ઋતુ બદલાય છે
ઋતુ બદલાય છે
કુદરતની સામે ક્યારેકને ક્યારેક સત્ય આવી જ જાય છે. સત્ય અને કુદરત એક સિક્કાની બે બાજુ જેવા છે. સત્ય કયારેય છૂપું રહેતું નથી તેમજ કુદરત ક્યારેય ખોટી સાબિત થતી નથી. ઋતુઓ બદલાય છે, સમય બદલાય છે તેવી જ રીતે સત્ય પણ સમયે બહાર આવી જાય છે.
આજે વર્ષો વીત્યા પછી હું ને પ્રફુલા અહીં ગામડે આવ્યા. શહેરની ઝાકમઝોળ છોડીને ઘર અને સમાજને મૂકી અમે અમારે ગામડે આવ્યા. જિંદગીના અંતિમ દિવસોમાં સુખની લાલસા અમને અહીં લઈને આવી. આખીય જિંદગી વૈતરા કર્યા, ખૂબ રૂપિયા કમાયા, જિંદગીની સીડી પર ઘણીવાર ચડ-ઉતર કરી... હવે થાક્યા એટલે માદરે વતન આવ્યા.
એજ વર્ષો પહેલા મૂકીને ગયેલા એવું જ અમારું નાનું અમથું સુખીપર ગામ. એજ ગામની વચમાં આવેલો મોટો ચબૂતરો જેની ઉપર ગામના સૈનિકની છબી, એજ રીતે ગામની ઉત્તરે આવેલું નાનું બજાર. બજારને અડીને આવેલી ગામદેવીની દેરી, એની પાસે ગામની સરકારી કચેરી. એ કચેરીની પાછળ દેખાતા રાયચલના ઊંચા ઊંચા પર્વતો, એની વચમાંથી પસાર થતી છીછરી નદી. એ નદીની પણ અમે પૂજા કરતા. લીલાછમ ખેતરોથી સમૃદ્ધ એવા મબલક પાક લહેરાય...! ઋતુ બદલાય એમ તહેવાર પણ બદલાય. ગામમાં દરેક ફળિયાના નામો એકદમ વિચિત્ર. કોઈ કોઈના ફળિયામાં માથું મારે નહીં પણ, સંપ એટલે જોવા જેવો. ગામમાં દરેક વર્ણના રહે છતાંય કોઈ એવા ઝઘડા નહીં.
અમે નવજીવન ફળિયાની સામે રેવીબા ફળિયામાં રહેતા. કુલ વીસેક ખડકી, એ દરેક ખડકીની વચ્ચે બે દીવાલ જેટલી જગ્યા. એ બધી ખડકી ક્રમબદ્ધ ને જોડે એ ખડકીની બારી-દરવાજા સામસામે પડતા. દરવાજાની નાકે નાની નિક પસાર થતી જે સીધી બહારની ગટરને મળતી. અમારી સામે નવજીવન ફળિયું એ પણ એવીજ રીતે ગોઠવાયેલું હતું. અમારી ખડકી ફળિયામાં પ્રવેશતા સામે દેખાય અને ડાબી બાજુએ છેલ્લી ખડકી.
ફળિયામાં અમે એક પરિવારની માફક રહેતા. દરેકનું જાણે એક જ ઘર હોય અને એક જ ઘરના સભ્યો હોય તેવી રીતે અમે રહેતા. કોઈ મશ્કરી કરે, મસ્તી મજાક કરે એ વાતે ક્યારેય કોઈ ચિડાય નહીં..! ફળિયામાં કેટલાય લોકો મસ્તી મજાક કરતા પણ એ વાતને ક્યારેય દિલ ઉપર લેતા નહીં. મારા બાપુજીની ગામમાં આગવી શાખ, બાપુજી મારા ગામની સરકારી શાળામાં આચાર્ય હતા. બા- બાપુજી, હું અને મારી નાની બહેન અમે એટલા રહેતા. મારા લગ્ન પ્રફુલા જોડે થયા અને અમારો પરિવાર આગળ વધ્યો. ઋતુ બદલાતી ગઈ, સમય બદલાતો ગયો એમ હું નોકરી અર્થે બહાર નીકળ્યો. પ્રફુલાને મેં ગામડે રાખી અને હું શહેર બાજુ નીકળી ગયો. મને પ્રફુલાની ચિંતા હતી નહીં એને મારા ઘરે અને ગામડે સારું ફાવી ગયું હતું.
હું અને પ્રફુલા અમારી ખડકીમાં પેસ્યા. વર્ષો જૂની એ તમામ યાદો અમે વાગોળતા વાગોળતા ખડકી પાસે પહોંચી ગયા. ગામ એવું હતું પણ, એ સમયના માણસો હતા નહીં. ખડકીના લોકો બદલાઈ ગયા હતા. એક નાનો છોકરો સીધો દોડતો મારા પગ પાસે આવ્યો ને મારી સામે જોઈને હસવા લાગ્યો. કંઈક ગામઠી ભાષામાં બોલ્યો અને તેની ખડકીમાં પેસી ગયો. હું હસવા લાગ્યો અને પ્રફુલાએ ખડકીનો દરવાજો ખોલ્યો.
હજુ માંડ ખડકીમાં પ્રવેશ કર્યો હશે ને ત્યાંજ પ્રફુલા જોરથી બોલી..., 'કિશન ભાઈ અહીં જ બેસતા હતા નહીં કે....? રામલી ભાભી અને તેનો દીકરો ચંદુ અહીં સામે બેસીને રોટલો ખાતા. પેલી ભાવુ અહીંથી રોજ પસાર થતી અને સામે વાળા રામ પર નજર નાખતી. બાજુમાં મણિલાલ રોજ તેમની પત્ની જોડે બાજતા, પેલી કોંતા કાકી છીકણી ઘસતી બેઠી હોય, એની સામે પેલા મારવાડી દાદા રોજ રેવડીનો પ્રસાદ ખવરાવતા. આપણી જમણી બાજુએ મનહર લાલ અને સેવતી માસી રોજ પ્રભાતિયાં વગાડીને મસ્ત સવાર પાડતા. અજર્ન, દેવજી, કાનજી, સોમજી, ભાઈલાલ, પેટલીયા રોજ તમને મળવા આવતા. મારી બહેનપણીઓ એમાં ભાવના, ગંગા, રેખા, સુરેખા, દામિની... ઓહહ ! શુ મજા કરતા હતા. સામે આપણી બેની એટલેકે નણંદબા રોજ અહીં રમતી.'
બસ..બસ.. પ્રફુલા, હવે વાત પડતી મૂક. ગેસ પર ચા મૂકો, ત્યાંસુધી હું ઘરને જરા સરખું કરું. પ્રફુલા અંદર ચા બનાવતી ને હું ઘર સાફ કરવામાં પડ્યો હતો. ચા બનાવતા બનાવતા પ્રફુલા વાતોએ વળગી.
'મને આજેય યાદ આવે છે કે... જ્યારે હું ચા બનાવું ત્યારે અચૂક કિશન ભાઈ આવી જ જાય. એ જેવા ધંધેથી આવતા ત્યારે સીધા અહીં આવીને ચા માટે બેસી જતા. પાછા રોજ ચા પીતા અને કેટલીય પંચાત કરીને જતા...! એ પછી તમારો પેલો વડ બાજુ રહેતો ત્રિવેદી, એની બહેન રાધા બધાય અહીં ચા માટે આવી જતા. એની જોડે અમુકવાર અરવિંદ પણ આવી જતો...'
પ્રફુલા રસોડામાંથી ચા બનાવતી જાય અને વાતો કરતી જાય. હું બધું સાફ કરવાના ફિરાકમાં હતો, સાફ કરતા કરતા હું ઉપરના માળે ગયો. નકરું અંધારું, ગંદી વાસ મારે એવી જગ્યા અને ફર્નિચર પણ સાવ સડી ગયું હતું. પ્રફુલા ચા માટેની બૂમો નીચેથી પાડતી હતી ને હું બધું બારીકાઈથી ચેક કરતો હતો.
હવે ચા ઠંડી થઈ હાલો નીચે જલ્દી આવો.. એમ બોલીને પ્રફુલા ચાની ચૂસકી મારવા લાગી. બધું સરખું જોઈને ઉપરનો દરવાજો આડો કરીને હું તરત નીચે આવી ગયો. અમે બંને ચા સાથે પીતાપીતા ગામ આખાયની વાતે વળગ્યા.
અડધો કલાક માંડ થયો હશે..! સાંજ થવા આવી હતી, વાતાવરણ ધીરે ધીરે હવે ઠંડુ બનતું જતું હતું. સંધ્યા ખીલી ઊઠી હતી. સૂર્ય અસ્ત થતો હતો ને કોઈ અણસાર હતા નહીં કે વરસાદ પડશે...! કુદરતનો રાગ અને રંગ ગજબનો છે. કુદરતના રાગમાં સૂર છે અને રંગમાં સુકુન છે. હું મારું કામ કર્યે જતો હતો. હું ઉપરના માળે બધું સાફ કરતો હતો ને પ્રફુલા નીચે બારીએ બેઠી હતી. એકાએક વાતાવરણ બદલાયું, કાળા ડિબાંગ વાદળો આકાશમાં ફેલાઈ ગયા. વીજળીના ચમકારા થવા લાગ્યા અને મોટા ફોરાં સાથે વરસાદ વરસવા લાગ્યો. હજુ હમણાં સુધી કોઈ અણસાર હતો નહીં ને ત્યાં એકદમ વરસાદ વરસવા લાગ્યો. ઘણા કાગળ મારા હાથમાં આવ્યા જે એક કબાટમાં ડૂચો વાળીને પડેલા હતા. સાફ સફાઈમાં એ કાગળો મેં ધ્યાન દઈને વાંચ્યા નહીં અને બાજુમાં મૂકી દીધા. વરસાદ એકધાર્યો વરસતો હતો ને વાતાવરણમાં સન્નાટો છવાયેલો હતો.
પ્રફુલા ક્યારનીય સૂઈ ગઈ હતી. હું નીચે આવ્યો, ખડકીનો દરવાજો બંધ કરવા ગયો ત્યારે એકાએક મોટો વીજળીનો કડાકો થયો. ભારે વરસાદ વરસવાનો ચાલુ થયો એવામાં ફળિયામાં લાઈટ જતી રહી, જેવી લાઈટ ગઈ કે તરતજ જૂની ઘટના આંખ સામે આવી ગઈ. એ સમયે ફળિયામાં જ્યારે લાઈટ જતી ત્યારે આખુંય ફળિયું બહાર આવી જતું અને ગપ્પા મારતા. કોઈ બેસીને પંચાત કરતું તો કોઈ જુના ગીતો ગાતું, ભયડાઓ બહાર બેસીને ગામ આખા ની અણી કાઢતા. લાઈટો જાય ત્યારે જોવા જેવી થતી, એ સમયે ખૂબ મજા આવતી.
મારી આંખ સામે એ ઘટના તરવરી જયારે મારા લગ્નને માંડ દસેક દિવસ થયા હશે..! સે સમયે ગામડે લાઈટો ખૂબ જતી. એવીજ એક વરસાદી રાત હતી, રાતના અગિયાર વાગવા આવ્યા હશે ને એકદમ લાઈટ જતી રહી.
જૂની ઘટના
(હું અને પ્રફુલા સૂઈ ગયા હતા. નીચે બા-બાપુજી અને બેની સૂઈ ગયા હતા. બહાર
ભારે વરસાદ વરસતો હતો એટલે બારી બંધ રાખી હતી. એવામાં એકદમ લાઈટ જતી રહી. આખુંય ફળિયું જોતજોતામાં લાઈટો ગઈ એના નામની બૂમો પાડવા લાગ્યા.
'એ કોંતા બા તમારે ગઈ લાઈટ...? કિશન ભાઈ તમારે ગઈ લાઈટ...? એ ભાવુ તારે ગઈ લાઈટ...? એ રામ તારા બા ને પૂછ કે લાઈટ છે કે નહીં...? એ મંગલી જોજો તારે ઘેર લાઈટ છે કે નહીં...? સૂર્યા માસી જાગો છો કે સુઈ ગયા...? પ્રફુલા લાઈટ ગઈ કે નહીં...?'
પાંચેક મિનિટમાં આખુંય ફળિયું બહાર આવી ગયું. વરસાદમાં પલળતા બધા બેસીને નરી વાતો કરતા. એવામાં પ્રફુલા મસ્ત ચા બનાવીને લઈને આવી, એની ચા આખાય ગામડે અને ખાસ અમારે ફળિયામાં ઘણી ફેમસ...! કિશન તો પલડતો ચા માટે આવી ગયો ને તેની જોડે અરવિંદ, ત્રિવેદી બીજા ઘણા આવી ગયા. હું નીચે જયારે ઉતર્યો ત્યારે મારા ઘરમાં બધા ગોઠવાઈ ગયા હતા. પ્રફુલા બધાને પ્રેમથી ચા પાતી હતી ને હું બધું જોતો હતો. કિશનની બાજુમાં જગ્યા હતી ત્યાં પ્રફુલા બેસી હતી. રાતના બે વાગવા આવ્યા હશે ને ત્યાં બધા કંટાળ્યા હતા... એટલે કંઈક રમત કરવાનું નક્કી કર્યું. અમે બધાએ અંતાક્ષરી રમાવનું નક્કી કર્યું. સામસામે બે પાર્ટ પાડી દીધા, હું અને પ્રફુલા સામેની ટીમમાં આવી ગયા. મારી સામેની ટીમમાં પ્રફુલા, કિશન અને અરવિંદ એ બધા હતા. મારી ટીમમાં ત્રિવેદી, સૂર્યા માસી ને બીજા બધા હતા.
સામસામે ગીતોનો વણજાર થવા લાગી. એકપછી એક ગીતો આવવા લાગ્યા જાણે દરેક સૂરોના સરતાજ બની ગયા હોય તેમ ગીતો ગાતા. કિશન અને પ્રફુલા એકપછી એક રીતે જે ગીતો ગાતા...
'ક્યાં દેખતે હો.. સૂરત તુમ્હારી..'
'કોઈ ના કોઈ ચાહીએ... પ્યાર કરને વાલી...'
'તુમસા કોઈ પ્યારા કોઈ માસૂમ નહીં હે...'
સામે અમે પણ ગીતો ગાઈને રંગ રાખતા હતા. એકદમ વરસાદ થંભી ગયો ને તરતજ લાઈટ આવી ગઈ. સવારના પાંચ વાગ્યા હશે..! દરેક તેમના ઘરે ગયા, હું અને પ્રફુલા ઉપર ગયા. ફળિયામાં સાવ સુનકાર વ્યાપી ગયો હતો. પ્રફુલા પડતા વેંત સૂઈ ગઈ ને મારી આંખમાંથી ઊંઘ ઊડી ગઈ હતી. મેં આજે પહેલીવાર પ્રફુલાને આટલી ઉત્સાહમાં જોઈ હતી. મને મનમાં શંકા થઈ કે 'પ્રફુલા અને કિશનની આંખો મળી ગઈ હશે હે શું.....?'
ધીરેધીરે કિશન રોજ મારે ઘરે આવતો. ચાના બહાને રોજ કિશન અને અરવિંદ આવી જતા. એવામાં મને શહેરમાં સરકારી કોલેજમા ક્લાર્કની નોકરી મળી ગઈ. શહેરમાં બધું સેટઅપ કરવા માટે હું એકલો ગયો અને પ્રફુલાને અહીં ગામડે રાખી. શહેરમાં સેટઅપ કર્યાને દસેક મહિનામાં મેં એને પણ ત્યાં બોલાવી દીધી. એ દસ મહિના મેં શકના વિચારમાં કાઢ્યા. મને રોજ મારી ભોળી પ્રફુલાનો વિચાર આવતો કે પેલો કિશન...)
જોરદાર વીજળીનો કડાકો થયો ને હું એ જૂની ઘટનામાંથી બહાર આવી ગયો. ત્રણેક દિવસ બાદ ફરીવાર હું એક બપોરે ઉપરના માળે ગયો. એ ડૂચો વાળેલા કાગળો મારા પગમાં આવ્યા. એ કાગળોને હાથમાં લીધા અને બારી બહાર ફેંકવા જતો હતો ને ત્યાંજ એ કાગળના લખાણમાં મારુ ધ્યાન ગયું. એ અક્ષર મને પ્રફુલાના હોય તેવા લાગ્યા એટલે તરતજ કાગળ વાંચવાનો ચાલુ કર્યો.
"મને હવે પત્ર લખીશ નહીં... મારા પતિને જાણ થઈ જશે તો આપણા સબંધોમાં તિરાડ આવી જશે ને મારે છૂટાછેડા લેવા પડશે...! મહેરબાની કરીને હવે મને પત્ર કે ફોન કરીશ નહીં, હું તારા વગર પણ જીવી લઈશ. એકવાત ધ્યાન રાખજે હું મારા પતિને છોડવા માંગતી નથી. હું આપણો પ્રેમસંબંધ આજે પૂર્ણ કરું છું. આવજે.... કિશન"
એ પત્ર વાંચીને હું હચમચી ગયો. મારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ હોય તેમ હું લથડીયા ખાવા લાગ્યો. બારી બહાર જોયું અને બીજો કાગળ હાથમાં લીધો. એ કાગળમાં પણ પ્રેમની વાતો કરેલી હતી. કાગળમાં નીચે તારીખ લખી હતી, એ તારીખ આજથી દસેક વર્ષ પહેલાંની હતી. એટલેકે લગ્નના ત્રીસ વર્ષમાં વીસ વર્ષ હું છેતરાયો... મને મારી પ્રફુલા છેલ્લા ત્રીસેક વર્ષથી છેતરતી હતી. મને વિશ્વાસ નથી આવતો કે પ્રફુલા સાવ આવું હીન કૃત્ય કરશે..! એ બીજો પત્ર પણ મેં બારીમાંથી ફેંકી દીધા. આજે સવારથી વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળો હતા એ ખસી ગયા. જેમ વરસાદની ઋતુ પુરી થઈ ગઈ હોય એમ લાગતું. પ્રફુલા નીચે મને બોલાવતી હતી. મારા આંસુ લૂછીને હું નીચે ગયો, પ્રફુલા મારી સામે શાંત ચિત્તે બેઠી હતી ને એની આંખમાં પણ આંસુ હતા. એ મારી સામે બેસી અને ચોધાર આંસુએ રડવા લાગી. એને રડતા જોઈ હું પણ ડઘાઈ ગયો. એ મારી સામે ચોધાર આંસુએ રડતી રહી. એની આંખો આજે કશું કહેતી હતી એ હું વાંચી શકતો નહીં..!
એણે મારી સામે જોયું અને માફી માંગી. હું એની સામે જોતો રહ્યો, એ જાણે મારી આંખને સમજી ગઈ હોય તેમ એની જાતે બધું બોલવા લાગી. એણે એની જાતે કબૂલ કરી લીધું કે, 'તેનો અને કિશનનો લગ્નેતર સંબંધ ચાલતો હતો....તેમજ કિશન અને પ્રફુલા મારી જાણ બહાર પણ મળતા હતા. મારી જાણ બહાર તેમના સંબંધો ચાલતા જ હતા ને તે પણ સતત વીસેક વર્ષ સુધી.'
એ ખૂબ રડી, સામે હું પણ ખૂબ રડ્યો. પ્રફુલા મારી સામે આંખ મિલાવીને વાત કરી શકતી નથી ને હું તેને રડતા જોઈ શકતો નથી. મોસમનો મિજાજ બદલાયો એમજ મેં મારો મિજાજ બદલ્યો. મેં પ્રફુલાને માફ કરી અને મેં તેને કાયમી મુક્ત કરી. પ્રફુલા ખૂબ રડી, આજીજી કરી, મારી ઘણીવાર માફી માંગી ને છેવટે તે ખૂબ રડી. છતાંય હું મક્કમ રહ્યો મેં તેને કાયમી મારી જિંદગીમાંથી મુક્ત કરી દીધી.
હું તેને ખૂબ પ્રેમ કરતો હતો પણ, મારી જિંદગી સાથે રમત કરનારને કોઈ સ્થાન નહીં. ચાહે એ વાતની મને આખીય જિંદગી જાણ ન થઈ હોત તો આજે પણ મારો પ્રેમ એટલો જ રહેતો...! એણે મારી સાથે કપટ કર્યું એ વાતને હું કયારેય નહીં ચલાવું. પછી ભલે મારી જીવન સંગીની કેમ ના હોય...!
ઋતુ બદલાય છે એમ ઋતુનો તહેવાર પણ બદલાય છે. કોઈ ઋતુ પ્રેમની હોય છે કે કોઈ ઋતુ નફરતની હોય છે. સત્યનું એવું જ છે સમય સાથે બહાર આવી જ જાય છે. ભલે એ સત્યને બહાર આવતા દસકો, વિસકો કેમ ના નીકળી જાય...! અંતે સત્ય એની જાતે બહાર આવી જ જાય છે. મને મારા પ્રેમ પર આજે વિશ્વાસ ઊઠી ગયો, હું આજે લગ્નના બંધનમાંથી આઝાદ થયો. સત્ય એનું કામ સમયે કરી જ નાખે છે એના માટે આપણે રાહ દેખવી પડતી નથી.
એજ ખડકીમાં આજે હું એકલો બેઠો છું. પ્રફુલાની યાદ મને કોરી ખાય છે અને બીજી સેકેન્ડે પ્રફુલાની ભૂલ યાદ આવે છે. હું મારી જાતને ઋતુ સાથે સરખાવતો ગયો, જેમ ઋતુ બદલાતી ગઈ એમ હું પણ ઋતુ સાથે બદલાઈ ગયો. જેવા સાથે તેવા..., મારી જિંદગીમાં મેં આજે એટલું જાણી લીધું કે, 'પ્રેમ સમજી વિચારીને કરવો... જિંદગી બરબાદ ના કરવી હોય તો પ્રેમ પર આંધળો વિશ્વાસ ન કરતા.'
આજે ફરીવાર વાદળ ઘેરાયા છે. માંડ શિયાળો બેઠો છે. માવઠું થાય તો નવાઈ નહીં...? ઋતુ પણ જબ્બર છે ગમે ત્યારે મિજાજ બદલે છે. હું મક્કમ મને ગામ છોડીને ઘરે ગયો છું. પ્રફુલા મારી જોડે નથી, જરૂરી છૂટાછેડાના કાગળો મોકલાવી દીધા છે.