્ધમાં ઉતરેલી એ યોદ્ધા જેને કોઈ પણ કિંમતે જીતવું હતું. ડુ ઓર ડાઈ ! 

જયારે એના ગર્ભવતી હોવાના સમાચાર એના ઘરમાં ગૂંજ્યા હતાં ત્યારે ઘરમાં જાણે ઉત્સવનું વાતાવરણ સર્જાયું હતું. એકનો એક દીકરો પિતા બનવાનો હતો. કુળદીપકના આગમનની તૈયારી જોરશોરથી શરૂ થઈ ચુકી હતી. દીકરા માટેના નામની લાંબી યાદી તૈયાર થઈ રહી હતી. એક આખો ઓરડો વિશિષ્ટ સ્વરૂપે શણગારવામાં આવ્યો હતો. જેના દરેક ખૂણા, દરેક ભીંત, દરેક રાચરચીલું, દરેક રમકડામાં ભૂરા રંગની ચળકાટ હાજર હતી. બધુજ સંપૂર્ણ હતું. 

સંપૂર્ણતાની ખાતરી કરવા આવ્યા હતાં મારી પાસે મારી ક્લિનિકમાં આરતીને લઈ. એના અતિ ઉત્સાહિત સાસુ, સસરા અને પતિ. મેં ચોખ્ખી ના પાડી દીધી હતી. મારા આદર્શ સ્પષ્ટ હતાં. હું જાતે એક દીકરી હતી અને મારી પોતાની એક દીકરી હતી. આરતીના ગર્ભમાં એમનો કુળદીપકજ છે એની ખાતરી અપાવવા મારા ક્લિનીકનું કોઈ પણ યંત્ર ગેરકાયદેસર કામે વળગ્યું નહીં. ગુસ્સામાં લાલપીળા મારી કેબિનમાંથી વારાફરતી પગ અફાળતાં બહાર નીકળી ગયા હતાં. દરવાજો બંધ કરવા પહેલા આરતીએ મારી નજરમાં નજર મેળવી હતી. એ નજરમાં મને બળવાના બીજ દેખાયા હતાં. 

ના, એ મારી દ્રષ્ટિનું કોઈ છળકપટ ન હતું. મારી છઠ્ઠી ઈન્દ્રિય એની ફરજ યોગ્ય રીતે નિભાવી રહી હતી. એ વાતનો વિશ્વાસ મને ત્યારે આવ્યો જયારે થોડા દિવસો પછી મારી કેબિનમાં આરતી ફરી પ્રવેશી. પરંતુ આ વખતે એકલી જ. પણ એની આંખોમાં મેં નિહાળેલ બળવાનું બીજ વિકસીને વૃક્ષ બની ચૂક્યું હતું. મારે ત્યાંથી પ્રસ્તાવ સ્વીકારાયો નહીં પણ અન્ય સ્થળે એ સહેલાઈથી સ્વીકારાય ગયો. પૈસાથી બધુજ ખરીદી શકાય છે ફક્ત ઈમાન નહીં. એ તો સહજ હતું. પણ શોક એ વાતનો હતો કે પૈસા સ્વીકારી ગર્ભની અંદરનું રહસ્ય ખોલવાનું ગેરકાયદેસર કામ એક સ્ત્રીએજ કર્યું હતું અને એ પણ એક સ્ત્રીના કહેવા પર જ. એમાં પુરુષ પ્રધાન સમાજનો કોઈ ફાળો ન હતો. આરતી પરિવારના કુળદીપકને નહીં લક્ષ્મીને જન્મ આપવાની હતી એ વાત જાહેર થતાંજ ઉત્સવ માતમમાં ફેરવાઈ ગયો. નામની યાદીના કટકેકટકા કરી દેવાયા. ભૂરા ઓરડાનો શણગાર આરતીની નજર સામે અપેક્ષાઓના અભિશાપ સમો લટકી રહ્યો. એના ગર્ભને પાડવા માટે અબોર્શનની તૈયારીઓ સમય વેડફ્યા વિનાજ શરૂ થઈ ગઈ. જે સ્ત્રીએ લક્ષ્મી અંગેના સમાચાર આપ્યા હતાં એણેજ એનાથી છૂટકારો અપાવવા માટે તૈયારી દર્શાવી. 

આરતી ઘરમાંથી ભાગી ગઈ. સીધી મા પાસે પહોંચી. માને વધુ સમજાવવાની જરૂર ન પડી. આરતીના જન્મ વખતે સહેલી બધીજ માનસિક પીડાઓ આજે પણ એટલીજ તાજી હતી. માતાનો સાથ મળ્યા છતાં આ યાત્રા સહેલી તો ન જ હશે. આરતી આ કડવું સત્ય પચાવી ગઈ હતી. બાળકીના જન્મ અને ઉછેર માટે એણે ફક્ત માનસિક જ નહીં આર્થિક રીતે પણ ઘણી સશક્ત થવું પડશે. લગ્ન સમયે પતિ અને એના ઘરવાળાઓની ખુશી માટે નોકરી છોડી હતી એજ નોકરી પોતાની ખુશી માટે અને પોતાની આવનારી દીકરીની ખુશી માટે એણે ફરી આરંભી દીધી. જે મહિનાઓમાં એને સૌથી વધુ આરામ અને પંપાળની જરૂર હતી એજ મહિનાઓમાં એ સખત મહેનત કરી રહી હતી. એની અસર એના સ્વાસ્થ્ય અને પ્રેગ્નન્સી બંને ઉપર પડી રહી હતી. પણ જીવન ક્યારેક એવી પરિસ્થતિઓ સર્જતું હોય છે જ્યાં માનવી પાસે વિકલ્પો હોતાંજ નથી. અને એ પરિસ્થતિઓ પાર પાડી શકનારાઓજ સાચા અર્થમાં શૂરવીર હોય છે. આરતી પણ દિલોજાનથી એવીજ એક શૂરવીર હતી. એની દીકરીને આ દુનિયામાં લાવીને જ જંપનારી હતી.

જયારે સિઝેરિયન માટેનો સમય અને તારીખ નિર્ધારિત થઈ હતી ત્યારે જાણે દુનિયા સામેના યુદ્ધમાં એની જીત હવે ફક્ત એકજ ડગલાને અંતરે હોય એવી ખુશી અને કુતુહલતા એના ચહેરાને ઝળહળાવી રહી હતી. એ ઝળહળતો ચહેરો જેવો મારી આંખ સામે તરી આવ્યો કે મારી ગાડી હોસ્પિટલના પાર્કિંગ વિસ્તારમાં પહોંચી ગઈ. હું સુરક્ષિત પહોંચી ગઈ એ વિચારે જીવમાં જીવ આવ્યો પણ બીજીજ ક્ષણે મારી યોદ્ધા અંગેના વિચારે મારો શ્વાસ ફરી રૂંધાવા લાગ્યો. 

ગાડી ગમે તેમ પાર્ક કરી હું એ ઝડપથી લિફ્ટ તરફ ભાગી જે ઝડપે જીવનમાં કદી ભાગી ન હતી. સાતમા માળે પહોંચતા પહોંચતા જાણે વર્ષોનું અંતર કાપ્યું હોય એવો અનુભવ થયો. લિફ્ટ ખુલીજ કે હું સીધી ઓપરેશન થિએટરની દિશામાં ધસી પડી. આરતીની માતા બાંકડા ઉપર બેઠા હતાં. એમની બંને આંખો છત ઉપર શૂન્યાવકાશમાં ભમી રહી હતી. કોઈ મડદું પડ્યું હોય એવું એમનું હલનચલન વિહીન શરીર જે રીતે શોક્ગ્રસ્ત પડ્યું હતું એ નિહાળતા મારા શરીરમાં ડરની કંપારી છૂટી ગઈ. ઓપરેશન થિયેટરનું બલ્બ પણ નિર્જીવ હતું. ડોક્ટર અને નર્સ વચ્ચેથી માર્ગ કાઢતી હું મારો આઈડી હાથમાં થામી ઓપરેશન થિએટરની અંદર પહોંચી. મારી યોદ્ધા ઉપર મારી એક દ્રષ્ટિ ગઈ કે હું પૂર ઝડપે બહાર તરફ દોડી. ઓપરેશન થિએટરની બહાર તરફની ભીંત જોડે મારું શરીર અફળાયુંજ કે મારા મોઢામાંથી હેબતને લીધે ઉલ્ટીની વર્ષા થઈ પડી. 

કોરીડોરમાં કાર્યરત પુલિસની ટુકડી અંદરોઅંદર ચર્ચા કરી રહી હતી. 

" નોર્મલ મર્ડર કેસ નથી. ગેંગ રેપ કેસ છે. મીડિયાને જાણ થશે તો મોટો હોબાળો મચશે. હોસ્પિટલની સુરક્ષા બમણી કરવી પડશે. "

ઓપરેશન થિએટરમાં નિહાળેલ આરતીના મૃતદેહની ભયાનક છબી મારાં હૃદયને હલબલાવી રહી હતી. મારું શરીર ભીંતને સહારે જમીન તરફ સરકી રહ્યું હતું અને મારી નજર કોરિડોરના ખૂણામાં સ્થાપિત લક્ષ્મીની મૂર્તિ ઉપર જડાઈ ગઈ હતી.


Rate this content
Log in

More gujarati story from mariyam dhupli

Similar gujarati story from Tragedy