Tirth Shah

Drama Romance

4.5  

Tirth Shah

Drama Romance

ઊગતો સૂર્ય

ઊગતો સૂર્ય

9 mins
473


સ્ટોરીમિરર એપ્લિકેશનના માધ્યમ હેઠળ "WriteWithPride" સ્પર્ધા અંતર્ગત વાર્તા રજૂ કરું છું.

થીમ : સુખી બિનપરંપરાગત કપલની વાર્તા.


"પ્રેમ કરવા માટેની કોઈ ઉંમર નથી અને પ્રેમને પામવા માટે કોઈ ધોરણ નથી. પ્રેમ એ મરજી મુજબ થાય છે, પ્રેમ એ ધર્મના ધોરણે નહીં પણ મનના ધોરણે થાય છે."

શિયાળાની મધરાત હતી. વાતાવરણ એકદમ ઠંડુ બની ગયું હતું. ચારેબાજુ નકરી શાંતિ હતી. હું મારા ફ્લેટના બીજા માળે આવેલા ભાડાના મકાનમાં બારી પાસે બેઠો હતો. બારી થોડી ખુલ્લી રાખી હતી, ઠંડો પવન વાતો હતો. બારીની પાસે મારુ લખવાનું ટેબલ હતું. ટેબલ પર ગરમ ચાનો કપ હતો. ટેબલ પર મારી ડાયરી પડી હતી જેમાં દસમા નંબરના પાને હું લખતા લખતા પહોંચ્યો હતો. મન આજે ઉદાસ લાગતું હતું અને શરીરમાં થાક જણાતો હતો. જાણે કેટલુંય દુઃખ મને આવી ચડ્યું હોય અને હું એ દુઃખમાં એકમાત્ર ભાગીદાર હોઉં. મન લાગતું નહીં એટલે ઠંડીની રાત્રે ચા બનાવી અને પીધી.

ઘડિયાળમાં સમય જોયો તો રાતના અઢી વાગવા આવ્યા હતા. આવતીકાલે મારે કોલેજમાં રજા હતી એટલે વહેલા ઊઠવું પડશે એવી કોઈ ચિંતા હતી નહીં. મસ્ત રજાઈમાં લપાઈને બેઠો અને બારી બંધ કરી. ટેબલ પર મુકેલી મારી લખેલી ડાયરીને હાથમાં લીધી અને વાંચવાનું ચાલુ કર્યું. મારે મારા મનને બીજી બાજુ ડાયવર્ટ કરવું હતું એટલે મારા જ શબ્દો હું વાંચવા લાગ્યો. માંડ ચારેક પાના વાંચ્યા હશે ત્યાંજ...

"હેય બડી... કેમ મેસજના જવાબ આપતો નથી...? કેમ મારા મેસેજીસને ઇગ્નોર કરે છે...? કેમ તું મને હવે પહેલા જેવો ભાવ આપતો નથી...? મેં કંઈ ખોટું કીધું તને અથવા મારાથી કોઈ ભૂલ થઈ ગઈ છે...? મને યાર જવાબ આપ...!"

મેસેજનો ટોન મોટો હતો એટલે એકપછી એક ટોન વાગવા લાગ્યા. હું ઝબકી ગયો. મારી ડાયરી સાઈડમાં મૂકી અને ફોન હાથમાં લીધો. મને મગજમાં થયું કે પેલાનો મેસેજ આવ્યો હશે..! એનો મેસેજ આવતાંની સાથે જ મારા મોઢા પર એક અલગ લેવલની ખુશી છવાઈ ગઈ.

મેં ફોનમાં જોયું કે, 'તરંગનો મેસેજ હતો..' એના એકસાથે આવેલા ચાર-પાંચ મેસેજીસ વાંચ્યા. રીપ્લાય આપું કે નહીં એ વિચારે હું બે મિનિટ બેસી રહ્યો. એ બે મિનિટ મારી આંખમાં તરંગનો હસતો ચહેરો યાદ આવી ગયો. એ ચહેરો યાદ આવતા મારા મોઢે એક અલગ સ્મિત આવી ગયું. મેં તરંગના મેસેજને વાંચીને ઓકે બાય લખીને હું ઓફલાઇન થઈ ગયો. પથારીમાં પડ્યો અને રજાઈ માથે નાખી દીધી.

જેવી રજાઈ માથે નાખી કે, તરતજ મને એ જૂની ઘટના યાદ આવી ગઈ. મારી સાથે બનેલી એ ઘટના જેણે મને બદલી નાખ્યો તેમજ મને મારી જાત સાથે પ્રેમ કરાવ્યો. મારી જાતની મને ઓળખાણ કરાવી અને મને પ્રેમનો સાક્ષાત્કાર કરાવ્યો. મને પ્રેમ વિશે અને પ્રેમમાં તરબતર કરી નાખ્યો. હું પ્રેમને માનતો પણ નહીં અને એ ઘટનાએ પ્રેમનો એકરાર કરાવી દીધો.

મને યાદ આવી એ ઘટના જે મારી જિંદગીમાં તરંગ નામના વ્યક્તિને લઈને આવી.

(જૂની ઘટના)

એ વખતે મારે બારમાં ધોરણનું પરિણામ આવ્યું હતું. અમે ગામડે રહેતા હતા. મારા બાપુજીની નાની અમથી ખાતરની દુકાન હતી જે માંડમાંડ ચાલતી હતી. ગામડાની દરેક વ્યક્તિ ધીમેધીમે શહેર તરફ વળવા લાગી હતી. મારાથી નાની બહેન હતી જેને અમારે ભણાવવાની હતી અને બાપાથી હવે વધારે કામ થાય એમ હતું નહીં. મારે ગમેતેમ કરીને ગામ છોડીને શહેર જવું પડે તેમ હતું. મેં મનોમન નક્કી કર્યું કે હું શહેરમાં સરકારી કોલેજમાં અભ્યાસ કરીશ અને કોલેજ પછી કોઈ કામ કરીશ. એમ કરીને હું ભણતાની સાથે નોકરી પણ કરીશ અને ઘરને મદદ કરીશ.

મને ભાડાનું મકાન શહેરમાં મળી ગયું. અમારા દૂરના કોઈ સગા હતા જેમની મહેરબાનીથી ઘર મળી ગયું. રસોઈ મેં બંધાઈ દીધી, રોજ સવારે કોલેજ અને બપોર પછી કુરિયરનું કામ કરતો. ધીમેધીમે સેટ થવા લાગ્યો હતો. શહેરની રહેણીકરણી મને માફક આવતી ગઈ અને હું સેટ થતો ગયો.

એકદિવસ મારી સાથે એક ઘટના બની ગઈ. મારા કામના કારણે મારે એકવાર શહેરમાં આવેલા જીમમાં જવાનું થયું.

"આ બોડી હબ જીમ છે...? તરંગ મહેતાના નામે કુરિયર આવ્યું છે."   હું કુરિયર લઈને સીધો જીમમાં ગયો. અંદર ખાસુ વિશાળ જીમ હતું, એકએકથી ચડિયાતા સાધનો હતા. બપોરનો સમય હતો એટલે વધારે કોઈ હતા નહીં. હું કુરિયર લઈને અંદર પહોંચી ગયો. એક ખૂણામાં બે-ત્રણ છોકરાઓ કસરત કરતા હતા, તેમની જોડે એક અંકલ સાઇકલિંગ કરતા હતા. મને જોઈને એક યુવાને અંદર બૂમ પાડી અને બોલ્યો... ,'કોઈ આવ્યું છે... તરંગ સર !'

તરંગ એટલામાં બહાર આવ્યો. એની હાઈટ ઘણી સારી હતી, તેમજ પૂર્ણ કસાયેલું શરીર, રાતી આંખો, ઘાટીમૂછો, ટ્રિમ દાઢી, ફિટ ટીશર્ટ, હાથમાં એપલની સ્માર્ટ વૉચ, કાનમાં બ્લ્યુટૂથ, બીજા હાથમાં એક પેજ અને પેન હતા. હું તેમની સામે જોતો હતો. તેવામાં મારી નજીક આવ્યા અને મને સોફા પર બેસવાનું કહ્યું. હું કુરિયર લઈને બેઠો, તેમની ઉંમર મારાથી દસેક વર્ષ મોટા લાગતા હતા. પણ, તેમની ઉંમર જોઈને લાગે જ નહીં કે.....!

પહેલીવાર મને તેમને જોવાનું મન થયું. હું ફરીફરી તેમને જોયા કરતો. તેમની દરેક હલચલ હું જોયા કરતો, ત્રાંસી આંખે તેમના શરીરને જોયા કરતો. તેમના સુંદર સફેદ ચહેરાને જોતો પછી હું નજર ફેરવી લેતો. તેમણે મારા હાથથી કુરિયર લીધું એ સમયે તેમનો હાથ મને સ્પર્શી ગયો અને એક અલગ કરંટ મારા શરીરમાં વ્યાપી ગયો. હું કુરિયર આપ્યા પછી પણ ત્યાં બે મિનિટ બેસી રહ્યો. પાણીના બહાને બેસીને મેં તેમને જોયા કર્યા. હું અઢારનો અને તે અઠ્ઠાવીસના.....!

જતાજતા મારા હાથમાં તેમનું કાર્ડ આપ્યું અને મારી સામે હસ્યાં. એ કાર્ડ લીધું અને હું નીકળી ગયો. એમની તસ્વીર મગજમાં છપાઈ ગઈ, એ દિવસે કામ કરવામાં મજા ન આવી. તરંગનો ચહેરો મને દેખાઈ જતો અને તરંગ બધે નજરે આવી જતો. એ રાત્રે પણ મને તરંગ ઊંઘમાં આવવા લાગ્યો. મેં મનોમન નક્કી કર્યું કે, 'હું એજ જીમમાં જઈશ અને તેને જોયા કરીશ....!' મને આજે એવો અહેસાસ થયો કે... મને તરંગ ગમવા લાગ્યો છે. તરંગ મને નજરે ગમી ગયો છે. એ ભલે મોટો છે પણ હું તેને પ્રેમ કરી બેઠો. તરંગ પ્રત્યે મને અલગ આકર્ષણ થવા લાગ્યું હતું. ભલે હું પુરૂષ હતો પણ મને પુરૂષ ગમવા લાગ્યો હતો. હું પુરૂષના પ્રેમમાં પાગલ થતો જતો હતો. હું કુદરત વિરુદ્ધની દિશામાં જવા લાગ્યો હતો.

એના ત્રણેક દિવસ બાદ મેં જીમમાં મારુ એડમિશન લઈ લીધું. હું રોજે સાંજે જતો, એ સમયે તરંગ મને ટ્રેઇનિંગ આપતો. એની ટ્રેઇનિંગમાં હું તેને આડકતરી રીતે સ્પર્શી લેતો. તે હળવાશમાં લેતો અને મને આંખ મારીને હસી કાઢતો. જીમ પત્યા પછી હું તેની જોડે દસેક મિનિટ વાતો કરતો. તરંગ પણ મારી જોડે અડીઅડીને વાતો કરતો. મેં એને મારો ફોન નંબર આપી દીધો હતો. શરૂમાં હું તેને હાય, હેલોના મેસેજ કરતો પણ ધીરે ધીરે હું તેને.... અતરંગી મેસેજ કરતો. સામે તરંગ એવા મેસેજના અતરંગી જવાબ આપતો. ક્યારેક મને લાગતું, 'તરંગ મને પણ ચાહે છે. તરંગને પણ હું ગમવા લાગ્યો છું. તરંગની નજરમાં હું આવી ગયો છું.'

ધીરેધીરે ફોન પર વાતો થવા લાગી. પહેલા દસેક મિનિટ પછી તો... એક-બે કલાક થવા લાગી. હું રોજ રાત્રે તરંગ જોડે અલકમલકની વાતો કરતો. એ મારી જોડે રોજ ખપાવતો, અમે વિડીઓ કોલમાં પણ વાતો કરતાં અમે એકબીજાને શેર કરતા, અમે ધીરેધીરે ખૂબ નિકટ આવી ગયા હતા. અંતે, અમે હોટેલમાં પહેલીવાર મળ્યા. એ દિવસ હું કયારેય નહીં ભૂલું. મારા જીવનનો યાદગાર અને ખુશમય દિવસ હતો. તરંગ મને ખૂબ પ્રેમ કરતો અને હું તો તેના માટે ગાંડો થઈ ગયો હતો. એ હોટેલની મુલાકાત અમારી વધવા લાગી. અમે ખૂબ એકબીજાને ચાહતા અને કદર કરતા. એ મારાથી દસેક વર્ષ મોટો પણ અમે એકબીજાના ચાહક બની ગયા હતા.

"પ્રેમ કર્યો આજે તને,

નથી જોઈ જાત કે લિંગ,

માત્ર અનુભવ કર્યો છે તારા સ્નેહનો,

પ્રેમ કર્યો છે આજે તને......."

હું રોજે કવિતા બનાવતો અને તેને મોકલતો. અમે સુખી જીવન જીવતા હતા. બધે અમે સાથે જતા.. મૉલમાં, થિએટરમાં, બગીચામાં, તળાવે, ઓફિસમાં, ફરવા, જમવા, રહેવા, મંદિરે તેમજ નાની-મોટી દરેક જગાએ ભેગા જતા. એકમેકના હાથમાં હાથ નાખીને ફર્યા કરતા. કોઈ પ્રકારે ચિંતા નહીં બસ... પ્રેમ અને પ્રેમની વાતો.

એ અરસામાં મને જાણ થઈ કે તરંગનું શોધે છે. તરંગની ઉંમર હોવાના કારણે તેનું ગોઠવવા માંગે છે. તરંગ દર વખતે ના પાડતો પણ આ વખતે ઘરથી સ્ટ્રીક્વોર્નિંગ હતી. તરંગે છોકરીઓ જોવાનું ચાલુ કરી દીધું, એ રોજ મને મળતો અને મારા ખભે માથું ઢાળીને રડતો. હું તેના ગાલે હાથ ફેરવીને શાંત કરતો. અંતે, મેં તેને લગ્ન કરવાની અને મારાથી છુટા પડવાની વાત કરી.

"તરંગ... હું તને ભૂલી નહીં શકું. હું આજીવન તારો રહીશ, પણ તારે હવે તારો સંસાર માંડવો પડશે.! આપણે હવે છુટા પડવું પડશે, હું તને આજથી મુક્ત કરું છું મારા પ્રેમના બંધનથી.....! હું આપણા પ્રેમની વ્યાખ્યાને આજે દૂર કરીને તને આઝાદ કરું છું. તરંગ તું પરણી જા અને સુખી થા......."

હું એટલું બોલીને જતો રહું છું. તરંગ એ બાંકડે બેસી રહે છે. દસેક દિવસ સુધી કોઈ મેસેજીસ નહીં, કોઈ કોલ્સ નહીં, કોઈ મળવા કરવાનો વિચાર નહીં, કોઈ વાતચીત નહીં.... અંતે અમારી વાતચીતને મહિનો થવા આવ્યો હતો.

હું મારા ગામડે વેકેશનમાં ગયો હતો. ત્યાં હું તરંગને રોજ યાદ કરતો. એવામાં મને તરંગનો મેસેજ આવ્યો અને કહ્યું,

'હેય.. ટુડે આઈ એમ વેરી હેપી... મીટ માય વાઈફ, સોનિયા....'

મેં તેનો મેસજ જોયો અને તરતજ નેટ ઓફ કરીને ફોન બંધ કરીને ધાબે ગયો. ખૂણામાં જઈને ઘણું રડ્યો, તરંગ જોડે મારા જુના સંબંધો મને ખૂબ યાદ આવ્યા. મેં ઉપર આકાશમાં જોયું... પ્રભુની સામે દેખ્યું અને મનમાં બોલ્યો, 'જીવનમાં એકવાર પ્રેમ થયો એને પણ તમે છેદી કાઢ્યો... હું તમને માફ નહીં કરું..!' એ બોલ્યા પછી હું ખૂબ રડ્યો. મનોનમ નક્કી કર્યું કે હું અને તરંગ હવે જુદા. કયારેય ભેગા નહીં થઈએ અમે કાયમ મિત્ર બનીને રહીશું..!

વેકેશન પૂર્ણ થતાં હું પાછો શહેરમાં ગયો. મેં જીમ બંધ કરી દીધું હતું. હું ભણવામાં અને નોકરીમાં ધ્યાન દેતો હતો. મેં તરંગ સાથે મારા તમામ સંબંધ તોડી પાડ્યા. હું મારી નવી જિંદગીમાં આગળ આવી ગયો હતો. તરંગ મને રોજ કોલ કરતો પણ, હું તેને એવોઇડ કરતો. એકવાર તરંગ મને શોપિંગ સેન્ટરની બહાર તેની વાઈફ જોડે મળી ગયો. તરંગે મને પાછળથી ધબ્બો માર્યો અને બધાની વચ્ચે મારો હાથ પકડી લીધો. બીજા જોતા એટલે તેણે વાતને વાળી અને મને ગળે લગાવ્યો. એણે એની વાઈફ જોડે મારી ઓળખાણ કરાવી. એની વાઈફ ખૂબ સુંદર હતી, તરંગ જોડે તેની જોડી જામતી હતી. હું, તરંગ અને તેની વાઈફ અમે જોડે નાસ્તો કરવા બેઠા. તેની વાઈફ વોશરૂમમાં ગઈ ત્યારે તરંગે ઝટકો આપે તેવી વાત કહી.

"યાર... હું તને ના ભૂલી શક્યો. હું તને ના પામી શક્યો. મને તું રોજ યાદ આવે છે. હું તને પામવા માંગુ છું, હું તને ફરી વાર એજ પ્રેમ કરવા માગું છું જે હું તને પહેલા કરતો હતો. હું તને ફરીવાર ચાહવા માંગુ છું. હું તને યાદ કરું છું.... યાર મારા મેસેજીસના જવાબ આપ, મારા કોલ્સને લે અને મારી જોડે એજ વાતો કર...! પ્રેમ એ ઉંમર અને લિંગ નથી જોતું. હું તને અને તું મને... આપણે એકમેકના બનીને રહીશું....! હું સોનિયાને છૂટાછેડા આપીને તારી જોડે........."

મેં તરંગની વાત કાપી. એને ઈશારો કર્યો અને કીધું, 'તરંગ તારી વાઈફ પાછળ ઊભી છે...!'

દસેક દિવસ વીત્યા હશે !

તરંગે છૂટાછેડા લઈ લીધા છે. સોનિયાએ અમને બંનેને હસતા હસતા સ્વીકારી લીધા છે.

તરંગ જોડે હું રોજે વાતો કરું છું. હું રોજે તેની જોડે ફરવા જાઉં છું. અમને હવે સમાજ અને ધર્મની પડી નથી. અમને અમારા પ્રેમની પડી છે, અમને અમારા ધ્યેયની પડી છે. હું અને તરંગ ખૂબ ખુશ છીએ ! એ મને ખૂબ સાચવે છે. હું અને તરંગ જાણે એકમેકના સંગાથી છીએ અને અમે કાયમ જોડે રહીશું...!

મારા ઘરે ગામડે મેં વાત કરી. બાપુને કાંઈ ખબર પડી નહીં અને મમ્મી માની નહિ. બહેન જાણતી હતી એટલે તેણે મારી જોડે સંબધ રાખ્યો. ધીરેધીરે મમ્મી અને બાપુ પણ માની ગયા. મને એમણે સ્વીકાર્યો અને મારી વાતને સમર્થન આપ્યું. એમણે મને અને તરંગને વ્હાલથી વધાવી લીધા.

"પ્રેમ કરીને અમે આજે ખુશ છીએ. પ્રભુએ અમને જે અલગ શક્તિ આપી છે એનો અમે પ્રસાદ રૂપે સ્વીકાર કરીને જીવન જીવીએ છીએ....."

(વર્તમાનમાં)

એટલામાં સવાર પડી ગઈ. મેં તરંગના મેસેજીસનો રીપ્લાય આપી દીધો. તરંગ કામ અર્થે બહાર ગયો હતો અને આજે એ આવવાનો હતો. આખીય રાત એના વિચારો આવ્યા. મને મારી એ જૂની ઘટનાઓ યાદ આવી ગઈ. રજાઈમાંથી બહાર આવ્યો અને બારી બહાર જોયું. આજે વર્ષ બદલાયું હતું, નવું વર્ષ બેઠું હતું. દીવાલ પર લટકતું કેલેન્ડર બદલ્યું. મારે અને તરંગને જોડે રહે આજે સાતેક વર્ષ થવા આવ્યા હતા. અમે ઘણા સુખી હતા અને ઘણા બહુ જ ખુશ....!

"સુખી જીવન જીવવું એ આપણા હાથમાં છે અને એ જીવનને ટકાવી રાખવુ એ પણ આપણા હાથમાં જ છે. અમે અલગ લિંગના હતા છતાંય અમે સુખી જીવન જીવ્યા અને આગળ જીવીશું.....! નજર ના લાગે મારા અને તરંગના પ્રેમને."

પેલું કહેવાયને ઊગતો સૂર્ય સહુને ગમે... એવીજ રીતે અમારો સમુદાય પણ ઊગી રહ્યો છે અને સહુને ગમશે..!

ભલે અમે LGBTQ સમુદાયમાંથી આવીએ છતાંય અમને સમાજ અને દેશ સ્વીકારે છે. એજ મોટામાં મોટું ઋણ છે. જે અમે કયારેય ચૂકવી નહીં શકીએ....! અમારા જેવા લોકોને માન આપવા બદલ આભાર.


Rate this content
Log in

Similar gujarati story from Drama