Tirth Shah

Drama Thriller

4.5  

Tirth Shah

Drama Thriller

ભૂખરી

ભૂખરી

9 mins
248


બાજુના ગામડે ભૂત બાધાની વાતે જોર પકડ્યું છે. ગામના સરપંચે રાતે બહાર નીકળવાની ના પાડી છે. ગામના પાદરે યુવાનોને પણ બેસવાની ના પાડી દીધી છે. જાણે આખુંય ગામ કોઈના ભરડામાં આવી ગયું હોય તેમ લાગી આવતું. દરેકના મોઢે ડરનો ભાવ રીતસરનો જોવા મળતો. ઘરડી ડોશીઓ ઘરે ધૂણી ફેરવતી અને મોટા અવાજે માળા જપતી. ગામના યુવાનો એ ભૂતને શોધવાની ઝંખના સેવતા, ને સ્ત્રીઓ પારકી પંચાત કરતી. ગામના ભાયડાઓ તેમના ખેતીકામમાં વધુ ધ્યાન પરોવતા તેમને મન 'આ બધું તો થયા કરે...!'

વડલાની નીચે ગામના ડોસાઓ બીડી ફૂંકી રહ્યા છે. સંધ્યા ટાણું થયું છે, ગામના પાદરે આવેલા મંદિરે ઝાલર વાગે છે. ગામની ડોશીઓ મંદિરે ભજન કીર્તન કરે છે, નાના બાળકો પલાંઠી વાળીને પ્રસાદની રાહ દેખતા બેસી ગયા છે. શિયાળો જામ્યો છે. ગામની નદી પણ ઠંડી થઈ ગઈ છે અને કૂવાના પાણી ટાઢા થઈ ગયા છે. હિમ જેવો વાયરો ફૂંકાયો છે ને ગામમાં ભૂતની વાતે લોકોને હેરાન કરી મુક્યા છે. 

'જેરામ કાકા, હાલો જલ્દી.. આ રાત્રી થવા આવી અને કાં હજુ તમે ખેતરે બેઠા છો..! જલ્દી કરો કાકા....'

'મગન લાલ, એટલી ચિંતા થાય છે તો તું તારે નીકળ...! મારે આજે જરા વાર લાગશે, ખેતરે જરા કામ આજે વધ્યું છે અને હવે શિયાળો બેઠો એટલે...!'

'જેરામ કાકા, જલ્દી આવી જાજો. હું મારા ઘરે નીકળું છું તમે કરસન લાલની વાડી થઈને જાજો, ભૂલથી નહેર પાસેથી ના આવતા..'

જેરામ ભાઈ રોજના સમયથી આજે જરા મોડા નીકળે છે. રાત્રી થઈ ગઈ છે, ગામમાં સોપો પડી ગયો છે. ગામના પાદરે હવે કોઈ દેખાતું નથી. ગામ આખુંય સુમસામ થઈ ગયું છે. શિયાળો એવો જામ્યો છે કે તેની ઠંડક શરીરે ધ્રુજારી લાવે છે. જેરામ ભાઈ ગળે મફલર લટકાવીને, હાથે બીડી અને માથે મોટી પાઘડી પહેરીને તેમના બળદ જોડે ગાડામાં બેસીને ગામ તરફ જાય છે. તેમને મગન લાલની કહેલી વાત ધ્યાને આવતી નથી. જેરામ ભાઈ કરસનની વાડીને બદલે નહેર પાસેથી નીકળે છે.

જેરામ ભાઈ મનમાં બોલે છે... 'કેટલી શાંતિ છે..! ખરેખર મગન લાલની વાત માનવા જેવી હતી. લ્યો બોલો... અમાસની રાત છે. કોઈ વાંધો નહીં હું તો ભાયડો છું મારે શાનું ડરવાનું હોય...!'

નહેરની કાચી સડક આવવા આવી છે. પાણીની વાસ મારે છે. જોડે ઝાડી-ઝાંખરામાંથી નાની જીવાતોનો અવાજ આવે છે. વાતાવરણ એકદમ શાંત છે. દૂરથી કેસરિયા પર્વતની હારમાળા અંધારે દેખાય છે. જોડે નાગજી મહારાજનું મંદિર છે જેની પાસે એક દીવો ઝળહળે છે. નહેરની સડક હવે આવી ગઈ છે. એકાએક પાણીમાંથી બહુ વાસ મારતી હોય છે. માથું ફાટી જાય એવી વાસના કારણે હું નીચે નજર નાખું છું. મનમાં થાય છે કે કયું જીવ મરી ગયું હશે...? કોઈ ગાય કે ભેંસ જરૂર મરી ગઈ હશે બચારી..!

એટલામાં મારુ ગાડું એક ત્યાં રહેલા પથ્થર સાથે ટકરાય છે. જેવું ગાડું પથરાય છે ને ત્યાંજ હું સહેજ નમી પડું છું. નીચે ઉતરીને બીડી ફેંકીને ગાડાને સરખું કરું છું ને... ત્યાં મારુ ધ્યાન પાણીની કિનારે જાય છે. પાણીની ઉપર એક માનવ લાશ જેવું દેખાય છે. પહેલાતો એક લાલ ઓઢણી દેખાય છે અને પછી એકદમ આખી લાશ પાણીમાં તરતી દેખાય છે. એ લાશ એક સ્ત્રીની હોય છે અને તે પાણીમાં રહેવાના કારણે આખી ફૂલી ગઈ હોય છે...!

હું લાશને જોતા એકવાર ડઘાઈ જાઉં છું. સીધો રાડ પાડીને ભાગી જાઉં છું. એ લાશ એકદમ ભયંકર લાગતી હોય છે. એ ભર શિયાળે પરસેવો છૂટી જાય છે ને હું સીધો ઘર ભેગો....!

'જેરામ કાકાએ જોયું એ મુજબ ગઈ અમાસની રાતે એમણે નહેર જોડે લાશ દેખી... એ વાતને ધ્યાને આવતા બે દિવસ પહેલા ગામની દીકરી એ પણ લાશ દેખી હતી. એટલે જેરામ કાકા અને દેવલીએ એક જ લાશ દેખી છે કે... બે માણસોની લાશ દેખી એક સવાલ છે...! જેરામ કાકાને તાવ આવી ગયો છે અને દેવલી ભાગોળે જતા હવે ડરે છે. છતાંય આજે ગામના આગેવાનો દેવલી અને જેરામ કાકાને પૂછશે...! જરૂર લાગશે તો હવે કાયદેસરની કાર્યવાહી થશે....!'

'જેરામ કાકાએ માત્ર લાશ જોઈ એમાં ડરી ગયા...! એટલે કાકાએ જરૂર બીજું જોયું હશે, મને થાય છે કાકાએ ગામમાં ફરતું ભૂત જોયું હશે...!' ગામના માણસો વાતો કરે છે.

'દેવલી પણ કાંઈ બોલતી નથી. જ્યારથી એણે જોયું છે ત્યારથી એના મોઢે મૌન થઈ ગયું છે. દેવલીને ચારેકવાર પૂછ્યું પણ....' દેવલીના સગા વાતો કરે છે. 

ગામના યુવાનો અંદરોઅંદર 'ભૂખરી' ની વાતો કરતા હોય છે. 

ગામના યુવાનો એવું કહે છે કે, 'ગામમાં જે ભૂત ફરે છે એ બીજું કોઈ નહીં પણ... ગામની ફરતી ગાંડી ચુડેલ જેવી 'ભૂખરી' છે. આ લોકોને હેરાન કરવાનું કામ એ ગાંડી, પાગલ, વિધવા, ગરીબ, ચુડેલ જેવી ફરતી ભૂખરી જ કરે છે. ભૂખરી હાથે કરીને આવું બધું કરે છે... એને મગજ કામ કરતું નથી એટલે ગામના લોકોનો હેરાન કરે છે. 

એ દિવસે જેરામ કાકાને તાવ લાશને કારણે નહીં પણ આ ગાંડી, ચુડેલ જેવી ભૂખરીને કારણે જ આવ્યો હતો. એ રાતે ભૂખરી ત્યાંજ ફરતી હતી. એનો વેશ એવો અને ઉપરથી રાતે જોવો તો ભલભલાને તાવ ચડી જાય. એ રાતે જેરામ કાકાને બીવરાવતી હતી, જેરામ કાકાની પાછળ ભાગી હતી. જેરામ કાકાને બીવરાવીને ગામમાં ભૂત છે એવું બેસાડવા માંગે છે. 

દેવલીને તો ભૂખરીએ પથરો પણ માર્યો હતો. પથ્થર લઈને પાછળ ફરી હતી, બિચારી દેવલી ભૂખરીના વેશ અને હાથમાં પથ્થર જોઈને ડરી ગઈ. ભૂખરી છેક દેવલીના ઘર સુધી દોડેલી. 

 રહી વાત લાશની... એ લાશ જોડે આવેલા 'ઘેરાજી વાસ' ગામની આધેડ સ્ત્રીની લાશ છે. એણે આત્મહત્યા કરી હતી, પાણીના વહેણના કારણે આપણા ગામ સુધી આવી ગઈ. પાણીમાં રહેરહે એની લાશ દેડકા જેવી ફૂલી ગઈ હતી...'

ગામના યુવાનો એવું દરેકને સમજાવે છે. એમની વાત દરેક માની જાય છે. એ સ્ત્રીની લાશને સગેવગે કરી દેવામાં આવે છે. છેલ્લા દસેક દિવસથી ભૂખરી જોવામાં આવતી નથી. ધીરેધીરે ગામમાં ભૂત નથી એ વાત ફેલાઈ જાય છે. લોકો એવું પણ માની લે છે કે... ખરેખર ભૂખરી લોકોને બીવરાવતી હતી અંતે ભૂખરી પ્રકરણ પૂરું થવા આવે છે ને ત્યાંજ....... એક નવો ઘટસ્ફોટ થાય છે.

જેરામ કાકા નવી જ વાત લઈને ગામના સરપંચ જોડે જાય છે. જેરામ કાકા એવી વાત કહે છે જેણે આખાય ગામને હલાવીને મૂકી દીધું હતું. જેરામ કાકા સીધા સરપંચ 'મનુ ભાઈ' ને મળે છે અને વાત રજૂ કરે છે. 

'જો.. જેરામ તારી વાત સાચી હશે તો કાયદેસર કાર્યવાહી થશે..! તારી પાસે કોઈ સબૂત નથી અને ભૂખરી છેલ્લા દસેક દિવસથી મળતી નથી. એટલે આપણી પાસે કોઈ સબૂત નથી કે તું જે કહે છે એ સાચું છે..! મને તારી વાત પર વિશ્વાસ આવે એવું કંઈક કર...!'  મનુ ભાઈ સરપંચ જેરામ કાકાને જવા કહે છે. 

જેરામ કાકા અંદરથી મજબૂત રહ્યા તેમણે નક્કી કર્યું કે... 'ભૂખરીના પ્રકરણની અડધી વાત જે ગામ જાણતું નથી એ મારે કહેવી જ પડશે. એના માટે મારે ગામમાં ભૂખરી ફરીવાર આવી ગઈ છે એ વાતને જાહેર કરવી પડશે...! મારી વાતને જાહેર મગન લાલ હેઠળ કરાવી પડશે. એકવાર વાત જાહેર થઈ જાય એટલે ગામના લોકો ભૂખરી ને શોધવા લાગી જશે...! ભૂખરીને શોધતા તેમને ભૂખરીની અસલી હાલત જાણવા મળી જશે...! અસલી ગુનેગાર કોણ છે એ વાત છતી થઈ જશે....! આમ કરતા ભૂખરીની કથા પુરી થશે...! મારે મગન લાલને બધી વાત કહેવી પડશે.'

ગામમાં ફરીવાર ભૂખરી છે એ વાત થવા લાગી. ગામની સીમમાં ભૂખરી બધાને હેરાન કરે છે એવી અફવા પણ ફેલાવા લાગી. ગામના યુવાનો ભૂખરી નથી એ વાત પર અડયા રહે છે. એવામાં સર્વ સંમતિથી નક્કી થાય છે કે ગામના બધા લોકો ગામની સીમમાં જશે અને ભૂખરી જ્યાં ઝૂંપડી બંધીને રહે છે ત્યાં જશે તેમજ આજુબાજુ શોધશે..! એમ કરતાં ગામના લોકો રાતના ગાળે ગામની સીમમાં જાય છે અને ભૂખરીની ઝૂંપડીને શોધે છે. 

એવામાં ગામની પાદરે કૂવાની પાછળ, જંગલોની અંદર ડાબી બાજુએ મફતલાલની જમીન જ્યાં પુરી થાય છે એના ઉપરની દિશામાં એક નાની સરખી ઝૂંપડી જોવા મળે છે. એવી જગ્યાએ ઝૂંપડી હોય છે જ્યાં દિવસેય કોઈ જતું નથી એવી ભેંકાર જગાએ તેની ઝૂંપડી મળી આવે છે. જેરામ કાકા અને ગામના આગેવાનો એ ઝૂંપડીમાં જઈને બધું શોધી કાઢે છે. 

***

ગામની સભા ભરાઈ છે. મનુભાઈ સરપંચ ગામની જાહેર સભામાં જેરામ અને દેવલી જોડે થયેલી ઘટના અંગે વાત કરે છે.

'મને જેરામ અને દેવલીની સાથે થયેલી ઘટના અંગે ઘણું જાણવા મળ્યું હતું કે... આ બધા પાછળ ગામની ભૂખરી છે જે લોકોને હેરાન કરે છે. વાસ્તવમાં ભૂખરી નથી પણ ગામની વ્યક્તિ છે જે ભૂખરીના ખભે બંદૂક મૂકીને આવી ગંદી રમત રમે છે. આ રમત એવી હતી જેણે ગામની છાપ બગાડી છે અને ગામની અંદર જઘન્ય કૃત્ય થયું છે જે નિંદનીય છે. હું પોતે ગામનો સરપંચ થઈને મૂંઝવણમાં છું કે કેવી રીતે આવી ઘટના ગામમાં બની ગઈ...! જે વ્યક્તિની લાશ મળી હતી એ કોઈ સ્ત્રીની નહીં પણ એક નાની છોકરીની હતી જે માત્ર સોળ વર્ષની હતી. આ સંપૂર્ણ રમત હતી જે ગામની વ્યક્તિ ઘ્વારા રમવામાં આવી છે. આજની જાહેર સભામાં એ વ્યક્તિને સજા થશે, આ સરસ કાર્ય માટે જેરામ અને દેવલીને ઈનામ આપવામાં આવશે..'   મનુભાઈ સરપંચ આખીય વાત ગામની જાહેર સભામાં કરે છે. 

જેરામ કાકાને સબૂત મળી ગયા હતા એટલે તેમણે એકપછી એક રીતે ભૂખરીની વાત કહે છે. 

"આજની જાહેર સભામાં હું એક અગત્યની વાત કરવા માગું છું. છેલ્લા ઘણા સમયથી ગામની અંદર અમુક વિચિત્ર ઘટનાઓ બને છે જેના સાક્ષી તરીકે હું, દેવલી અને અન્ય ગામના લોકો છે જેમણે જાગતી આંખે ગામમાં ફરતા ભૂતને જોયું છે. એ ભૂત નહેર પાસે લોકોને જોવામાં આવતું હતું, એ ભૂત રોજ રાતે જોવામાં આવતું. એના કારણે ગામમાં સોપો પડી ગયો હતો. 

એ ભૂત સાથે મારે સાક્ષાત્કાર અમાસની રાતે થયો હતો. એના કારણે મને તાવ આવી ગયો હતો. એ વાત જે મેં આજસુધી કોઈને કીધી નથી એ કહેવા માગું છું. એજ ભૂત સાથે સાક્ષાત્કાર દેવલીને પણ થઈ ગયો હતો. 

એ રાતે મારી નજર સામે મેં એક કિશોરીની લાશ દેખી. એ સમયે હું નહેર પાસેથી મારુ ગાડું લઈને જતો હતો. અચાનક મારુ ધ્યાન એ લાશ પાસે ગયું જેમાં મેં જોયું કે લાશ તરતી આવી રહી છે. હજુ હું કંઈક વિચારું એ પહેલાંજ એક સ્ત્રી મારી નજીક આવી ગઈ. એનો વેશ એટલો ભયંકર હતો કે મેં જોરથી રાડ પાડી દીધી. એ ખરેખર ચુડેલ જેવી લાગતી હતી. એના લાંબા સફેદ વાળ, એની મોટી આંખો, એનો કર્કશ અવાજ, એના ખુલ્લા પગ, એની ખરી પડેલી ચામડી...

એ મારી સામે આવીને હસવા લાગી પછી રડવા લાગી. આ સમયે ગામમાં કોઈ હતું નહીં. એ મારી એકદમ નજીક આવી અને જોરથી રડવા લાગી. એનું રુદન એટલું કરુણ હતું કે મારી આંખમાં આંસું આવી ગયા. એ મારી સામે હાથ જોડીને ઊભી રહી, એની આંખોમાંથી આસું ટપકતા હતા. એ સ્ત્રી મને કશું કહેવા માંગતી હતી. 

એવામાં એણે મને ઈશારો કર્યો અને જોવા માટે કહ્યું. મેં એના ઈશારાને જોયો... એ મને આંગળી વડે ગામની તરફ બતાવતી હતી. એના ઈશારાથી હું કશું સમજી શક્યો નહીં. એણે એના વાળમાં હાથ નાખ્યો અને રડી... એ મને પાગલ જેવીજ લાગતી હતી. હું ચુડેલ સમજીને મારા ગાડામાં બેસ્યો. એણે મને પાછળથી કહ્યું..... ' લૂંટાઈ ગઈ.... મારી ભૂખરી'

એ બોલી અને મારું ગાડું ઊભું રાખ્યું. એણે મને કીધું,

'ગઈ રાત્રિની મારી ભૂખરી લૂંટાઈ રહી હતી અને આજે એ જતી પણ રહી. અમે ગરીબ એટલે અમને હેરાન કરવાના. હું વિધવા, ગરીબ, અભાગણ કોઈ ચુડેલને શરમાવું તેવી મારી છાપ.. મારી ભૂખરીને એ ગામના છોકરાવ રોજ લૂંટતા હતા. એ રોજ મારી ભૂખરીને ચૂંથતા હતા. બસ...! આજ મારી ભૂખરી છે જેની લાશ નહેરમાં મળી છે.'

મને એની વાત સમજાઈ ગઈ. મેં એને સાંત્વના આપી અને હું મારા ઘરે નીકળ્યો. એ શિયાળાની રાતે તાવ આવી ગયો એટલે હું બીમાર પડી ગયો હતો. ભૂખરીની માતા દેવલીને પણ એજ સમજાવતી હતી પણ.... દેવલી એનો વેશ જોઈને ડરી ગઈ હતી. અન્ય ગામના લોકોને પણ ભૂખરીની માતા સમજાવવા માંગતી હતી પણ... એનો વેશ જોઈને એ બધા ડરી ગયા હતા. જો હું પણ ડરી ગયો હોત તો આજે આ ભૂખરી વિશે જાણવા મળી શક્યું ના હોત....!"

અંતે, જેરામ ભાઈની સૂઝબૂઝથી ભૂખરીનો કેસ સોલ્વ થયો. ગામના જ યુવકો રોજ રાતે પાદરે બેસવાનું કહીને ભૂખરીને રોજ ચૂંથતા હતા. ગામના યુવકોએ ભૂત હોવાનું કહીને ગામને રોજ સાંજે બંધ કરાવી દેતા, એટલે એમને એમનું કામ કરવાનો મોકો મળી જતો. ભૂખરીની માતા દરેકને કહેવા માંગતી હતી પણ.... 

ગામના યુવકોમાં સરપંચનો દીકરો જેણે આખી રમત કરી હતી. એ રોજ રાતે તે મિત્રો સાથે ગામની સીમમાં બેસતો અને ધંધા કરતો. 

ગામના જેટલા યુવાનો હતા એ દરેકને સજા મળી. એ સજામાં પોલીસ કેસ થયો અને દરેકને જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા. ભૂખરીની ખરી સચ્ચાઈ આ રીતે બહાર આવી.

માંડ હજુ ગામમાં સારા દિવસો આવ્યા હતા ને ત્યાંજ ફરીવાર એક લાશ મળી આવી. એ લાશ પણ નાની છોકરીની હતી જેની દશા પણ એવી જ હતી. શું ખરેખર ભૂખરી જેવી કહાની બીજીવાર બની......? શું હજુ પણ ભૂખરી જેવી ઘટનાઓ બનતી રહેશે...? શું ભૂખરીના ગુનેગાર હજુ બહાર છે...?


Rate this content
Log in

Similar gujarati story from Drama