યાદો
યાદો
" સમી સાંજ થવા આવી છે. ઉનાળાની ઋતુ જામી છે, સંધ્યા ખીલી ઊઠી છે. ધીરેધીરે સાંજે હળવી ઠંડક અનુભવાય છે. જોડે રહેલા મંદિરે ઝાલર વાગે છે અને શંખનાદ આવે છે. બગીચામાં બાળકોનું ઝૂંડ ધમાલ કરે છે તો બીજી બાજુ વૃધ્ધોનું ટોળું ભજન-કીર્તન કરે છે. કેટલાક નવયુવાન તેમની માશૂકા સાથે હાથમાં હાથ નાખી સાથે રહેવાના સ્વપ્ના જુએ છે. દૂર કેટલાક સેલ્સમેન તેમની ભળાશ બગીચાના બાંકડે બેસી કાઢે છે. કેટલીક ડોશીઓ ભેગી થઈ તેમની વહુની પંચાત ઠોકે છે. અમુક યુવાન શરીરને કસાયેલું કરવા કસરત કરે છે તો અમુક બેસીને લોકો પર નજર રાખે છે. માળી પાણી પાવે છે અને સિક્યોરિટી બધે નજર રાખતો હોય છે. આ બાજુ હિંચકા આગળ બેસવાની દલીલ થતી હોય છે. સિંગ-ચણા પાપડી વાળો રાડો નાખતો હોય છે, ગરમ ખીચાની સ્મેલ આવતી હોય છે બીજી બાજુ પકોડીની લારીએ ઘણી ભીડ જોવા મળતી હોય છે. "
હું દૂર બેઠો છું. શાંત ચિત્તે વૃક્ષની નીચે બેઠો છું. ખિસકોલી આમતેમ દોડ્યા કરે છે. હું કોઈની રાહે બેઠો છું મને વિશ્વાસ છે એ મને મળવા અચૂક આવશે ! બગીચાની અવરજવર ઓછી થતી જાય છે. સંધ્યાથી રાત થવા આવી છે. અંધારું ધીરેધીરે ફેલાતું જાય છે. છતાંય 'એ વિચારે મગ્ન થઈ બેઠો છું મને મળવા માટે આવશે જ !'
હું મારી જૂની યાદોમાં ખોવાઈ ગયો. મારી સામે એકવર્ષ પહેલાની તસ્વીર સામે આવી ગઈ.
" સિગ્નલ પ્યાર કા સિગ્નલ..." એ ગીત મારી કારના રેડીઓ પર વાગતું હતું. મારી જોડે મારો મિત્ર કેશવ બેઠો હતો ને પાછળ રાહુલ અને તેની જોડે દેવ બેઠો હતો. હું કાર ચલાવતો હતો ને અમે આબુ જવા માટે નીકળતા હતા. બધા એકદમ આનંદ-ઉલ્લાસ માં હતા, અમે ત્રીજીવાર આવી રીતે ક્યાંક જતા હતા. આ વખતે કાર મારી હતી ને ટ્રીપ મારા તરફથી હતી. એનું કારણ હતું મને સરકારી નોકરી મળી ગઈ હતી અને આવતા અઠવાડિયામાં જવાનું હતું.
" ભાઈ ધ્યાનથી, રસ્તો ખરાબ છે. તને ઊંઘ આવતી હોય તો હું કાર લઈ લઉં. મને ફાવશે આ રસ્તા પર ! ".......એમ દેવ બોલ્યો.
" ના ભાઈ , તારું પણ કામ નહીં. મારેતો રોજનું છે. મને કાર આપી દે હું ચલાવી દઉં..".......એમ રાહુલ કહે છે.
અંદરોઅંદર એ લોકો કાર કોણ ચલાવે તે બાબતે મથતા હોય છે. વચમાં કેશવ પણ ટાપસી પુરાવે છે. હું રેડીઓ મોટા અવાજે ચાલુ કરી દઉં છું. એમનો અવાજ દબાઈ જાય છે. લવસોંગ વાગતું હોવાથી મેં કારને રેસ આપી અને કાર દોડી ફુલસ્પીડમાં.. રસ્તો ભારે ખરાબ હતો, સિંગલ પટ્ટી હતી અને કાર સો કરતા વધુ ઝડપે.
" એ ધ્યાનથી....મરી જઈશું ! "...દેવ ગુસ્સામાં બોલ્યો.
" ઓ મિત્ર..જરા શાંતિ. અમને ખબર છે તમે પ્રેમમાં ઘાયલ બન્યા છો પણ અમારે જીવવાનું છે. આ રેડીઓ બંધ કર અને કાર ધીમી કર, ચા-નાસ્તો કરી આગળ વધીએ ".....એમ કેશવ બોલ્યો.
મને ચાનક ચડી ને કાર સ્પીડમાં કરી નાખી. રસ્તા ખરાબ આવતા હતા. લાઈટો ઓછી અથવા નહિવત હતી. અંધારું ઘનઘોર હતું, અવરજવર ઓછી હતી ને મારી કાર કાબૂ બહાર જતી હતી. હું સ્પીડમાં કાર હંકારતો હતો. રાતનો પૂર્ણ સમય હતો અને મારી કાર સન્ન કરી દોડી જતી હતી..એવામાં પાછળથી ટ્રક આવી અને એજ ઘડીએ સામેથી ટ્રક આવી..કાર કાબૂ બહાર હતી અને બ્રેક મારવી મતલબ ! બધાના શ્વાસ થંભી ગયા હતા, જાણે ઈશ્વરનો સાક્ષાત્કાર થવાનો હોય. કાર મારા હાથમાં હતી અને જીવ બધાના ઊભા થઈ ગયા હતા.
પાછળની ટ્રક સ્પીડમાં આવી અને સામે વાળી ટ્રક નજીક આવી મેં જોરથી બ્રેક મારી અને ગાડી ફરી ગઈ..બ્રેક મારતા ગાડી પલટી ગઈ અને સીધી નીચે.....ધડામ ! ધુમ ! ધાડ ! અને કાર સીધી નીચે ખાઈમાં..જોનારા એમ કહેતા કાર આખીય હવામાં ઊડી અને જોરથી નીચે પડી ગઈ.
કારના ફુરચા ઊડી ગયા અને નસીબ જોગે અમે બચી ગયા પણ કાયમ માટે લથડી પડ્યા. મને મગજમાં અને પગે વાગ્યું, દેવ અને રાહુલને કમરમાં અને કેશવને આંતરિક અંગોમાં....મને મેન્ટલ પ્રોબ્લેમ થયો જોડે પગ જતા રહ્યા. સાથે દેવ અને રાહુલની કમર જતી રહી બાપડા, ઊભા થઈ શકતા નથી અને કેશવને ઘણું વાગ્યું..
" ચાલો મિસ્ટર પરમ ! તમારે હવે ઘરે જવાનો સમય થયો છે. બગીચામાં રાત ઘણી થઈ ગઈ છે અને તમને દેખાશે નહીં માટે..".......એમ મને સિટી હોસ્પિટલના માણસે કીધું.
હું શાનભાન ખોઈ બેઠેલો મને એક ટકાનું ભાન નહીં..મને હાથે પકડીને લઈ ગયો. હું બોલી શકતો નહિ પણ હું અંદરખાને અનુભવી શકતો હતો.
હું એ બગીચામાં મારી સરકારી નોકરી, મારી ભાવિ પત્ની, મારા મિત્રો અને મારા પરિવારને યાદ કરતો હતો..એ વૃક્ષની નીચે બેસી મારી યાદોને વાગોળતો હતો. એ યાદોને મારે બનાવવાની હતી અને એ યાદોને જાળવી રાખવાની હતી.
પણ, યાદો કોરી રહી ગઈ. એકસાથે ચાર જિંદગીની યાદો કોરીકટ રહી ગઈ અને હું કારણભૂત બન્યો.
" યાદોના સહારે આજે બગીચાની સાંજ કાઢું છું ક્યાંક મગજમાં આવે છે કાશ મરી ગયો હોત તો ? "
