Tirth Shah

Drama Romance

4.5  

Tirth Shah

Drama Romance

પ્રેમ અને સમર્થન

પ્રેમ અને સમર્થન

10 mins
291



સ્ટોરીમિરર એપ્લિકેશનના માધ્યમ હેઠળ "WriteWithPride" સ્પર્ધા અંતર્ગત વાર્તા રજૂ કરું છું.

થીમ : બિનપરંપરાગત કપલની સમાજમાં સ્વીકૃતિ.


"સમાન લિંગના પ્રેમ સંબંધ અનેક જોયા હશે પણ તે સંબંધોને મજબૂતીની માફક ટકાવી રાખવા અને સમાજમાં એજ સંબંધોને નવી વાચા આપવી એ નાનીસૂની વાત નથી. પ્રેમ તો થઈ જશે પણ તે પ્રેમ કર્યા પછી આ ચુસ્ત સમાજમાં દાખલો બેસાડવો ખૂબ અઘરો છે."

પ્રેમ એ અંધ છે એ વાતને નકારી શકાય નહીં. આવતીકાલે સ્નેહ અને શૌર્યના લગ્નને દસેક વર્ષ થશે ! કેવી મજાની વાત છે... આપણા ઘરે રૂડો પ્રસંગ આવ્યો છે. સ્નેહ અને શૌર્ય એમના લગ્નના દસેક વર્ષ પછી અહીં પરત ફરે છે. એમના આગમનની સારી એવી તૈયારી કરવાની બાકી છે. મારો દીકરો કેટલા વર્ષે મારી નજર સામે આવશે.. ! કેટલાંય સમયથી બિચારો આવવા માંગતો હતો ને અંતે દિવસ આવી જ ગયો. આખીય સોસાયટીમાં કાલે જમણવાર રાખ્યો છે. એની લગ્ન તિથિ નિમિત્તે સારું એવું આયોજન કર્યું છે. સ્નેહ અને શૌર્યને મળવા માટે શહેરના નામાંકિત પત્રકાર એવા 'એસ. અધિકારી સાહેબ' આવવાના છે. જોડે આપણા મેયર એવા 'કિરણસિંહ' પણ આવવાના છે. મને તો હરખ સમાતો નથી કે... એક સમયે સ્નેહને આપણે કેટલું બોલ્યા હતા અને આજે સ્નેહ ગર્વ લેવાડાવે છે. કેટલી ગર્વની બાબત છે અને આજે મને આનંદ છે.

સ્નેહના માતા-પિતા ઘરના આંગણે બેઠા છે અને દીકરાની વાતો કરે છે.

રાતના દસ વાગવા આવ્યા છે. શિયાળાને કારણે વાતાવરણ એકદમ ઠંડુગાર બની ગયું છે. ચારેયબાજુ નકરી શાંતિ છવાયેલી છે. કાનજી સોસાયટીના ઘર નંબર અગિયારમાં લાઈટો ચાલુ છે. ઘરમાંથી કંઈક તૂટવાનો કે કોઈના રડવાનો અવાજ આવે છે. ત્રણ માળનું ઘર છે અને ઉપરના માળે કોઈકના રડવાનો અવાજ આવે છે. ચારેબાજુ નકરી શાંતિ હતી માટે એ અવાજ ચોખ્ખો આવતો હતો. સોસાયટીમાં ધીરેધીરે લોકોના દરવાજા ખુલવા માંડ્યા. કોઈ બારીએથી જોતું તો કોઈ ઘરની છત પાસે જઈને જોતું. સોસાયટીમાં હવે અવાજ વધુ આવવા માંડ્યો હતો. એ અવાજ ઝઘડામાં ફેલાઈ ગયો હતો. એ અવાજ હવે મારમારીમાં અને અંતે ઉગ્ર ઝઘડામાં ફેરવાઈ ગયો.

સોસાયટીના ચેરમેન એવા શશીકાંત ભાઈ એમના ઘર પાસે ગયા. એમની જોડે સોસાયટીના આગેવાનો પણ ગયા. હું અને સ્નેહના પપ્પા અમે અમારી બારીએથી બધું જોતા હતા. અગિયાર નંબરનું ઘર અમારાથી ઘણું નજીક છતાંય અમને સમજ પડતી નહતી. ઝઘડાનું કારણ જાણી શકાયું નહીં... ! ધીરેધીરે સોસાયટીમાં બધા ભેગા થઈ ગયા અને વાતાવરણ તંગ જણાતું હતું. એટલામાં એ ઘરમાંથી એક યુવાન જે લોહીલુહાણ હાલતમાં હતો, દોડતો દોડતો સીધો ઘરની બહાર આવી ગયો. એની હાલત જોઈને લાગતું હતું કે કોઈએ એને સખત માર્યો છે.

મારાથી એ સહન થયું નહીં. હું સીધી ઘરની બહાર નીકળી અને એ યુવાનને મારા ઝાંપા પાસે ઊભો રાખ્યો. એને પાણી પાયું, એની પાછળ એનો બાપ દોડતો દોડતો આવ્યો. એના હાથમાં ધારદાર હથિયાર જેવું લાગતું. એની પાછળ સોસાયટીના બધા દોડ્યા અને પેલા ભાઈને રોકી દીધા. એના છોકરાંને મારા ઘરમાં લઈ ગઈ અને એના બાપને સામે વાળાના ઘરમાં લઈ ગયા.

વાતાવરણ જરા હળવું થયું. રાતના બારેક વાગવા આવ્યા હતા. અડધા મારા ઘરમાં હતા અને અડધા સામેવાળાના ઘરમાં હતા. એ યુવાન હવે સ્વસ્થ જણાતો હતો, એણે આખીય વાત કહેવાની ચાલુ કરી.

(આ સોસાયટીમાં રહેવા આવે માંડ અમારે દસેક દિવસ જ થયા છે. એટલે તમે અમારા ફેમિલી અને મારા ભૂતકાળ વિશે જાણતા નથી. બહુ અઘરી કહાની છે મારી અને મારા ફેમિલીની... બહુ યાતનાઓ ભોગવી છે અને હવે જીવવા માંગતો નથી. શું કહું મારી જિંદગી વિશે...? જેણે મને એટલી હદે હેરાન કર્યો છે.... !

મારુ નામ જય અશોકભાઈ પેટલીયા. હાલ હું ઈજનેરી કોલેજમાં ભણું છું. ઉંમર મારી ચોવીસેક વર્ષની અને જોડે સરકારી નોકરીની તૈયારી કરું છું. જન્મ સમયે હું સામાન્ય જ હતો.. જેમ મારો માનસિક અને શારીરિક વિકાસ થતો ગયો મને અમૂક બદલાવ મનમાં આવવા લાગ્યા. એ બદલાવ મને બહુ થકવી દેનારા સાબિત થયા.

થયું એવું, હું મારી શાળાના મારાથી બે ધોરણ આગળના મારા મિત્રના પ્રેમમાં પડી ગયો. હું રોજે એને હાથે કરીને મળવા જતો, કોઈને કોઈ કારણોસર હું એને સ્પર્શી લેતો. એની જોડે વાતો કરતો... એનો સહવાસ મને સારો લાગતો. એ ધીરેધીરે સમજી ગયો હતો કે હું એની પાછળ ગાંડો થયો છું. આ વાત આખીય શાળામાં ફેલાઈ ગઈ. મારી હાલત કફોડી બની ગઈ, એના પિતા પોલિસ હતા.. એમણે મારી તરફ કેસ કરી દીધો. અંતે મહામહેનતે કેસને પરત કર્યો અને મને માફ કર્યો.

મેં બધાની સામે કહેલું, 'હું વાંકામાં ન હતો જોડે તમારો દીકરો પણ મારા પ્રેમમાં અંધ હતો. એણે મને જવા દો.....નથી કહેવું.. ! હશે મોટા ઘરના દીકરાઓ આવી જ રીતે કેસ કરી નાખે. મારો વાંક એટલો કે હું સામાન્ય પુરુષ નહતો.'

તેના બાદ મારી શાળા પુરી થઈ. કોલેજ કાળ શરૂ થયો, કોલેજ કાળમાં હું મારી જાતને ગે તરીકે જ લેતો હતો. મેં મારી જાત સાથે એડજસ્ટમેન્ટ કરતા શીખી લીધું હતું. મને કોઈ અફસોસ હતો નહીં કે હું સામાન્ય નથી. એના કારણે મારી કોલેજના કેટલાય લોકો મને ખરાબ રીતે લેતા. તેમની નજરોથી અને મારી ઈજ્જત બચાવીને હું બહુ ભાગ્યો. એ ભાગતા ભાગતા કોલેજના બીજા વર્ષે મને અમારી લાઈબ્રેરીનો કર્મચારી દેવ મારી નજરે ચડી ગયો. હું એની નજરે અને એ મારી નજરે સારી રીતે ચડી ગયો. દેવ મને ઈશારા કરતો અને એના ઈશારામાં હું આંધળો થતો ગયો. સમય એવો આવ્યો કે હું અને દેવ એકમેકને સમય આપવા લાગ્યા. એ સમયગાળામાં અમે બહુ નજીક આવી ગયા હતા, અમે અમારી લાગણીને માન આપીને સંયુક્ત રીતે રહેતા..

કોલેજ કાળ પૂરો થવા આવ્યો, મારી અને દેવની વાત બધે જાણ થવા લાગી. દેવને મારી જોડે જ રહેવું હતું. એ એના ઘરે મંજૂર હતું નહીં, દેવ મને પામવા માટે ગમેતે કરવા રેડી હતો. દેવને હું ખૂબ ચાહતો... ! અંતે મારા ઘરે છેલ્લા દસ દિવસથી જાણ થઈ ગઈ હતી અને આજે મને મારા પિતાએ માર્યો.)

એ રાત જયને મારા ઘરે રાખ્યો. એને મેં માત્ર એટલું કીધું, આવતીકાલે મારા દીકરા સ્નેહને મળજે. સ્નેહની પણ વાર્તા કંઈક તારી જેવી હતી. એને પણ શરૂમાં ઘણી અડચણ આવી હતી પણ અંતે તે અને શૌર્ય એકમેકના થઈ ગયા. મારા સ્નેહને મળજે એ તને સારી રીતે સમજાવશે... ! કાનજી સોસાયટીમાં વાતાવરણ શાંત થઈ ગયું હતું. અશોકભાઈ હજુ ગુસ્સામાં હતા અને તેઓ જયને શોધતા મારે ઘરે આવી ગયા. એ હજુ ગુસ્સામાં હતા, તેમની આંખોમાં હજુ દીકરા પર ગુસ્સો હતો.

"મને જો ખબર હોત તો... મેં મારા દીકરાને ક્યારનોય... ! હશે મને આજે ખબર પડી. એને શું મળતું હશે છોકરાઓ માં...? કોણ જાણે કેટલી સરસ છોકરીઓ અમારી ન્યાતમાં છે અને આ ભાઈને ભાઈમાં રસ છે.. ! મને સમજાતું નથી કે શું કામ આવા ફાલતુ પ્રેમમાં પડતો હશે...? હું તો એને પ્રેમ નહીં પણ માત્ર વાસના અને આકર્ષણ કહું છું. હું આવા પ્રેમને સ્વીકારતો નથી, હું આવા પ્રેમને ધિક્કારું છું. ભલેને મારો દીકરો કેમ ન હોય... ! એ સ્કુલ કાળમાં આવું કરતો હતો, ત્યારે મને જાણ થઈ હોત તો...... આજે મારે સમાજમાં આવું મોઢું છુપાવવું ન પડ્યું હોત.. ! હું મારા દીકરાને માફ નહીં કરું.. ભલે સમાજ એને માફ કરે પણ હું કયારેય નહીં.... આવા નફાવટ હોય એના કરતાં ના હોવા સારા."

અશોકભાઈ ગુસ્સામાં બોલે છે.

બીજી સવારે સૂર્ય ઊગી ગયો છે. હજુ ચોમાસાના વાદળો જોઈએ એવા જામ્યા નથી. ગાઢ અંધકાર જોવા મળે છે, સ્નેહ અને શૌર્ય હવે કોઈપણ સમયે આવી શકે તેમ છે. તેઓ એરપોર્ટ પર ઉતરી ગયા છે. બંને કારમાં બેસી ગયા છે અને સોસાયટીમાં બસ હવે પહોંચતા હશે... ! જય હજુ સ્નેહના ઘરે જ છે. અશોકભાઈ હજુ ગુસ્સામાં છે અને સ્નેહના ઘરે મસ્ત વાતાવરણ જામ્યું છે. ઘરના આંગણે ફૂલોનો શણગાર કરેલ છે, જોડે રંગીન ફુવારો રાખ્યો છે. નાની વેલો ઉગાડી છે, બધેથી અત્તરની સ્મેલ આવે છે. પત્રકાર એસ. અધિકારી આવી ગયા છે અને મેયર બસ હવે આવતા હશે. સ્નેહ અને શૌર્ય આવી ગયા છે. ગાડી ઘરના દરવાજે આવી ગઈ છે. બંને હાથમાં હાથ નાખીને ભેગા ઉતર્યા. ઉતર્યા પછી બંનેએ એકમેકના કપાળે હળવું ચુંબન કર્યું અને આંખમાં આંખ નાખીને હસવા લાગ્યા. સ્નેહના માતાએ આરતી કરી અને સ્વાગત કર્યું. સ્નેહ અને શૌર્ય હાથ ઝાલીને અંદર આવ્યા.

"હેય... આઈ એમ પત્રકાર એસ. અધિકારી, હું તમને અમૂક અંગત સવાલો પૂછવા આવ્યો છું. મારે તમારા બંને પર લેખ લખવાનો છે. લેખનો વિષય છે 'સમાન લિંગના લગ્ન અને સમાજમાં સ્વીકૃતિ' "

"હેલો... હું મેયર કિરણસિંહ, આપણા શહેરનો દાખલો આપણે ફલક સુધી લઈ જવાનો છે અને રાજ્યરકારને મારે તમારા કિસ્સાને મૂકવાનો છે. માટે સરકાર આ સમુદાય અંગે રાહતના કાર્ય કરે અને નવો દાખલો સમાજમાં બેસે.... !"

અમે બંને જોડે બેઠા છીએ. સામે જય અને અશોકભાઈ બેઠા છે. ઘરમાં સોસાયટીના લોકો બેઠા છે. હું તેમના એકપછી સવાલોના જવાબ આપવાનું ચાલુ કરું છું.

સવાલો કંઈક આવા હતા.....

* ખરેખર આવા લગ્નને સમાજ સ્વીકાર કરે છે...?

* શું આવા લગ્ન શક્ય છે...?

* શું આવા વ્યક્તિ સમાજમાં રહવાને લાયક છે...?

* શું ખરેખર પ્રેમ છે કે પછી માત્ર વાસના...?

* આ સમુદાય અંગે હાલ પાકો સમય જાગ્યો છે ખરો...?

* શું સમાજમાં ઊંઘી અસર પડશે તો...?

* આવા લગ્નને મંજૂરી મળી તો આવનારી પેઢી શું કરશે...?

એવા અનેક સવાલો અમને પૂછ્યા. અમે માત્ર એટલું કીધું,

'પ્રેમ એ રૂપ, રંગ, ધર્મ, જાતિ, ન્યાત, પૈસો, અમીરી, ગરીબી, લિંગ, ઉંમર જેવા અનેક પરિબળો જોતું નથી. પ્રેમ માત્ર લાગણી, ધીરજ, ખુશી, સહવાસ, આનંદ, વિશ્વાસ, સહમતિ જેવા પરિબળો પર નભે છે.'

સ્નેહ આખીય વાત કરે છે કે કેવી રીતે સ્નેહ અને શૌર્ય ભેગા થયા અને તેમનો સ્વીકાર સમાજે કર્યો.

સ્નેહની વાત કંઈક આવી હતી.

(એ સમયે હું આઠમા ધોરણમાં હતો. પોરબંદરની સરકારી શાળામાં અભ્યાસ અર્થે ભણતો પછી નવમા ધોરણથી શહેર તરફ દોટ મૂકી. એ સમયે મને એવી કોઈ ભાન નહીં કે હું પોતે ગે છું. અરે... ! ગે શબ્દ વિશે પણ જાણ હતી નહીં. શહેરની ઝાકમઝોળ મને ધીરેધીરે માફક આવતી ગઈ. હું અવ રંગમાં જોડાવા લાગ્યો. એવામાં મારી બાજુમાં શૌર્ય નામે એકદમ સોહામણો છોકરો ક્લાસમાં આવ્યો. એ મારી બાજુમાં બેઠો, અમારા બંનેના વિચાર તદ્દન અલગ છતાંય અમારી મિત્રતા ખીલવા લાગી. એ હોશિયાર અને હું મધ્યમ.. એ ચાલાક અને હું ડોબો, એ તેજ અને હું શાંત, એ ઉછળતો અને હું ધીર ગંભીર, એ ડાહ્યો અને હું દોઢ ડાહ્યો..... બહુ અસમાનતા હતી છતાંય અમે મિત્ર બની ગયા.

એ મિત્રતા અમારી ધીરેધીરે સ્પર્શમાં આવવા લાગી. એ મને કોઈ બહાને અડી લેતો, હું એના સ્પર્શને પ્રેમ સમજી લેતો. એ મને હર હંમેશ અડી લેતો. એનો સ્પર્શ ધીમેધીમે વધતો જતો, એ મને અંગતમાં નોટબૂકના પાને પત્ર લખતો. એ પત્ર એટલું કહેતો કે એ મને ચાહવા લાગ્યો છે. એની એ બધી વાતો મને હેરાન કરી મૂક્તી. હું તો સામાન્ય પોરબંદરથી આવેલો અને મારા માટે બધું નવું હતું. પણ...., એનો સ્પર્શ મને હેરાન કરી મૂકતો. ધીરેધીરે હું પણ તેને પ્રતિકાર કરવા લાગ્યો હતો.

હવે... અમે બંને જાણી ગયા હતા કે અમે બંને પ્રેમમાં છીએ. અમારો પ્રેમ હવે વધતો જાય છે અને અમે બંને એકમેકને સમજી ગયા હતા. એવામાં શૌર્ય હોશિયાર હોવાના કારણે તેણે સાયન્સ લીધું અને હું આર્ટસમાં આવી ગયો. એની કોલેજ બદલાઈ, શહેર બદલાયું.. અમે નક્કી કર્યું કે દર મહિને આપણે મળવું. એવામાં અમે નિયત દર મહિને મળતા. ધીરેધીરે કોલેજ, પરિક્ષા, વધારે બીઝી સમય જેના કારણે અમારું ઓછું થયું.

કોલેજ પતવા આવી ત્યાંસુધીમાં અમે ઘણીવાર અંગત થઈ ચુક્યા હતા. અમે ઘણીવાર એકમેકના બની ગયા હતા, અમારો પ્રેમ હવે છૂપો ન રહેતો. એની ભણક લાગવા લાગી હતી. શૌર્યની બહેનને જાણ થઈ હતી કે શૌર્ય અને હું ગે સમુદાયને ફોલો કરીએ છીએ તેમજ અમે આગળ વધી ગયા છીએ. શૌર્યની બહેને ઘરમાં દરકેને કહી દીધું અને અમારું મળવાનું બંધ......

એ ઘટનાના પડઘા એવા પડ્યા કે, 'મારી સમાજમાં મજાક બની ગઈ. લોકો મને સ્ત્રી સમજતા મને હેરાન કરતા, મારી ઈજ્જત પર સવાલ ઉઠવા લાગ્યા. મારી મર્દાનગી પર પ્રશ્ન થવા લાગ્યા, મારી પર મારી જાત અને મારી કાસ્ટ પર સવાલ થવા લાગ્યા. મારી પર નજર રાખવામાં આવતી. મારા પર અખોયદિવસ ધ્યાન રાખવામાં આવતું, જાણે હું અલગ દુનિયાનો હોઉં એવી રીતે મને જોતા... મને એવી રીતે ટ્રીટ કરતા. મારી પર હસતા, મને ગંદા ઈશારા કરતા. હું જાહેર જગ્યાએ હોઉં ત્યાં અનેક યુવાનો મારો ફાયદો લેવા આવી જતા, મને સ્પર્શી લેતા, મને ઈશારામાં બોલાવતા..... ! ત્યારે મનમાં થતું કે... હું મારી ફીલિંગ જણાવું છું અને તેઓ ખાનગીમાં દર્શાવે છે...' હું બધી રીતે થાકી ગયો હતો. સેમ પરિણામ શૌર્ય જોડે થયું પણ, શૌર્ય તો તેજ અને હિંમતવાન હતો માટે એણે ડર્યા વિના એટલો સમય કાઢ્યો.

અંતે, અમે દસેક મહિના બાદ અમે મળ્યા. કેટલા પ્લાન ઘડ્યા અને અંતે અમે ભર બજારમાં મળી ગયા. અમે બંને એકમેકને જોઈને પહેલા ખૂબ રડ્યા, હાથમાં હાથ નાખીને બહાર ફર્યા. છેવટે અમે એક વિડીઓ બનાવ્યો અને અમે જાહેરમાં ચુંબન કરી દીધું. કોઈની પરવાહ કર્યા વગર અમે અમારામાં ડૂબી ગયા, એ પ્રવાહમાં અમે એવા તારાયા કે અમે નક્કી કર્યું... અમે જોડે રહીશું ભલે ગમેતે થાય...... ! આ દુનિયાને અમે બતાવીને રહીશું કે અમે પણ માણસ છીએ, અમે પણ સામાન્ય જીવન જીવી શકીએ છીએ.)

હું વચમાંથી અટક્યો, સામે જય રડી પડ્યો હતો. એના પિતા પણ એને જોઈને રડમસ થઈ ગયા હતા. પત્રકારની આંખમાં પણ આસું દેખાતા હતા, મેયર ગર્વભેર મને ભેટી પડ્યા. મારી માતા મને જોઈને ખુશ હતી, હું અને શૌર્ય સામે જોયું અને પ્રભુની સામે માથું નમાવ્યું.

"આજે મારે અને શૌર્યને દસ વર્ષ થયાં... દુનિયા બદલાઈ ગઈ, લોકોના વિચારો બદલાયા. લોકો સમજતા થયા, લોકો જાણકાર થયા. પરિસ્થિતિ બદલાતી ગઈ. અમને તથા અમારા જેવાને લોકો સ્વીકાર કરતા થયા. આજે સમાજ અમને એવી નજરે નથી જોતો. આજે અમારી પણ એટલી ઈજ્જત જોવા મળે છે.

અંતે, અમે લગ્ન કરી લીધા. આજે લગ્ન કરે દસેક વર્ષ થયાં.. અમે ઘણા ખુશ છીએ, અમે એક દીકરાને દત્તક લીધો છે અને અમે તેના પેરેન્ટ્સ તરીકે કાયમ છીએ."

જય અમને મળીને ખુશ થયો. અશોકભાઈ પણ રેડી થયા હતા. દેવ અને જય મારી જોડે આવશે વિદેશમાં... ! એ બંને પણ બહુ ખુશ છે અને દેવ સાથે પણ અમે વાત કરી.

અંતે, મહિનાના અંતે જય અને દેવ એકમેકના બની ગયા. બંને એકમેકના સાથી બની ગયા. એ દિવસે અશોકભાઈ સહુથી વધારે ખુશ થયા હતા. એમની આંખમાં આસું સાથે ગર્વ પણ જોવા મળતો. એમને મન, 'સમાજની રૂઢીગતતાને દૂર કરી અને એક નવો દાખલો બેસાડ્યો.'

આજે... અમે અમારા લગ્નને સાર્થક કરી બતાવ્યું અને સમાજમાં અમને સ્વીકૃતી પણ મળી ગઈ. અમે હવે આઝાદ છીએ, આ દુનિયાના રિવાજોએ અમને જુદા કરી શક્યા નહીં. આ સમુદાયને પ્રેમ અને સમર્થન આપવા બદલ આભાર.


Rate this content
Log in

Similar gujarati story from Drama