Leena Vachhrajani

Romance Thriller

3  

Leena Vachhrajani

Romance Thriller

યક્ષગાન

યક્ષગાન

6 mins
489



કોલેજથી થોડે જ દૂર આવેલા સીટીપાર્કની લીલીછમ લોનમાં બે પંખી ચકચક કરી રહ્યાં હતાં. 

“ચાલ આજે બન્ક મારીને પિક્ચર જોવા જઇએ.”

“ના ના પંક્તિ, મારે તમારા બધાની જેમ એકસ્ટ્રા ક્લાસિસ રખાવેલા નથી. હું તો જે ભણું એ આ ક્લાસના પિરિયડમાંથી જ ભણું.”

“ઓહો! તું તો બહુ સિરિયસલી લઈ લે છે પ્રણય.”

“હા તે મારે ગંભીરતાથી રહેવું જ પડે. તારી જેમ મને મોટી પોકેટમની નથી મળતી. અમારી પરિસ્થિતિ સાવ સામાન્ય છે એ તને તો ખબર છે.” 

“તું દરેક વાતને આર્થિક પરિસ્થિતિ સાથે સાંકળી દે છે એ મને જરાય નથી ગમતું.”

પંક્તિ સહેજ નારાજ અને સહેજ ઉદાસ હતી. રોજ આવી અસમાન વાતો ચાલતી રહેતી. છતાં બંને એકમેકને જીવથી વધુ ચાહતાં થઈ ગયાં હતાં.

વિજ્ઞાનપ્રવાહમાં ઇન્ટિરિયર ડિઝાઇનિંગ ભણી રહેલી પંક્તિ અને આર્ટ્સમાં સાહિત્ય સાથે ભણી રહેલો પ્રણય યુનિવર્સિટીના ગેટ ટુ ગેધરમાં સામસામે ભટકાઈ ગયાં અને રબને બના દી જોડીની જેમ નજરે નજરને જાણે એક થવાના સોગંધ દઈ દીધા.

પછી તો બંને ક્યારેક સીટી પાર્કમાં તો ક્યારેક પંક્તિની કોલેજ કેન્ટીનમાં એક વાર તો મળવાનું ગોઠવી જ દેતાં. કેન્ટીનમાં પ્રણય થોડો વહેલો પહોંચી જતો કારણકે એને હંમેશાં સમય ચોરીને લખવું ગમતું. છેલ્લી પાંચ મિનિટથી પંક્તિ ચૂપચાપ બેઠી હતી. સામે પ્રણય એની રચનાના સર્જનમાં એટલો મગ્ન હતો કે પંક્તિ આવીને બેઠી છે એ ધ્યાન જ ન રહ્યું. 

અંતે ટેબલ પર હાથ પછાડીને પંક્તિ બોલી ઉઠી.

“અરે ઓ કવિમહાશય, તમારે કવિતાઓ જ લખવી હોય તો અહીં શું કરો છો? હિમાલયની શાંત સુમસામ પહાડીઓ પર ધૂણી ધખાવીને જેટલું લખવું હોય એટલું ઢસડ્યા જ કરજે. અહીં મને મળવા શું કામ આવે છે?”

અને મોં ફેરવીને બેસી ગયેલી પ્રિયતમા માટે પ્રણયે શિઘ્ર બે પંક્તિ ઘડી નાખી. 

“એ મારી રિસાયેલી યક્ષિણી,

રિસામણાનો હક માત્ર રાધારાણીને હોય અને એ અદા માત્ર રાધારાણીને જ શોભતી પણ તારા ચહેરા પર ગુસ્સા અને નારાજગીના આ અપ્રતિમ ભાવ જોઇને એમ થયું કે રિસામણાં તો મારી પંક્તિરાણીનેય એટલાં જ શોભે છે.”

પંક્તિના હોઠ પર મંદ સ્મિત ફરકી ગયું.

“હવે જા ને! બહુ મોટા શબ્દોના અર્થ મને નથી સમજાતા. બસ તારી કલમ આપણા બે વચ્ચે આવશે તો મારાથી સહન નહીં થાય.”

સાયન્સ કોલેજની કેન્ટીનમાં પ્રણય અને પંક્તિ વચ્ચે ચાલતા રહેતા આવા મીઠા સંવાદોનો એક માત્ર સાક્ષી કેન્ટીનનો માલિક કરતાર હતો. પ્રણય ખાલી સમયમાં પંક્તિની પ્રતિક્ષામાં કલમ ચલાવતો રહેતો અને ન ગમે એટલે ડૂચા વાળી વાળીને કચરાપેટીમાં ફેંક્યા કરતો. 

પહેલાં કરતારને સહેજ અણગમો આવતો,

“અરે! આ બે બદામનો લેખક અહીં કચરો નાખ્યા કરે છે એ જરાય ગમતું નથી. પંક્તિની સાથે એ આવે છે એટલે હું બોલી નથી શકતો.”

પણ જાણે-અજાણે સાંજે કચરાની પેટી શેરીના નાકે આવેલી જનરલ મોટી કચરાપેટીમાં ઠાલવવા જતાં પહેલાં પ્રણયે ફેંકી દીધેલા બધા ડૂચા “બિચારાએ બહુ મહેનત કરી હતી” આમ વિચારીને કરતાર કબાટના એક ખાનામાં મૂકી દેતો. 

પંક્તિ અને પ્રણય વચ્ચે સહુથી મોટી અસમાનતા આર્થિક પરિસ્થિતિની હતી. પંક્તિ મલ્ટીનેશનલ કંપનીમાં સી.ઇ.ઓ. એવા બાપની દીકરી અને પ્રણય પોસ્ટખાતામાં સામાન્ય કારકુનની નોકરી કરતા બાપનો દીકરો. એટલે કેટલાક અભાવ પંક્તિને ક્યારેય સમજાતા નહીં. અને કેટલોક સ્વભાવ પ્રણયને ક્યારેય સમજાતો નહીં.

પ્રણય ન તો પંક્તિને છોડી શકતો કે ન તો પોતાની સામાન્ય પરિસ્થિતિને. બંને વચ્ચે પ્રણયની લઘુતાગ્રંથી દુશ્મન બનીને ઉભી રહી જતી. 

ક્યારેક આ પરિસ્થિતિમાંથી માર્ગ જરુર નિકળશે એ આશાએ આશાએ બંને પ્રિતની કેડી કંડારે જતાં હતાં. ફરી એ જ સાયન્સ કોલેજની કેન્ટીન હતી. બપોરે પ્રણય અને પંક્તિ ટેબલ પર ગોઠવાઇને ગુટર.. ગુ કરી રહ્યા હતા. 

“જો પંક્તિ, હવે ફાઇનલ એક્ઝામ આડે પંદર દિવસ જ રહ્યા છે. આપણે મળવાનું બંધ કરીએ. મારે પૂરતી તૈયારી કરવાની છે. તું પણ આ છેલ્લો પર્વત સફળતાપૂર્વક કૂદવાની તૈયારી કરી લે. હમણાં સપનાં જોવાનું બંધ કરીએ.”

“આહા! તું તો ગજબ ગંભીર થઈ જાય છે. બધું થઈ પડશે. હું તને મળ્યા વગર એક દિવસ પણ રહી નથી શકતી.

કોલેજ લાઇફ માણવા અને મણાવવાનો પણ એક રોમાંચ છે. ત્યારે તું પ્રેમના બે વાક્યો બોલી નથી શકતો! સાથે મળીને ભવિષ્યના શમણાં જોવા જ તો આ સમય હોય છે.”

“પંક્તિ, મારું એક માત્ર શમણું એ તારી સાથે જિંદગી જીવવાનાં જોયેલાં શમણાં વાસ્તવિકતામાં સુંદર રીતે પૂરાં કરવાનું છે.”

“એય કવિ, આ તારી અલંકારિક ભાષા મને અઘરી પડે છે હોં! તું જે ગોળ ગોળ વાક્યો બોલી જાય છે એના અર્થ મને ગુગલ પર પણ બહુ મહેનત કરાવે છે.”

“પણ મને આ જ ભાષા આવડે. તારી જેમ મકાનના શણગારની મને બહુ આવડત નહીં.”

“અરે! મારા કવિ, એને ઇન્ટિરિયર ડિઝાઇનિંગ કહેવાય.”

“હા, હું લોકોને સપનાં જીવાડતી પંક્તિ લખું અને મારી પંક્તિ એને વાસ્તવિક આકાર આપવાનું કામ કરે.”

આમ વાસ્તવિક અને સપનામય જિંદગી જીવતાં પ્રણય અને પંક્તિની પરિક્ષાઓ પૂરી પણ થઈ ગઈ. છેલ્લા પેપરના દિવસે કેન્ટીનમાં એકબીજાને મળીને ફરી ઝડપથી મળવાના કોલ સાથે બંને ઘેર ગયાં.

વેકેશન હોવા છતાં છેલ્લા એક મહિનાથી નિયમિતપણે કેન્ટીનમાં એકલી જ આવતી પંક્તિને પોતાના રુપાળા ચહેરા પર સ્પષ્ટ છલકતી ઉદાસી ચા ના કપમાં ભેળવીને પીતી જોઈ રહેલા કરતારની આજે ધીરજ ખૂટી. 

“એ પંક્તિ ક્યાં ખોવાઈ ગઈ છો?”

“હંમમમ! ના બસ..”

“જો બેટા, છેલ્લા દસ વર્ષથી આ કેન્ટીન ચલાવું છું. કેટલાય બનાવોની સાક્ષી મારી કેન્ટીન અને હું છું. માણસના ચહેરા પારખવાની કલા હાથવગી થઈ ગઈ છે. ઘણા વખતથી તારો પેલો શાયર મિત્ર દેખાતો નથી. એટલે મને એટલું ચોક્કસ સમજાય છે કે, એ તારો બીજા જેવો સામાન્ય દોસ્ત નહોતો.”

પંક્તિ કરતાર પાસે વહી ચાલી...

“કાકા, પ્રણય જેવો સાથી મળવાથી હું બહુ ખુશ હતી. પણ અમારી વચ્ચે હંમેશાં સામાજિક અને આર્થિક અસમાનતા નડતી રહી. એ કાયમ પોતાની પરિસ્થિતિ માટે ગુનાની લાગણી જ વ્યક્ત કરે. મને કેમ્પસ ઇન્ટરવ્યુમાં સરસ જોબ મળી તે દિવસથી તો એના વર્તનમાં પરિવર્તન આવતું ગયું. અને એ જ હીન ભાવના સાથે પરિક્ષા પછી ઉપરછલ્લું મળીને તે દિવસથી કંઈ જણાવ્યા વગર ગાયબ થઈ ગયો. મોબાઇલ પણ સ્વિચ ઓફ આવે છે. આજે લગભગ એક મહિનો થયો.”

પંક્તિના શબ્દો હવે આંખમાંથી પણ વ્યક્ત થતા ગયા.

કરતાર માથે હાથ મુકીને બોલ્યા વગર આશ્વાસન આપતો રહ્યો. સાથેસાથે એના મનમાં એક ચિત્ર આકાર લઈ ગયું. રોજ સાંજે કેન્ટીન બંધ થયા પછી કરતાર ડસ્ટબિનમાંથી કબાટના એક ખાનામાં પ્રણયના ડૂચા વાળીને ફેંકી દીધેલા કાગળને યાદ કરતો રહ્યો. 

 પંક્તિના યક્ષિણી જેવા વિરહગાનને કરતારે વહેવા જ દીધું. પછી શાંત થયેલી પંક્તિના હાથમાં કાગળો સરકાવ્યા. 

“આ તારો લેખકમિત્ર બહુ ડૂચા કરી ગયો છે. મને ઝાઝી ગમ પડતી નથી પણ એ સાચવવાનું મન જરુર થયું. લે, તને એની અમાનત સોંપું. કદાચ આ પાથરેલા શબ્દો તને એના સુધી લઈ જાય.”

પછીના ચોથા દિવસે અચાનક...

પ્રકૃતિએ ખોબે ખોબે વેરેલી સુંદરતા વચ્ચે પર્વતમાળા વચ્ચે વસેલા નાનકડા ગામમાં 

ખળખળ વહેતા જળપ્રવાહમાં ખોવાયેલા પ્રણયની આંખ પર કોમળ હથેળી ભિડાઈ..

“ઓહો! ફરી તારું શમણું! શું કામ શમણે આવીને હેરાન કરે છે!”

“અરે મારા યક્ષ, વિરહાતુર તારી યક્ષિણી સદેહ આવી છે. કોઈ શમણું નથી.

 અને હા, મારા પ્રણયના શમણાં સાચાં પડે અને એમાં મારી હાજરી ન હોય એ શક્ય જ નથી.”

પ્રણય ચોંકી ગયો.

“તું? અહીયાં? પંક્તિ તને હું અહીયાં છું એ કેવી રીતે ખબર પડી? મેં તો કોઇનેય જાણ નહોતી કરી. અને ઓહો! તારી આવી અલંકારિક ભાષા કેવી રીતે? તને તો સાહિત્યના નામથી જ બગાસાં આવવા લાગતાં.”

“સાચી પ્રિત મંઝિલ સુધીના રસ્તા શોધી જ લે.”

પ્રણયને નિરાશામાં ડૂચો વાળીને ફેંકી દીધેલા પેલા કાગળોમાંની પોતાની એક ગઝલની પંક્તિ નજર સમક્ષ તરી આવી. 

“અરે! આ તો મારી જ ગઝલની પંક્તિ છે.”

“હા, તેં ગાયબ થવાના દિવસે મારી રાહ જોતાં લખેલી ગઝલની જ છે ને!”

“હા, પણ તારી પાસે કેવી રીતે? તે દિવસે મારી નબળી આર્થિકતાથી હારીને તને શમણું ગણીને ભૂલી જવાના નિર્ણય સાથે એ લખેલી પણ પછી અસ્વસ્થ મનથી શું લખું? એમ નિરાશામાં તે કચરાની ટોપલીમાં નાખી દઇને હું આ મારા ગામ આવી ગયો. હવે તને ભૂલવાના પ્રયાસમાં છું અને તું ફરી!!”

“એ ટોપલીમાં નાખેલી ગઝલના ડૂચાને કરતારે હું જ્યારે તારી પ્રતિક્ષામાં ઉદાસ હતી ત્યારે મને તારા તેં ન જોયેલા ભવિષ્યરુપે સોંપી. અને તારી પ્રતિક્ષામાં નિરાશ થયેલી મેં સાવ કોઈ પ્રયોજન વગર એ ડૂચા ખોલીને ગોઠવવા માંડ્યા.

 તું માનીશ પ્રણય! ગુજરાતી શબ્દકોષ લઇને મેં નજર માંડવાની શરુઆત કરી. 

જેમ જેમ હું વાંચતી ગઈ એમ એમ તારા ભૌતિક કરતાં એ શાબ્દિક સ્વરુપને વધુને વધુ પ્રેમ કરતી થતી ગઈ.”

અને પંક્તિએ એક સુંદર પુસ્તક પ્રણયના હાથમાં મૂક્યું. 

શીર્ષક હતું “યક્ષગાન”.

“મેં તારી પરવાનગી વગર એ ડૂચાઓને પુસ્તકરુપ આપવાનો ગુનો કર્યો છે.”

અને પંક્તિએ બીજો સુખદ આંચકો આપતાં એક ચેક પ્રણયના હાથમાં મૂક્યો. 

“તેં જે ગઝલ છેલ્લે લખી હતી એ ગઝલ મેં રાષ્ટ્રિય કક્ષાની હરિફાઇમાં મોકલી અને પ્રથમ પારિતોષિક સાથે એ વિજેતા નિવડી. રોકડ રકમ અને સન્માનપત્ર સ્વિકારવાના સમારંભનું આમંત્રણ મારા સરનામે આવ્યું એટલે તને ફરી મેળવવાનું શમણું સાકાર કરવા કોલેજમાંથી તારું આ સરનામું મેળવી અહીં પહોંચી. હા, અને બે મેગેઝિને તો વાર્ષિક કરાર પણ કરવાની ઓફર આપી છે. પ્રણય તારી કલમને કલ્પનાની પાંખ લગાવીને મુક છુટ્ટી. જગત આખું તારા શબ્દોની પ્રતિક્ષામાં છે. અમાપ સફળતા તેં બંધ કરી દીધેલા નિરાશ દરવાજાની પેલે પાર મારી જેમ જ તારી રાહ જુએ છે.”

પ્રણય અવાચક્ બનીને માત્ર લોકોનાં મકાનને જ નહીં, આજે પોતાના શમણાંને પણ શણગારનાર પંક્તિને નિહાળી રહ્યો.

“સાચી પ્રિત મંઝિલ સુધીના રસ્તા શોધી જ લે.”


Rate this content
Log in

Similar gujarati story from Romance