Tirth Shah

Drama Tragedy Crime

4.5  

Tirth Shah

Drama Tragedy Crime

હુંકાર

હુંકાર

9 mins
437


હુંનો હુંકાર બધે જોવા મળે...! દરેક જગ્યાએ હું એટલે હુંકાર જ નડે. અભિમાનની સાચી ઓળખ એટલે અહંકાર. જ્યારે અહમ વધી જાય ત્યારે હુંનો હુંકાર વાગે છે.

હું એટલે રોહન મહેતા. અહીં બાજુની સોસાયટીમાં ભાડે મારી વાઈફ મીરાં સાથે રહું છું. હું અહીંની કોર્પોરેટ ઓફિસમાં સેલ્સ પર્સન તરીકે કામ કરૂં છું અને મીરાં યોગા ટીચર છે. મારા લગ્નને હજુ માંડ ત્રણ મહિના થયા છે ને એ લગ્ન પણ પ્રેમ વિવાહ..! બેયના ઘરે મોટી રામાયણ થઈ હતી, અમને બંનેને ઘરેથી તગેડી મૂક્યા. પહેરેલે લૂગડે અહીં શહેરમાં આવ્યા...મારો કોલેજ કાળનો મિત્ર અવિનાશ અહીં રહેતો. અવિનાશના સહયોગથી અહીં ભાડે મકાન મળી ગયું અને મને સારી નોકરી પણ મળી ગઈ. અહીંથી ચાલુ થઈ મારી જિંદગીની ગાડી.

હું આજે સવારે વહેલો જાગી ગયો રવિવાર હતો છતાંય..! છેલ્લા સાતેક દિવસથી મીરાં સાથે ચાલતા ઝઘડાને હવે મારે અંત લાવવો હતો. મીરાં હજુ બેડ પર રજાઈ ઓઢીને સૂતી હતી ને હું શિયાળાની પરોઢે રસોડામાં બેઠો હતો. દસેક મિનિટ રસોડામાં નીકળી ગઈ, કોઈ વિચાર સૂઝયો નહીં. અંતે ચા અને બટાકા પૌઆ બનાવવાનું નક્કી કર્યું. મારી જિંદગીમાં પહેલીવાર હું રસોડામાં ગયો હતો ને એ પણ રસોઈ બનાવવાનો હતો. ચા પીતા આવડતી પણ કેમની બને એ તો રામ જાણે...! રસોડાની ઘડિયાળમાં જોયું તો સવારના સાતેક વાગ્યા હશે ને મીરાં મસ્ત સૂતી હતી. મીરાંને જોતાવેંત મને અમારો પ્રેમ યાદ આવી ગયો. એ કોલેજના સુવર્ણ દિવસો આંખ સામે તરવરી ગયા જ્યાં હું અને મીરાં એકમેકના પ્રેમમાં ગળાડૂબ હતા.

દૂધની થેલી ફાડી ને તપેલીમાં દૂધ ગરમ કર્યું ને ત્યાં સુધી મેં બટાકા ધોઈને છોલી નાખ્યા. હવે સવાલ એ હતો કે ચા કેમનો બનાવું..? ધીમા અવાજે યુ ટ્યુબ ચાલુ કર્યું અને ચાના સ્મોલ વીડિયો જોયા ત્યારબાદ એજ રીતે ચાને બનાવી. ઈલાયચી, ચા, ખાંડ, ગરમ મસાલો બધું નાખીને ચાને કડક કરી અને ચા બનાવી તેમજ જોડે જોડે બટાકાપૌઆના પણ વીડિયો જોઈ લીધા. હવે ક્યાં પૌઆ મૂક્યા છે એની મને જાણ નહીં એટલે હું ગૂંચવાયો. બધા કબાટ ફેંદી વળ્યો પણ, એકેય કબાટમાં પૌઆ મળ્યા નહીં. હવે આગળ શું કરવું..? બીજીબાજુ ચા ઠંડી થતી હતી ને હું ગરમ થતો હતો. એટલામાં મને યાદ આવ્યું કે, 'પૌઆની તૈયાર થેલી મળે છે..!' ઘડિયાળમાં જોયું તો સાડા સાત થવા આવ્યા હતા ને હવે મીરાં ગમેત્યારે ઊઠી શકે છે.

બટાકા પૌઆને તડકે મૂકીને મેગી બનાવવાનો વિચાર કર્યો પણ કોણ સવારે મેગી ખાય..? ઉપરથી પાપડ કાઢ્યા અને એ પાપડને શેકી કાઢ્યા અને જોડે અમુકને તળી નાખ્યા. એની જોડેજોડે કાતરી, વેફર, ચકરી એ બધું તળી નાખ્યું. ચાને ફરીવાર ગરમ કરી અને નાસ્તો બધો એક ડિશમાં સજાવીને અંદર બેડરૂમમાં ગયો. બેડરૂમનો દરવાજો આડો હતો એટલે મને લાગ્યું કે મીરાં હજુ સૂતી છે..! ઝીણી આંખે મેં રૂમમાં જોયું અને સીધો ચિંતાના ભાવે અંદર જતો રહ્યો. મીરાં મને રૂમમાં ક્યાંય દેખાઈ નહીં, મેં એને બાલ્કનીમાં શોધી... એને બીજા રૂમ શોધી, બાથરૂમમાં શોધી પણ ક્યાંય જોવા મળી નહીં. હું તો ગભરાઈ ગયો કે મીરાં ગઈ ક્યાં..? મીરાંને કોલ કરવાનું નક્કી કર્યું એટલે ફોન લેવા રસોડામાં ગયો. ફોન મારો રસોડાની બારી પાસે પડેલો હતો, ફોન લેતી વખતે મારુ ધ્યાન નીચે પાર્કિંગમાં ગયું. મારી નજર સામે મને જે ચિત્ર દેખાતું હતું એ બેકાર હતું. મારો ગુસ્સો સાતમા આસમાને હતો. મેં મીરાંને કોલ કર્યો ને હાઈ હેલો બાદ ડાયરેક્ટ પૂછ્યું કે, "મીરાં તું ક્યાં છે..? આટલી સાવરે ક્યાં જતી રહી..?"

સામે મીરાંએ મને જવાબ આપ્યો કે, "હાઈ ડાર્લિંગ... હું અહી ધાબે વોક કરું છું. પ્લીઝ મને ડિસ્ટર્બ ના કરીશ...!" પણ, હકીકતમાં મીરાં નીચે હતી અને એ પણ અવિનાશની સાથે. મેં કોલ કટ કર્યો અને નાસ્તો કરી લીધો. દસેક મિનિટમાં મીરાં ઘરે આવી ગઈ ને સીધી તેના રૂમમાં જતી રહી. મેં મારા ગુસ્સાને શાંત કર્યો ને મીરાં માટે નાસ્તો લઈને તેના રૂમમાં ગયો. મીરાં બારી પાસે ધીમા અવાજે કોઈની સાથે કંઈક વાત કરી રહી હતી. મને જોતાવેંત મીરાંએ કોલ કટ કરી દીધો. મેં તેની સામે નાસ્તો મૂકી દીધો અને રૂમનો દરવાજો આડો કરીને બહાર જતો રહ્યો. બહારના રૂમમાં જઈને સોફા પર સુઈ ગયો. આંખમાંથી આંસુ આવી ગયા હતા, મને મારી મીરાં પર હવે શક જતો હતો ને સાથે મને તેની કેર પણ થતી હતી. આંસુ લૂછીને હું સોફા પર સૂઈ ગયો. જ્યારે મારી આંખ ખુલી ત્યારે અગિયાર વાગી ગયા હતા ને હું સોફા પર મગરની માફક સૂતો હતો. મીરાં બાલ્કનીમાં કપડાં સૂકવતી હતી ને નેકબેન્ડથી કોઈની જોડે ધીમા અવાજે વાત કરતી હતી.

હું ઊભો થયો અને મીરાંની પાસે જઈને ઊભો રહ્યો. મીરાં ગુસ્સામાં હતી એણે મારી સામે જોયું પણ નહીં. હું મીરાંના ગુસ્સાને તોડવા માંગતો હતો, મેં મીરાંને દૂરથી ફ્લાઈંગ કિસ આપી અને હું હસ્યો. મીરાંએ ધરાર મારી સામે દેખ્યું નહીં ને સીધી તેના રૂમમાં જતી રહી. હું માત્ર આ બધું જોતો રહી ગયો..!

ક્યાં સુધી બાયડીને મનાવવાની...?

ક્યાં સુધી એના ગુસ્સાને સહન કરવાનો...?

ક્યાં સુધી બાયડીની જિદ આગળ નમવાનું...?

ક્યાં સુધી બાયડીની વાતોમાં હા માં હા ભણવાની...?

ક્યાં સુધી બાયડી માટે મારે મારી ઓળખ નાની કરવાની...?

ક્યાં સુધી એના કારણે મારા મા-બાપ સાથે મારે અબોલા રાખવાના...?

એવા કેટલાય વિચારો મારા મનમાં એકીસાથે દોડી આવ્યા. મારુ મગજ અત્યારે સૂઝબૂઝ ખોઈ બેઠું હતું. રવિવારની સાંજ થવા આવી, શિયાળાના કારણે અંધારું વહેલું થઈ ગયું. હું બાલ્કનીમાં બેઠો જુના ગીતો સાંભળતો હતો ને મીરાં શાક માર્કેટમાં ગઈ હતી. એટલામાં અવિનાશની ગાડી સોસાયટીમાં આવી.., એની કાર પાર્કિંગમાં આવે એટલે અલગ પ્રકારનો હોર્ન મારે..! મારુ ધ્યાન એની કાર પર ગયું. અવિનાશે કાર પાર્ક કરી અને અંદરથી એની જોડે મારી વાઈફ મીરાં પણ ઉતરી. અવિનાશ પ્રેમ પૂર્વક મીરાંનો હાથ ઝાલીને મીરાંને ઉતારતો હતો ને મીરાં પણ અવિનાશની સામે પ્રેમના અંદાજમાં બાય કહેતી હતી. હું ઉપર બેઠો બેઠો બધું જોયા કરતો હતો. મારા ગુસ્સાનો પાર રહ્યો નહીં, મારી આંખો ગુસ્સાથી લાલચોળ થઈ ગઈ તેમજ મારી સામે મીરાંને આવી હરકત કરતા જોઈ હું વિફર્યો હતો. હું ઘરના દરવાજે ઊભો રહી ગયો એટલામાં મીરાં અને અવિનાશ લિફ્ટમાં સાથે બહાર આવ્યા. મીરાં મને જોઈને આંખો નીચે ઢાળીને ઘરમાં જતી રહી. અવિનાશ મને સ્પેશિયલ મળવા માટે આવ્યો અને ડાહી ડાહી વાતો કરવા લાગ્યો. એની વાતોને મેં ઈગ્નોર કરી અને હું સીધો ઘરમાં અંદર ગયો.

હું સીધો મીરાંની સામે ઊભો રહ્યો અને મીરાંને જોવા લાગ્યો. મીરાં મારી સામે નીચી નજરે ઊભી રહી. મારો અવાજ હવે મોટો થતો હતો, મેં મીરાંને મારી સામે બેસાડી અને તેના માટે પાણી લાવ્યો. મીરાંએ પાણી પીધું અને મેં બોલવાનું ચાલુ કર્યું.

મીરાં મને ખબર છે કે મારા કરતાં બધી રીતે અવિનાશ ચડિયાતો છે. એ દેખાવમાં, બોલવામાં, કમાવવામાં અને તને ચાહવામાં... હું આ બધા ગુણોમાં પાછળ છું. હું શાંત છું, ગંભીર છું, હું તને ચાહી શકતો નથી એટલે હું તને પ્રેમ કરતો નથી એવું નથી. હું સારું એવું કમાતો નથી, હું તને સારી જગ્યાએ લઈ જઈ નથી શકતો, હું તને કારમાં ફેરવી શકતો નથી. હું અવિનાશ નથી હું રોહન છું...!

હું રોહન છું જે તારો ચાહક અને પ્રેમી..., હું તારો મિત્ર છું અને હાલ તારો પતિ, હું તારો દોસ્ત છું જે હવે તારો પરમેશ્વર, હું તારા માટે સર્વસ્વ છું. હું તને ખોવા નથી માંગતો અને હું તને એવા અવિનાશ જોડે જોઈ પણ નથી શકતો. હું તારા દિલની વાત જાણવા નથી માંગતો પણ તું મને આમ છેતરીશ નહીં હું જીવી નહીં શકું..! હું તારા વગર જીવી નહીં શકું, બીજાના જોડે તને જોતા હું ગભરાઈ જાઉં છું ક્યાંક મને મનમાં થાય છે કે, "મારી મીરાંને કોઈ ખાઈ ન જાય...!" હું તને હેરાન નથી કરતો પણ હું તને સાચવવા માંગુ છું. તું મારા માટે જાન છે. હું તારો આશિક છું જે પહેલા હતો એવો જ છું પણ આજે હું તારા માટે જરા ચિંતામાં છું. મને હવે ડર લાગે છે કે તું અને હું...

એટલું બોલ્યા પછી હું રડી પડું છું. મારી આંખમાંથી આંસુ સરી પડે છે. હું રડતા રડતા બાલ્કનીમાં જાઉં છું. એકવાર મને એવો વિચાર આવે છે કે, 'અહીંથી નીચે પડી જાઉં ને હું મારા પ્રેમ માટે હું ત્યાગ આપી દઉં..!' હું એ રાતે જમતો નથી માત્ર મીરાંની યાદોમાં ત્યાં બેસી રહું છું પણ..., મીરાંની આંખમાં માત્ર અહંકાર જોવા મળે છે. એ મને જરા સરખું પૂછતી પણ નથી કે એ મને જોવા પણ આવતી નથી. એ મારી સામે ઘરની બહાર જાય છે એ પણ રાતના નવેક વાગ્યે. એણે મને માત્ર એટલું કીધું, 'હું અવિ જોડે બહાર જાઉં છું મારે લેટ થશે...!'

ટૂંકમાં એણે હવે શરમ આડે મૂકી દીધી હતી. એણે જાતે સ્વીકાર્યું હતું કે એ અને અવિનાશ રિલેશનશિપમાં છે અને મીરાં અવિનાશ સાથે સમય કાઢવા માંગે છે. મીરાંના મનમાં મારા પ્રત્યે હવે કશું રહ્યું નથી... મેં મનમાં ધારી લીધું "મીરાંને મારા માટે કશું નથી તો મને પણ મીરાં માટે કશું નથી...!"

હું મીરાંને તેનો ઘમંડ ઉતારીશ. હવે મીરાંને તેના રૂપ પર જે હુંકાર છે તેને હું બરબાદ કરીશ. હું મીરાંને હવે છોડીશ નહીં..! હું ક્યારેય મીરાંને માફ નહીં કરું. મારી સાથે રહીને મારી જિંદગી બગાડી એવી મીરાંને હવે મારાથી ખતરો રહેશે. મીરાં જાણતી નથી કે તેણે શું ભૂલ કરી નાખી છે..! હવે મીરાંના હસવાના દિવસો ગયા. એ મને શું એના પગની પાની સમજી રાખે છે.., એ મને શું ગાંડો સમજી રાખે છે, એ મને શું પ્રેમી સમજી રાખે છે. હું હવે મીરાંને છોડીશ નહીં..! મારી આંખ સામે અવિનાશ જોડે..

હું નો હુંકાર વાગી ગયો હતો. મેં ઘરને લોક માર્યું અને હું સીધો દુકાને ગયો જ્યાંથી ઉંદર મારવાની દવા લીધી. એ દવાને મીરાંને આપી દેવી એજ મારો ધ્યેય હતો. એટલામાં મીરાંએ મને એક મેસેજ કર્યો, 'હેય.. હબી હું તને એક સરપ્રાઈઝ આપવા માંગુ છું. આજે અથવા કાલે તને સરપ્રાઈઝ મળી જશે..!' મીરાંના મેસેજને મેં ગણકાર્યો નહીં અને હું તેને મારવાના વિચારોમાં ડૂબી ગયો હતો. મારા દિલને એટલી મોટી ઠોકર વાગી હતી કે ના પૂછો વાત..! હું ભારે દિલ સાથે જીવન જીવી રહ્યો હતો. મારી નજર સામે મારી મીરાં અવિનાશ સાથે..! હું છતાંય કશું કરી શકતો નહીં.

એ રાતે મીરાં ઘરે આવી. મેં તેના માટે ચા મૂકી અને ચામાં એ ઝેરી દવા નાખી દીધી. મીરાં મને હાથ પકડીને બાલ્કનીમાં લઈ ગઈ. મારી આંખમાં આંખ પરોવી એણે મને આંખ મારી. મીરાં મારી સામે અલગ નજરે જોતી હતી. એણે મારો હાથ ફિટ પકડી લીધો અને મને તેની નજીક લઈ ગઈ. હું હજુ ગુસ્સામાં હતો, ભલે મીરાં ગમેતે કરે પણ હું મીરાંને છોડીશ નહીં..! મીરાં મારી એકદમ નજીક આવી ગઈ હતી ને એણે મને કાનમાં કીધું કે, 'હું મા બનવાની છું...' પછી એ મોટા અવાજે હસવા લાગી. મેં માત્ર એટલું કીધું 'હા... તું અવિનાશના દીકરાની મા બનવાની છે...!'

હું અંદર ગયો અને ચા લઈને આવ્યો. મીરાં રડતી હતી. એણે મારો હાથ પકડ્યો અને કહ્યું, "સોરી બહુ મોટી ભૂલ થઈ ગઈ. હું તને પ્રેમ કરું છું પણ હું વચ્ચે ક્યાંક ખોવાઈ ગઈ હતી. મને માફ કરી દે જે....!" એટલું બોલ્યા પછી એણે ચાની ચૂસકી મારી લીધી.

દસેક મિનિટમાં મીરાંને ગભરામણ થવા લાગી ને અગિયારમી મિનિટે મીરાંનું પંખી ઊડી ગયું. મારો હુંકાર ત્યારે શાંત થયો મને પરમ આનંદ મળ્યો. મીરાં મારી સામ મરી ગઈ એ મારી સામે છેલ્લી નજરે રડતી હતી. એની આંખોમાં એ ભય હતો જે એણે અવિનાશ સાથે મળીને રચ્યો હતો. એણે સ્વીકારી લીધું હતું કે, 'એ અને અવિનાશ ઘણા આગળ નીકળી ગયા હતા..!'

મીરાં મારુ દર્દ સમજી શકી નહીં. હું શકના જાળમાં એવો ફસાઈ ગયો હતો કે હું મારી જાતને સમજી શક્યો નહીં. મારી અંદર રહેલો હું એટલે કે હુંકાર બહાર આવી ગયો હતો ને એ જ્વાળામુખીની માફક ફાટી ગયો. મીરાંને હમેશા તેના રૂપ અને રંગ પર વધુ ગુમાન, મીરાંને હમેશા તેના કરતાં પૈસાદાર લોકો પર વધુ ધ્યાન. એ તો માત્ર મને કમવાળો સમજતી હતી ને હું તેના માટે નામ પૂરતો પતિ. અમારા વચ્ચે એવા એકપણ રીલેશન હતા નહિ કે જે અમને પતિ-પત્ની કહી શકે..! એ માત્ર મને યુઝ કરતી હતી એની જરૂરિયાતને પૂરી કરતી હતી. હું કમાઉ અને તે વાપરી નાખતી. એની ઘણી ખામી હતી છતાંય મેં ખામીને સ્વીકારી અને લગ્ન કર્યા. મીરાં નામના વાવાઝોડાએ મારી જિંદગી બગાડી નાખી ને એ વાવાઝોડાએ મને તોડી નાખ્યો. હું મીરાંની લાશ સામે ઘણું રડ્યો.

મારો હુંકાર એટલો વધી ગયો હતો કે હું હત્યા જેવા કદમ સુધી પહોંચી ગયો હતો.

કહેવાય છે ને પ્રેમમાં માણસ કાં સંત બની જાય તો કાં શેતાન.. હું સંત ના બની શક્યો પણ સાચો પ્રેમી પણ ના બની શક્યો. મીરાં જેવી સ્ત્રી ઘણી હોય છે જે ભોળા લોકોને તેમના શિકાર બનાવે છે. આ મીરાંના કારણે મારા માતા-પિતા જોડે મારા સંબંધો તૂટી ગયા ને હું મીરાં વગરનો થઈ ગયો. હું આજે ક્યાં છું એની મને જાણ નથી પણ હું આજે ખુશ છું એની મને જાણ છે. મારો અહમ વધી ગયો ત્યારે હું અહંકારી બની ગયો.

હશે..! દરેક પ્રેમ કથા ફિલ્મ જેવી નથી હોતી. અમુક સમયસર બદલાતી રહે છે.                                                                


Rate this content
Log in

Similar gujarati story from Drama