Tirth Shah

Comedy

4  

Tirth Shah

Comedy

બદલાની રાત

બદલાની રાત

4 mins
258


મને આજેય યાદ છે કે એ રાતે મારી સાથે શું બન્યું હતું. મસ્ત ઉનાળાના દિવસો ચાલતા હતા. બપોરે અંગ દઝાડે તેવી ગરમી અને રાતે જરા સરખી ટાઢક..! હું એકલો મારા ફ્લેટના ધાબે સૂતો હતો. રાતના અઢી જેવા થયા હશે..! હું મસ્ત ઘેનમાં સૂતો હતો. મારી ત્રીજી કે ચોથી ઊંઘ જતી હશે ને ત્યાંજ એકાએક મારા પગમાં તળિયા પાસે કંઇક સળવળ થવા લાગી. હું ઘેનમાં હતો એટલે બહુ ધ્યાન આપ્યું નહીં અને પગને ચાદરની અંદર નાખી દીધો.

માંડ પાંચેક મિનિટ થઈ હશેને ત્યાંજ ફરીવાર મને બીજા પગના તળિયા પાસે પણ સળવળ થવા લાગી. હું સીધો સફાળો જાગી ગયો અને ચાદરને લાત મારીને ખસેડી દીધી. અમાસની ભારે રાત હતી એટલે નર્યું અંધારું હતું. ઓશિકા નીચેથી ફોનને કાઢ્યો અને ફ્લેશ લાઈટ ચાલુ કરીને ચારેય બાજુ મારી. ચારેય બાજુ નજર કરી પણ કશુંય દેખાયું નહીં એટલે ચાદરને બરાબરની ઝાટકી અને માથા સુધી ઓઢીને સૂઈ ગયો.

હવે તો ડર પણ પેસી ગયો હતો એટલે ઝડપથી ઊંઘ આવી નહીં. વીસેક મીનીટ બાદ ક્યાં આંખ લાગી ગઈ એ ખબર જ ન રહી..! માંડ આંખ બંધ થઈ હશેને ત્યાંજ ફરીવાર એ સળવળાટ થયો. હું ધ્રુજી ગયો અને એકીઝાટકા સાથે ઊભો થઈ ગયો. હવે મને ડરની સાથે સાથે ધ્રૂજારી પણ આવતી હતી. મેં આમતેમ નજર મારી પણ કોઈ કરતા કોઈ હતું નહી. હું સીધો ઊભો થયો અને ધાબાની પાળી પાસે જઈને ઊભો રહી ગયો.

રાતના ત્રણ વાગવા આવ્યા હશે..! દૂર દૂર કૂતરાઓ રડી રહ્યા હતા કે ડરાવતા હતા એ જાણ નહીં. રસ્તે કોઈ કરતા કોઈ માણસ હતું જ નહીં હું એકલો ભૂતની માફક જાગતો હતો. પવન પણ મસ્ત ઠંડો વાઈ રહ્યો હતો. હું જ્યાં ઊભો હતો ત્યાં બે - ત્રણ મિનિટમાં તો મચ્છરોએ મને હેરાન કરી મૂક્યો. ઘડીકમાં આ પગમાં કરડે તો ઘડીકમાં બીજા પગમાં કરડે..! મેં મનમાં આશ્વાસન આપ્યું કે..., " એ મારો માત્ર ભ્રમ હતો માટે હવે મારે સૂઈ જવું જોઈએ..! "

જેવો હું મારી પાથરી તરફ વળ્યો કે મારા પગ ઉપરથી કોઈ જીવ પસાર થયું હોય તેમ લાગ્યું. હું તરતજ સમજી ગયો કે... ક્યારનો જે રીતે હું હેરાન થઈ રહ્યો છું એ કોઈ ભૂત પ્રેતના કારણે નહીં પણ આ રખડતા જીવના કારણે. મેં તરતજ ફ્લેશ લાઈટ ચાલુ કરી અને આખાય ધાબામાં ફેરવવા લાગ્યો. ધાબાના ખૂણા પાસે બે ત્રણ ઉંદર ક્યારના રખડ્યા કરતા હતા. આમતેમ આખા ધાબામાં ફરતાં હતાં એટલે મારી ઊંઘને હરામ કરનાર આ ઉંદર જ હતા. જેવી ફ્લેશ બંધ કરી અને ફરીવાર ચાલુ કરી ત્યાં તો ઉંદર ગાયબ..! હવે મારા માટે મેઈન ગેમ ચાલુ થઈ.

મારે હવે તેમની જોડે બદલો લેવાનો હતો કે... હવે, હું મારી અડધી ઊંઘ કેવી રીતે પૂરી કરીશ અથવા આ ઉંદરને કેવી રીતે ભગાડીશ..! પહેલા મેં નક્કી કર્યું કે હું આખી રાત ફ્લેશ લાઈટ ચાલુ રાખું એટલે એ લાઈટના ફોકસને કારણે ઉંદર નજીક નહીં આવે ત્યારબાદ ફોનમાં ચેક કર્યું તો માંડ દસ ટકા જ બેટરી બાકી હતી, તેમજ ફોનની ફ્લેશ લાઈટ આખી રાત ચાલુ પણ ન રાખી શકાય. હવે, મેં એવું નક્કી કર્યું કે નીચેથી સાવરણી લઈને આવું અને ઉંદર ઉપર ફરી વળું. જીવ હત્યાનો પાપ લાગશે એ ડરથી આ વિચારને તડકે મૂક્યો. ત્યારબાદ મને એવું થયું કે હું આખોય ચાદરમાં લપેટાઈ જાઉં અને માથા સુધી બરાબરનું ઓઢી લઉં એટલે ઉંદર ચાદરની અંદર આવી નહીં શકે..!

તમે વિચાર કરો હું રાતના સવા ત્રણ વાગ્યે કેટલા ફાલતુ વિચારો કરું છું. હું બદલાની ભાવના લેવા માંગુ છું જે ઉંદરે મારી ઊંઘને તોડી પાડી..! છેલ્લા વિચારને અમલમાં મૂકીને હું આખી ચાદરમાં લપેટાઈ જાઉં છું..., માંડ અડધો કલાક થયો હશે ને ત્યાંજ ચાદરની અંદર ફરીવાર સળવળાટ થયો. હું ઝબકી ગયો અને મનમાં બે ચાર ગાળો પણ દીધી. ફોનમાં જોયું તો પોણા ચાર થવા આવ્યા હશે..! મેં ઉપરની તરફ ઈશારો કર્યો અને ધીમા અવાજે બોલ્યો :

" શું બગાડ્યું હતું મેં તમારું..? કેમ મારી ઊંઘની પાછળ પડી ગયા છો..? મેં ઉંદરને જવા તો દીધા હવે મને પણ જવા દો..! મહેબારની કરીને મને છ વાગ્યા સુધી સૂઈ રહેવા દો પછી આમેય મારે ઊઠવાનું જ છે. "

છ વાગી ગયા. ફોનમાં બેટરી તો હતી નહીં અને ઉતાવળમાં એલાર્મ મૂકવાનું પણ રહી ગયું હતું. આખી રાત ઊંઘ સરખી આવી નહતી એટલે ક્યાં આંખ લાગી ગઈ એ ખબર જ ન રહી. એટલીવારમાં ફરીવાર ચાદરમાં સળવળાટ થયો, હું સફાળો જાગી ગયો. જેવો જાગ્યો કે મેં મારી નજર સામે જોયું તો... બે ઉંદર મારી સામેથી પસાર થયા..! હું મનોમન સમજી ગયો અને હસી પડ્યો. ઉપરની તરફ જોયું અને મનમાં બોલ્યો :

" આભાર મને ઉઠાડવા માટે..! મેં બદલો લીધો હોત તો કદાચ આજે નોકરીમાં મારી રજા પડી ગઈ હોત..! આભાર ઉંદર મિત્ર. "


Rate this content
Log in

Similar gujarati story from Comedy