સોય દોરો
સોય દોરો
" કિસી રાહ પર... કિસી મોડ પર, મેરે હમસફર...! "
રચના પાર્ક સોસાયટીના બંગલા નંબર સાતમાંથી આ ગીત સંભળાઈ રહ્યું છે. સવારના સાતેક વાગ્યા હશે. મંદ મંદ ઠંડો પવન ફૂંકાઈ રહ્યો છે. દૂરથી મંદિરના ઘંટારવ પણ સંભળાઈ રહ્યા છે.
મનહર ભાઈ તેમના ઘરના આંગણે મૂકેલા લાકડાના હીંચકે ઝૂલી રહ્યા છે. તેમની બાજુમાં રેડિયો મૂકેલો છે જેમાં આ ગીત વાગી રહ્યું છે. મનહર ભાઈ મસ્ત મગન થઈને તે ગીતને માણી રહ્યા છે. તેમની આંખો બંધ છે અને અદપ વાળીને બેઠા છે. જમણા પગથી ધીમે ધીમે હીંચકો ઝૂલાવી રહ્યા છે. રેડિયોની બાજુમાં આજનું પેપર પડેલું છે અને તેની ઉપર તેમના ચશ્મા છે.
" કેટલું સરસ ગીત બનાવ્યું છે. મેરે હમસફર... મેરે હમસફર. વાહ વાહ, ગીતની દરેક લાઈન ખૂબ સમજવા જેવી છે. "
એટલીવારમાં તેમના પત્ની સુધા માસી ધીમા ધીમા ચાલતા હાથમાં ચાની ટ્રે લઈને આવે છે. હિંચકાની બાજુમાં બે - ત્રણ જેટલી નાની ખુરશી બનાવેલી છે અને વચમાં એક ટેબલ મૂકેલું છે. જે ટેબલ ઉપર જૂના બે ત્રણ પેપર, ભજનની ચોપડીઓ તેમજ એક ફોટો ફ્રેમ છે. સુધા માસી તે બધું આઘુ પાછું કરીને સહેજ જગ્યા કરીને ત્યાં ચાની ટ્રે મૂકે છે.
" વ્યાસ, આ ચા મૂકી છે. થોડો રેડિયો ધીમો કરો... સવાર સવાર માં માથું ચડી ગયું મારું..! ફરીવાર કહું છું વ્યાસ તમને સંભળાય છે..? આ રેડિયો બંધ કરો. આ ચા ઠંડી થઈ જશે પછી મને કહેતા નહીં કે ફરીવાર ગરમ કરીને આપ..! હે શ્રીજી બાવા શું કરવું આ વ્યાસનું..? "
મનહર ભાઈ ધીમે રહીને આંખો ખોલે છે. મંદ સ્મિત કરે છે. રેડિયો ઓફ કરે છે અને બાજુમાંથી ચશ્મા ઉપાડે છે.
" હા, મારી વ્હાલી. મને જાણ છે કે તને મોટા અવાજે રેડિયો સાંભળવો ગમતો નથી પણ હું શું કરું..? તારા જેમ મને આખો દિવસ તો ભજન, કીર્તન ફાવે નહીં. બસ મારો હમસફર અત્યારે તો આ રેડિયો છે. વ્હાલી આપણે જીવવું કેટલું..? મસ્ત આનંદ કરતા જીવી લઈએ પછી કાલે સવારે મારી કે તારી આંખ ના ખુલી તો..? "
મનહર ભાઈ ચા નો કપ હાથમાં લે છે. સુધા માસી એકીટસે ઘરના મુખ્ય દરવાજા પાસે જુએ છે. તેમની ઝીણી આંખો એ દરવાજા પાસે ક્યારની મીટ માંડીને બેઠી છે. સુધા માસી ચા નો કપ હાથમાં લે છે.
" કેવું કહેવાય વ્યાસ નહીં..? " સુધા માસી ચા પીતા બોલે છે.
" શું કેવું કહેવાય..? તારી આ ટેવ ગજબની છે. અધૂરું બોલે છે અને તું મને સામેથી પ્રશ્ન પણ કરે છે. હું શું સમજુ કે તે મને શું પૂછ્યું..! "
" કુદરત પણ અજબ ગજબ છે. લીલાંછમ વન છે ને સુંદર નિર્મળ પાણી વહેતા ધોધ છે. રળિયામણા ડુંગર છે તો માટીના રણ છે. કુદરતે બધું જ આપણને આપી દીધું છતાંય આપણે માંગતા ને માંગતા..! આ ઘરમાં પણ એવું જ છે. કુદરતની જેમ મોટું મન રાખીને આપણે બધું આપી દીધું છતાંય આ માંની મમતા ભૂખી ને ભૂખી તેમજ બાપની લાગણી અધૂરી ને અધૂરી રહી ગઈ. કુદરતની જેમ પ્રેમ કર્યો પણ ક્યાંક વાવાઝોડા સમાન તારાજી સમી નારાજગી પણ જોવાઈ ગઈ. "
સુધા માસી બોલતાં બોલતા રડી પડે છે.
" હા મારી વ્હાલી સમજી ગયો તારી વાતને..! તારું મૌન અને તારું રુદન મને ઘણું સમજાઈ જાય છે. મારી વ્હાલી કુદરતની જેમ મોટું મન રાખીને ચાલીશું તો જીવનમાં મોજ રહેશે. જો કુદરતને પણ વાવાઝોડા, દુકાળ, ઠંડી, ગરમી બધું જ સહન કરવું પડે છે તો આપણે માત્ર માણસ છીએ..! રડવાનું બંધ કર અને મારી બાજુમાં આવીને બેસ. "
સુધા માસી રડવાનું બંધ કરીને ચા નો કપ બાજુમાં મૂકીને ધીમે રહીને ઊભા થઈને મનહર ભાઈની બાજુમાં જઈને બેસી જાય છે. મનહર ભાઈના ખભે માથું મૂકીને આંખો બંધ કરીને ચૂપચાપ બેસી રહે છે. સાડીના પાલવ વડે તેમની આંખો લૂછી નાખે છે.
મનહર ભાઈ તેમનો હાથ માસીના કપાળે પ્રેમથી ફેરવતા હોય છે. તેઓ બીજા હાથથી રેડિયો ઓન કરે છે ને તેનો અવાજ ખૂબ મોટો કરી દે છે. તે સમયે રેડિયોમાં ' તુમ મુઝે યુ ભૂલા ન પાઓગે... જબ કભી ભી યાદ...' ગીત વાગતું હોય છે.
ગીત વાગતાં ની સાથે મનહરભાઈ પણ તેમની આંખો બંધ કરી દે છે. તેમના જમણા પગથી ધીમે ધીમે હીંચકો હલાવી રહ્યા છે. સોસાયટીના આજુબાજુના લોકો તે બંનેને જોઈને મનોમન હસવા માંડે છે અને તેમની વાતો કરવા લાગે છે.
" શું નખરા કરે છે આ બંને..! આપણે જુવાનિયા ને બોલીએ પણ અહીં તો અલગ જ લેવલના નાટકો ચાલે છે. ખરેખર આજે કોઈને કશુંય કહેવા જેવું નથી. "
" સાચી વાત છે, તમે જુઓ કેવી રીતે હાથમાં હાથ નાખીને બેઠા છે. બંનેની ઉંમર પંચોતેરની ઉપર હશે પણ નાટકો તો વીસ જેવા..! આટલી વહેલી સવારે મોટા આવજે રેડિયો ઉપર કેવા ગીતો વગાડે છે. "
સુધા માસી તે સાંભળી જાય છે અને ધીમા અવાજે મનહર ભાઈને કહે છે,
" વ્યાસ, જુઓ કેવી કેવી વાતો કરે છે આ સોસાયટી વાળા..! મારાથી સહન નથી થતું તમે ઊભા થાઓ અને તેમને બોલો. જુઓને તમને પણ કેવું કેવું કહે છે..! "
" મારી વ્હાલી, આપણે વિવાહિત છીએ. જેને જે બોલવું હોય તે બોલે, તું મારી ઘરવાળી છે એટલે કોઈ કશું કરી ના શકે. બીજી વાત, એ બધા ઉપર બહુ ધ્યાન આપીશ નહી તું મસ્તીથી આ ગીત સાંભળ. જો આપણે તેમના ઉપર ધ્યાન આપીશું તો આપણી જિંદગીના જે દિવસો બાકી છે તે પણ આમ ચિંતામાં અને શરમમાં પતી જશે. "
સવારના દસેક વાગવા આવ્યા હશે. સુધા માસી તેમનું કામ કરે છે અને મનહર ભાઈ કંઇક સીવી રહ્યા છે. તેમના હાથમાં સોય છે પણ સોયના નાકામાં દોરો પરોવી શકતા નથી. કેટલીયવાર દોરાને થૂંક વડે ભીનો કર્યો પણ દોરો સોયના નાકામાં પરોવી શકતા નથી. એમ કરતાં કરતાં તેમને સોય હાથમાં વાગી જાય છે.
" ઓ માડી રે..! આ સોય તો ભારે નીકળી. "
" વ્યાસ, તમારા માડી તો વર્ષો પહેલા નીકળી
ગયા. હવે તો આપણો વારો આવી ગયો. શું કામ દર વખતે સોય જોડે રમવા બેસી જાઓ છો. આવડત ન હોય તો સોય, છરી જોડે રમવું નહીં. હવે ઊભા થાઓ અને હળદર ત્યાં ભરી દો..! "
" એવું, તને એવું નથી લાગતું કે તું બહુ હોશિયાર છે. જ્યારે ત્યારે ડંફાસ મારતી હોય છે. હવે ત્યાંથી ઊભી થા અને મારી મદદ કર. તારા સિવાય આ દુનિયામાં મારું કોઈ નથી. જે આપણા હતા એ બધાય નીકળી ગયા. "
સુધા માસી હળદર ભરી આપે છે તેમજ સોયમાં દોરો પણ પરોવી આપે છે.
" લ્યો આ તમારી સોય.., શું સીવવા બેઠા છો.? જ્યારે ત્યારે નવું નવું કરવા બેસી જાઓ છો ને પછી મારે જોતરાવવું પડે છે. સારું હમણાં તમને બટન સીવી આપુ છું ત્યાં સુધીમાં બહાર ટેબલ ઉપર મુકેલી પેલી ફોટો ફ્રેમ લૂછી નાખો. "
મનહર ભાઈ પેલા ટેબલ ઉપર મુકેલી ફોટો ફ્રેમ હાથમાં લે છે. બે ત્રણ મિનિટ સુધી તે ફ્રેમને દેખે છે. તે ફ્રેમ ઉપર તેમનો હાથ ફેરવે છે. તે ફ્રેમ જોતા તેમની આંખમાંથી આંસુ નીકળી જાય છે. તે ફ્રેમ ઉપર તેમના હોઠ મૂકીને તેને ચૂમે છે ને પછી ધડામ કરીને નીચે ફેંકી દે છે. તે ફ્રેમ કાચની હોય છે ને તે ફ્રેમ તૂટી તૂટી ને ભૂકો થઈ જાય છે ત્યાં સુધી તેના ઉપર તેમના પગ વડે રગદોડે છે. તે ફ્રેમ તૂટીને નવરી થઈ જાય છે ને એટલીવારમાં સુધા માસી દોડતા દોડતા ત્યાં આવી જાય છે ને રડવા માંડે છે.
" જો સુધા જેટલું રડવું હોય તેટલું રડી લે..., હવે પછી ક્યારેય આ ફ્રેમ બાબતે રડતી નહી. આજથી આપણે આ ફોટોફ્રેમ સંબંધિત વ્યક્તિ સાથેથી કાયમી અળગા થઈ ગયા. હવે તારો ને મારો આ ફ્રેમ સંબંધિત વ્યક્તિ સાથે કોઈ જ લેવાદેવા નહીં. મને સંપૂર્ણ જાણ છે કે જે મેં કહ્યું તે બદલ તને બરાબરનો ગુસ્સો આવ્યો હશે પણ હવેથી કોઈ સંબંધ નહીં. બસ આપણી જિંદગીમાં માત્ર તું અને હું..! મારે હવે કોઈ અન્ય સાથે લેવાદેવા રાખવા નથી અને આપણી વધેલી પુંજી આપણા ગયા બાદ ઠાકોરજીના નામે. આપણે બહુ સહન કર્યું અને બહુ રડ્યા, થાક્યા તેમની પાછળ જઈ જઈને, ઘણા મનાવ્યા પણ હવે કશુંય નહીં..! સુધા હવે વારો એ લોકો નો છે. તે હવે આપણી માફક રડશે, આપણી પાછળ દોડશે અને અંતે થાકી જશે. તને ખબર છે એ લોકો માત્ર આપણી સંપત્તિ માટે આપણી પાછળ દોડે છે બાકી એમને આપણા સાથે કોઈ લેવાદેવા જ નથી. હું તેમનો સગો બાપ છું છતાંય આજે કઠણ દિલ સાથે હું તમામ સંબંધ તોડી નાખું છું. સુધા હવે તારો વારો છે. "
સુધા માસી એટલું સાંભળ્યા બાદ ગુસ્સાથી મોટા આવજે બોલે છે,
" વ્યાસ, શું બોલો છો તમે ક્યારના તમને કંઈ ભાન છે..? એ આપણા દીકરા વહુ છે. હું તો તેમની માં છું. હું કેવી રીતે તેમની સાથે મારો સંબંધ તોડી નાખું..? માવતર કમાવતર ન થાય, ભલે જે થયું તે બધું ભૂલી જાઓ અને તેમને માફ કરી દો. જુઓ વ્યાસ, હવે આપણે જીવવું કેટલું..! કેટલાય રોગ સાથે હું જીવું છું મને જીવવા દો આમ મારી સામે આવી વાતો ના કરશો.
હું જાણું છું કે, રેખા વહુના આવ્યા બાદ ઘરની આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ. પરેશ દીકરો તેના મોહમાં એવો ફસાઈ ગયો કે તેણે આપણને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. આપણી સંપત્તિને પચાવી પાડવા માટે કાવતરા કરતો હતો. તમને અને મને અલગ કરવા માટે તમારા વિરૂદ્ધ મને કહેતો હતો. રેખા વહુ મારી સાથે ઘરના કામ કરાવતી હતી ને રાતે પરેશને ખોટું ખોટું કહેતી હતી. તમારે અને પરેશને પણ કેટલા ઝગડા થતા હતા. રેખા એ ક્યારેય આપણી સાથે સીધા મોઢે વાત કરી નથી. વ્યાસ, હું બધું જ જાણું છું પણ અંતે આપણે માતા પિતા છીએ..! જે થયું તેને ભૂલી જાઓ અને માફ કરી દો. મને ખબર છે તમને બહુ ખરાબ લાગ્યું છે પણ શું કરી શકીએ આપણે ! સારું સારું આમ ગુસ્સો ન કરો નહીંતર તમારું પ્રેશર વધી જશે. "
મનહર ભાઈ ગુસ્સામાં રૂમની અંદર જાય છે. બે પાંચ મિનીટ બાદ તિજોરીમાંથી ઘરના અમુક કાગળ લઈને બહાર આવે છે.
" જો સુધા, આ કાગળ મેં લખી રાખ્યા છે. હવે મારા ગયા પછી તને કોઈ હેરાનગતિ ના થાય માટે એડવાન્સમાં બધું લખીને રાખ્યું છે. જેમાં આ ઘર આપણું છે, તેમજ મારા ગયા પછી આ ઘર સીધું તારા નામનું થઈ જશે... એક શરત છે જે તારે મંજૂર કરવી પડે. "
" વ્યાસ, કઈ શરત છે..? "
" શરત મુજબ સુધા તારે તારા સંતાન, વહુ અને તેના દીકરા સાથે તમામ સંબંધ તોડી નાખવા પડશે. આ ઘર તું ચાહે તો સખાવતમાં આપી શકે છે અથવા તારા અન્ય સંબંધીને આપી શકે છે. જો તને શરત મંજૂર છે તો હાલ આ કાગળ ઉપર સહી કરી નાખ..! "
દસેક દિવસ બાદ,
સુધા માસીએ કાગળ ઉપર સહી એ દિવસે જ કરી નાખી હતી. સહી કરી તેના ત્રણેક દિવસ બાદ મનહર ભાઈનું અકાળે અવસાન થઈ જાય છે. તેમના અવસાનના ચોથા દિવસે પરેશ અને રેખા ઘર પચાવી પાડવા માટે આવી જાય છે. સુધા માસી જોડે બરાબરનો ઝગડો કરે છે પણ સહી કરેલી હોવાના કારણે તેઓ આગળ કશુંય કરી શકતા નથી. સુધા માસી તેમનું ઘર, અન્ય સંપત્તિ તેમની અને સ્વ. મનહર ભાઈની ઈચ્છા મુજબ શ્રી ઠાકોરજીના નામે લખી કાઢે છે. જે સંપત્તિ કાયદેસર સુધા માસીના ગુજરી ગયા બાદ આપોઆપ મળી જ્યાં લખાવી છે ત્યાં મળી જશે.
સુધા માસી ઘરના હીંચકે બેઠા છે. આંખોમાંથી સતત આંસુ નીકળી રહ્યા છે. ઉપર આકાશમાં નજર કરે છે અને મંદ સ્મિત કરે છે. સ્મિત કર્યા બાદ રેડિયો ઓન કરે છે. રેડિયો ઓન કરતા
' કિસી રાહ પર... કિસી મોડ પર... મેરે હમસફર '
ગીત વાગતું હોય છે. સુધા માસી તે ગીત મોટા આવજે વગાડે છે અને મનમાં બોલે છે,
" જેમ સોય ને દોરા વગર નથી ચાલતું, કાગળ ને કલમ વગર નથી ચાલતું તેમ આ સુધા ને મનહર વગર નથી ચાલવાનું..! દીકરાના મોહમાં રહી હોત તો આજે છતે ઘરે ઘરમાંથી બહાર નીકળી ગઈ હોત. આભાર વ્યાસ આપનો આભાર...! "