સંઘર્ષનો હર્ષ
સંઘર્ષનો હર્ષ
"દિવાળી આડે હવે માંડ દસેક દિવસ બાકી છે... ને આ વખતે પણ એ જ પ્રોબ્લેમ થવાનો છે..! સાલું જ્યારે દિવાળી આવે છે ત્યારે જ આવી મૂંઝવણ પેદા થાય છે. મને તો કશું સમજાતું નથી કે શું કરવું...? " રકાબીમાં ચા પીતા પીતા સવારના સમયે વૈભવ તેની પત્ની ઉન્નતિ જોડે વાત કરે છે.
શહેરની મધ્યમાંથી પસાર થતી નદીના પૂર્વ છેડે આવેલી અંજલિ સોસાયટીના, મહેરબાની ફ્લેટના ચોથા માળે વૈભવ મહેતા ભાડે રહે છે. વૈભવ એક ખાનગી બેંકમાં કેશિયર તરીકેનું કામ કરે છે અને ઉન્નતિ ઘરે બેઠા બ્યુટી પાર્લરનું કામ કરે છે. વૈભવ અને ઉન્નતિને એક દીકરો છે રાઘવ, જે સાતેક વર્ષનો છે. રાઘવ છેલ્લા ત્રણ દિવસથી જિદ લઈને બેઠો છે કે તેને પણ ગિયરવાળી સાઈકલ જોઈએ છે...! સોસાયટીના બધા ફ્રેન્ડ્સ જોડે છે તો તેને પણ એવી જ સાઈકલ જોઈએ છે. એ સાઈકલની જિદમાં એણે ગઈકાલે રાતે સરખું ખાધું પણ હતું નહીં.
" હું શું કહું છું, રાઘવને સાઈકલ લઈ આપીએ..! મારે આ વખતે કશુંય લેવું નથી. જો મારી પાસે હમણાં લીધેલા ડ્રેસ, કુર્તા, સાડી આ બધું છે. મારા કપડાંની જગાએ એની સાઈકલ આવી જશે..! મારે રાઘવને હસતો જોવો છે. એના માટે હું ગમેતે કરવા માટે રેડી છું...! " ઉન્નતિ વાળની લટ સરખી કરતા કહે છે.
" ના...ના... એક કામ કર, મારી પાસે પણ આ વખતે કપડાં છે. જો હમણાં જ સિદ્ધિના લગ્નમાં લીધેલા એટલે ચાલી જશે..! એક કામ કર તું અને રાઘવ આજે તમારા બંનેને કપડાં લઈને આવો અને સાંજે આપણે ત્રણેય એની ગિયરવાળી સાઈકલ લેવા જઈએ..! " વૈભવ પાણીનો ગ્લાસ ભરતા બોલે છે.
મહેરબાની ફ્લેટના ચોથા માળે ભાડે રહેતું દંપતી કઈ રીતે દિવાળી કરવી એ મુદ્દા પર ઉતર્યા છે. વૈભવના ઘરના મકાન માલિક ગોવિંદભાઈ એ જ સોસાયટીના બીજા માળે રહે છે. જે સ્વભાવે જરા કડક છે તેમજ તેમનું વલણ પણ આકરું છે. આ બાજુ વૈભવ નોકરીએ જવા માટે રેડી થાય છે ને બીજી બાજુએ રાઘવ હજુ પણ મોઢું ચડાવીને બેઠો છે. ઉન્નતિ ટિફિન પેક કરે છે ને આજે જરા ઉતાવળમાં છે કારણકે... આજે તેને ચારેક જેટલા ઓર્ડર છે. દિવાળી નજીક આવવા લાગી છે એટલે ઓર્ડર પણ વધતા જાય છે. રાઘવને આજે સ્કૂલમાં રજા છે.
" એ... રાઘવ, કેમ આજે સાઈલેન્ટ મોડમાં છે..? ડેડી ને બાય નહીં કહે.., આજે ડેડી તને મોટી સરપ્રાઈઝ આપવાના છે. સો બી રેડી માય બચ્ચા...! " વૈભવ રેડી થતા રાઘવને સમજાવે છે.
એટલામાં ઘરનો દરવાજો ખખડે છે. ઘડિયાળમાં જોયું તો હજુ સાડા નવ થવા આવ્યા છે. ઉન્નતિ ટિફિન ભરતા ભરતા ઘરનો દરવાજો ખોલે છે. દરવાજે ગોવિંદભાઈ ઊભા છે ને જરા ગુસ્સામાં હોય તેમ લાગે છે. ગોવિંદભાઈના હાથમાં એક લેટર છે જે લઈને સીધા ઘરમાં આવી જાય છે.
" આવો.. બેસો, હું પાણી લઈને આવું..!" ઉન્નતિ બેસાડીને પાણી લેવા અંદર જાય છે. એટલામાં વૈભવ બહાર આવે છે ને ગોવિંદભાઈ જોડે બેસે છે. ગોવિંદભાઈ વાત કરવાના કોઈ મૂડમાં નથી હોતા...! ગોવિંદભાઈ ગરમ તપેલીની જેમ સીધા ઉકળે છે ને વૈભવને ગમેતેમ બોલવાનું ચાલુ કરે છે.
" એ.. ભાઈ, ભાડું સમયસર આપવાનું ચાલુ કર, દર મહિને તારા આજ નાટકો હોય છે. છેલ્લા સાત મહિનાથી તારા નાટકો સહન કર્યા હવેથી સહન નહીં થાય..! જો ભાડું ના પોસાતું હોય તો છોડી દે આ ઘર અને બીજે શોધી કાઢ. કયારેય સમયે ભાડા આપતો નથી ને નાટકો કરવા છે...! પહેલાં સરખું કમાવ અને પછી મોટા સપના દેખ. જેટલી ચાદર હોય એટલા પગ ફેલાવવાના..., ચાદર ના મળતી હોય તો લઈ જા મારા ઘરેથી. "
એકી શ્વાસે ગોવિંદભાઈ બોલે છે.
" સોરી.., પણ આ વખતે મારે સેટ થાય એવું નથી. હું તમને નેક્સટ મંથમાં બે ભાડાં સાથે આપી દઈશ..! આ દિવાળીને કારણે મારે સેટીંગ બગડી ગયા છે. જો મને પૈસાનું સેટીંગ થઈ જશે તો હું તમને ચોક્કસ આપી જ દઈશ..! મારો વિશ્વાસ કરો, હું તમારું ભાડું આપી જ દઈશ." વૈભવ બે હાથ જોડીને કહે છે.
ઉન્નતિ એટલામાં બહાર આવે છે ને તે પણ રીકવેસ્ટ કરે છે. રાઘવ એની મમ્મીનો છેડો પકડીને બહાર આવે છે એ પણ ધીમા અવાજે સોરી કહે છે. ગોવિંદભાઈ કોઈનુંય સાંભળવા રેડી હોતા નથી. એ વધારે ગુસ્સો કરે છે ને બધો ગુસ્સો વૈભવ ઉપર કાઢે છે. વૈભવ માત્ર સોરી, પ્લીઝ એટલું જ બોલી શકે છે. ઉન્નતિ બે હાથ જોડીને ઊભી રહે છે. રાઘવ આ બધું જોઈને ડઘાઈને રડવા લાગે છે. રાઘવના મનમાં થાય છે, મારા ડેડીને પેલા અંકલ કેમ આટલું બોલે છે ને મારી મમ્મી કેમ સોરી બોલે છે. એ જોઈને રાઘવ વધારે રડવા લાગે છે. ગોવિંદભાઈ ગુસ્સામાં ત્યાંથી નીકળી જાય છે. વૈભવ અને ઉન્નતિ ઘરનો દરવાજો બંધ કરીને શાંત થઈ જાય છે.
આ બાજુ, ગોવિંદભાઈ નીચે ઉતરતા રાડો પાડીને જાય છે કે, 'કયારેય ભાડુઆતી પર ભરોસો કરવો નહીં... એ લોકો જુઠ્ઠા હોય છે. ખર્ચા ગામના કરશે પણ સમયે ભાડું નહીં આપે...! '
ઉન્નતિને એ સાંભળીને ગુસ્સો આવે છે પણ, લાચાર બન્યા વગર કોઈ કામ નહીં. વૈભવ આજે નોકરીએ જરા લેટ જાય છે. વૈભવ મનમાં વિચારે ચડે છે કે કેવી રીતે મેનેજ કરવું...? રાઘવની સાઈકલ, ભાડું, લૉનનો હપ્તો, ઘરના રેગ્યુલર ખર્ચા, અણધાર્યા ખર્ચા... ને માથે આવેલી દિવાળી. હું મેનેજ કેવી રીતે કરીશ હવે..! વૈભવ તેના મિત્રોને મેસેજ કરે છે કે કંઈક પૈસાનું સેટીંગ થાય પણ, કોઈના રીપ્લાય આવતા નથી.
એ રાત્રે ફ્લેટની અગાસીએ વૈભવ અને ઉન્નતિ હાથમાં હાથ નાખીને ચાલતા હોય છે. બંને અત્યારે શૂન્ય બનીને માત્ર ચાલી રહ્યા છે. રાઘવ સાઈડમાં બેસીને ફોન જોવે છે. મસ્ત ઠંડા પવનની લહેરખી આવે છે... વાતાવરણ એકદમ શાંત બની ગયું છ
ે. કોઈ પ્રકારે અવાજ નહીં. વૈભવ અને ઉન્નતિ દસેક મિનિટ ચાલ્યા બાદ અગાસીના ખૂણામાં બેસે છે. બંને એકમેકની આંખોમાં દેખે છે.
" શું થયું કોઈ સેટીંગ...? " ઉન્નતિ વૈભવની સામે દેખતા બોલે છે.
" ના..., કોઈ મદદ કરે એમ નથી. હું પણ કોઈની એવી મદદ લેવા માંગતો નથી. હું મારી રીતે જાતે કરીશ..! મારા રાઘવની સાઈકલ હું જાતે લાવીશ. રાઘવને ખુશ રાખવો આપણી જવાબદારી છે. " વૈભવ નિરાશ થઈને બોલે છે.
થોડીવાર માટે બંને ચૂપ થઈ જાય છે. વૈભવની સામે તેનો ભૂતકાળ આવી જાય છે. એને આંખ સામે દેખાય છે કે કેવી રીતે ઉન્નતિ જોડે લગ્ન થયા હતા..? વૈભવ ઉન્નતિનો હાથ પકડીને કહે છે કે યાદ છે આપણા લગ્ન......?
વૈભવ અને ઉન્નતિના લવ મેરેજ છે. બંને કોલેજકાળમાં પ્રેમમાં પડ્યા અને લગ્ન પહેલાં જ સંતાન થઈ ગયું. જેના કારણે ઉન્નતિને તેના ઘરેથી કાયમી ધોરણે બોલાવવાની ના પાડી દીધી. ઉન્નતીને તેના પિયર પક્ષથી કયારેય નહીં બોલાવવાની વાત થઈ ગઈ. બીજી બાજુ, વૈભવને પણ તેના માં- બાપે બોલાવવાની ના પાડી દીધી. માત્ર વૈભવની બહેન તેને છૂપી રીતે મળતી હતી.
ટૂંકમાં બંનેને તેમના ઘર તરફથી કોઈ સારા સંબંધ રહ્યા નહીં. આજે જે પોઝીશનમાં છે તે બંને તેમની જાતે જ આવ્યા છે. આજે રાઘવ સાત-આઠ વર્ષનો થઈ ગયો છતાંય કોઈ તેમને બોલાવતું નથી. એટલી હદે ખૂંનસ છે કે ક્યારેય તેમની જોડે વાત કરશે નહીં..!
" ડેડી.. સાઈકલનું શું થયું...? ક્યારે લઈ આપશો, એન્ડ કેમ બંને અહીં બેઠા છો..? મોમ કેમ રડે છે..? ડેડી મોમને પ્લીઝ શાંત કરો...! " રાઘવ તેની ભાષામાં બોલે છે.
" કાલે તું અને હું સાઈકલ લેવા જઈશું પણ એની પહેલા એક ગેસ્ટના ઘરે જઈશું..! એ ગેસ્ટ તારી રાહ દેખે છે, એ ગેસ્ટને તું બહુ ગમે છે. એ ગેસ્ટ તારી જોડે રમવા માંગે છે, તારા ટોયઝ એમને તું આપીશ....! તું કાલે રેડી રહેજે.. ઓકે માય બોય. "
વૈભવ રાઘવને તેડી લે છે ને ઉન્નતિનો હાથ પકડીને નીચે ઉતરે છે.
વૈભવ અને રાઘવ એ ગેસ્ટની સોસાયટી પાસે પહોંચી ગયા છે. વૈભવ રાઘવને નીચે દૂરથી એ ગેસ્ટનું ઘર બતાવે છે. વૈભવ જોડે એક બેગ લાવ્યો છે જેમાં અમુક કપડાં, ટોયઝ જેવું છે. રાઘવ મસ્ત રેડી થયો છે. વૈભવ અને રાઘવ સે ઘરના ગેટ પાસે ઊભા રહી જાય છે. ડોરબેલ વગાડે છે ને દસ સેકેન્ડમાં ડોર ઓપન થઈ જાય છે. વૈભવની સામે એક લેડી ઊભા છે જેમને જોઈને વૈભવ તેમને પગે લાગે છે અને રાઘવને પગે લગાવડાવે છે. એ લેડી ઘરમાં બોલાવે છે.
ઘર જાણે મોટો મહેલ..! આલીશાન મોટો હૉલ, ત્રણ માળનું મોટું ઘર, અંડર પાર્કિંગ, ઘરમાં લિફ્ટ, મોટા બેઝમેન્ટ, મોટું ગાર્ડન... વૈભવ સોફા પર બેસે છે. રાઘવ આમતેમ બધું જોવે છે. એટલામાં રાઘવ જેવી એક ગર્લ આવે છે એ રાઘવની બાજુમાં બેસી જાય છે. વૈભવ રાઘવના હાથે બેગ આપે છે જેમાં કપડાં હોય છે. રાઘવ અને એ નાની ગર્લ રમવા ગાર્ડનમાં જતા રહે છે. વૈભવ અને એ લેડી સામસામે બેસે છે.
બે મિનિટના મૌન બાદ વૈભવ રડવા લાગે છે.
" સોરી..., મેઘના સિસ્ટર. મારા દીકરા માટે હું તમારી મદદ માંગુ છું. મને ખબર છે, જો મમ્મી અને પપ્પાને ખબર થશે કે હું આવ્યો છું તો મને કાઢી મૂકશે..! બટ, તમે મારા મોટા બહેન છો અને તમે એવું નહીં કરો...! હું તમારી મદદ માટે આવ્યો છું. મારો રાઘવ આજે તમને પહેલીવાર મળ્યો. મારી મોટી ભૂલ થઈ ગઈ કે હું આ સંબંધને સાચવી શક્યો નહીં...!
મારી ભૂલ થઈ કે, ન્યાત બહારની છોકરીને હું પરણ્યો અને લગ્ન પહેલા સંતાન પણ થઈ ગયું. મેં આપણા ઘરના તમામ લોકોની ઈજ્જત પર હાથ નાખ્યો. મેં આપણા પિતાની ઈજ્જત પર અને મારી લોક લાડીલી મમ્મી પર ઈજ્જતના ડાઘ બેસાડી દીધા. મારા કારણે તમારા લગ્ન મોડા થયા. મારા કારણે તમારે લોકોને સાંભળવું પડ્યું. મારા કારણે તમને દુઃખી થવું પડ્યું. મારી બહુ ભૂલ થઈ ગઈ છે મને માફ કરી દેજો....! "
વૈભવના મોટા બહેન મેઘના વૈભવને શાંત રાખે છે. વૈભવ તેના આંસુ રોકી શકતો નથી. વૈભવ માત્ર એટલું બોલે છે કે,
'આજે હું તમને સ્વાર્થી લાગ્યો હોઈશ, કેવો હું મારા સ્વાર્થ માટે અહીં આવી ગયો...!'
એટલામાં રાઘવ આવી જાય છે. વૈભવ તેના આસું લૂછીને પાણી પીવે છે. મેઘના રાઘવના હાથમાં એક કવર મૂકે છે. એ કવર ઘરે જઈને ખોલવા કહે છે. વૈભવ, મેઘનાની દીકરીના હાથમાં પાંચસોની નોટ મૂકે છે. વૈભવ પાણી પીને નિકળી જાય છે. રાઘવ એ કવર વૈભવને આપે છે. ઘરના ગેટ પાસે જતા રાઘવ બાય બાય ફિયા.....એવું કહે છે. એને બોલતા સાંભળીને મેઘના રડી પડે છે. વૈભવ ફરીવાર મેઘનાને પગે લાગે છે.
રાઘવ અને વૈભવ ત્યાંથી નીકળી જાય છે. મેઘનાના ઘરના ત્રીજા માળે અગાસીએ એક પંચાવન વર્ષની સ્ત્રી આવે છે અને ચોધાર આંસુએ રડે છે. એ સ્ત્રી રાઘવની દાદી હોય છે. વૈભવ આખાય રસ્તે માત્ર એટલું વિચારે છે કે આ દિવાળીએ બંને પરિવારને ભેગા કરવા છે ને મનના ભેદ દૂર કરવા છે.
સંઘર્ષના હરખ સાથે આજે બેસતાં વર્ષનાં દિવસે વૈભવના ઘરે ઉન્નતિનો આખોય પરિવાર અને વૈભવનો આખોય પરિવાર એક છત નીચે બેસીને જમે છે. રાઘવ તેની નવી સાઈકલ લઈને ટ્રીન..ટ્રીન.. કરીને ઘરમાં અવાજ કરે છે. ગોવિંદભાઈ ઘરે મીઠાઈ લઈને આવ્યા છે ને વૈભવને ખવરાવે છે.
આ બધામાં ઉન્નતિ તેનો પરિવાર આમ હસતો જોઈને માત્ર એટલું બોલે છે, " સંઘર્ષમાં પણ અમે હર્ષ કરીએ. "
આ દિવાળીએ મારા ઘરને અજવાળું આપ્યું, હું આ દિવાળીને પ્રેમથી નમન કરું છું. રાઘવની સાઈકલની ટ્રીન...ટ્રીન.. આખી સોસાયટીમાં ગાજી.