Jignasa Mistry

Romance Tragedy Inspirational

4.8  

Jignasa Mistry

Romance Tragedy Inspirational

વરસાદી સાંજ

વરસાદી સાંજ

5 mins
364


આજે સવારથી જ આભ ફાટ્યું હોય એમ મેઘરાજા વર્ષોથી જાણે અતૃપ્ત ધરતીમાતા પર મુશળધાર વરસી રહ્યાં હતાં ! ભરબપોરે પણ અંધકારમય રાત્રીનો આભાસ થતો હતો. 

વાતાવરણની ભયંકર પરિસ્થિતિ સહદેવની જેમ પહેલાંથી જ પામી ગયાં હોય એમ પપ્પાએ આજે સવારે જ મને નોકરી પર નહીં જવાનું કહ્યું હતું પણ હું એકની બે ના થઈ ! મને હવે, મારી જાત પર ગુસ્સો આવતો હતો. હું વિચારોના પૂરમાં જાણે કે તણાતી હતી ત્યાં જ મારી મિત્ર રિન્કુ મારી કેબિનમાં આવી. 

''અરે ! રિયા તું હજી ઘરે જવાં માટે નીકળી નથી ? બહાર તો મેઘરાજાએ માજા મૂકી છે ! જો વરસાદના પાણી બધે ભરાઈ જશે તો તારે ઘરે પહોંચવું અધરું થઈ જશે."

"હા. રિન્કુ. તારી વાત સાચી છે. મને પણ હવે ચિંતા થાય છે."

કંપનીના મેનેજર સાહેબ પાસે રજા લઈ હું બસ સ્ટેન્ડ જવા નીકળી. મારી પચાસ મિનિટની વરસાદમાં કરેલી તપસ્યા બાદ મને એક રિક્ષા મળી. મારા જીવમાં જીવ આવ્યો !

પૂછપરછ વિભાગમાં જઈ બસ વિશે પૂછતાં મને ખબર પડી કે, આગળ હાઈવે પર પાણી ભરાઈ ગયાં હોવાથી બધી બસ રદ કરી દેવામાં આવી છે. 

મમ્મીની તબિયત સારી ના રહેતી હોવાથી મારું ઘરે પહોંચવું પણ ખૂબ જરૂરી હતું. પૂરજોશમાં ફૂંકાતા પવન તથા આટલાં વરસાદમાં પણ મારા શરીરે પરસેવો છૂટવા લાગ્યો !

આખરે મેં કોઈ પણ વાહનમાં લિફ્ટ માંગી મારા ઘરે વડોદરા પહોંચવાનું નકકી કર્યુ. વરસાદના કારણે વાહનોની અવરજવર આેછી હતી. જે થોડાં ઘણાં વાહનો આવતા હતા તેમને હું હાથ કરી ઊભા રાખવાના પ્રયત્નો કરવા લાગી. 

"પ્લી..ઝ ભગવાન કોઈને તો મોકલો."

મેં ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાને મારી પ્રાર્થના સાંભળી હોય એમ કલાક પછી એક ગાડી મારી નજીક આવી ઊભી રહી. અજાણી વ્યક્તિ પાસે લિફ્ટ માંગી બેસતા મારું મન ખચકાટ અનુભવતું હતું પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહતો. 

ગાડીનો કાચ થોડો ખૂલ્યો પરંતુ ધોધમાર વરસાદમાં કશું સ્પષ્ટ દેખાતું નહોતુ. 

"એક્સ..કયુ..સ ..મી... પ્લીઝ મને વડોદરા સુધી લઈ જશો ? વરસાદ વધુ છે એટલે બીજા કોઈ વાહનો મળતાં નથી."

મેં મારી સમસ્યા એકી શ્વાસે જણાવી. એ યુવકે ગાડીનો આગળનો દરવાજો ખોલતા મેં મારી છત્રી બંધ કરી અને હું એ યુવક સાથે આગળની સીટ પર બેઠી. 

"રિયા તું ?"

ડ્રાઈવર સીટ પર રવિને બેઠેલો જોઈ મારા હૃદયમાં ધ્રાસકો પડ્યો. મેં કયારેય વિચાર્યું નહોતું કે, રવિ સાથે આ જન્મે ફરી મળવાનું થશે. થોડીવારની નિરવ શાંતિ બાદ રવિએ વાત કરવાની હિંમત કરી. 

"રિયા તું અહીં કેમ ?"

"હું અહીં એક કંપનીમાં નોકરી કરું છું."

મને મારાં ભીના દુપટ્ટા વડે શરીર લૂંછતી જોઈ રવિએ તરત જ એનો રૂમાલ આપ્યો. રૂમાલ આપતા એના હાથનો થયેલ સ્પર્શ મારા આખા શરીરને જાણે ભીંજવી ગયો. ફરી અમારી નજર મળી. બે વર્ષ બાદ રવિ સાથે થયેલી મુલાકાત અને ગાડીમાં વાગતાં રોમેન્ટિક ગીતો મને ફરી અમારી ભૂતકાળની સોનેરી યાદોમાં લઈ ગયા. 

રવિ સાથેની મારી પ્રથમ મૂલાકાત, નોટબૂક લેવા, આપવાથી શરૂ થયેલી અમારી મિત્રતા તથા આવી જ એક વરસાદી સાંજે રવિએ મારા કપાળ પર હળવું ચુંબન કરી કરેલો પ્રેમનો એકરાર ! એક પછી એક સંસ્મરણો મારા મગજ પર કોઈ ફિલ્મની જેમ ચાલવા લાગ્યાં. અમે બંને એકબીજામાં એવા ખોવાયાં હતાં કે કોલેજમાં સૌ કોઈ અમને 'લવ બર્ડસ' તરીકે આેળખતા. રવિ સાથે વિતાવેલી સુંદર યાદોનું એક પૂર મારા મન, મસ્તિષ્ક પરથી વહેવા લાગ્યું. 

અચાનક ગાડીની બ્રેક વાગતાં હું જાણે થોડી ભાનમાં આવી. આગળ કોઈ ઝાડ પડ્યું હતું. રસ્તો પણ બંધ હતો. મારી ચિંતામાં થોડો વધારો થયો. મેં ફોન કરવા મોબાઈલ પકડયો પરંતુ મારો ફોન બંધ થયેલો જોઈ રવિએ ઘરે જાણ કરવા મને એનો મોબાઈલ આપ્યો. મારા ચહેરા પર વર્ષો પછી ખુશી આવી. 

"રિયા આ ઝાડ ખસેડવાની કામગીરી પૂર્ણ થાય ત્યાં સુધી આપણે સામેની હોટલમાં ચા, નાસ્તો કરી થોડીવાર બેસીએ."

ચા, નાસ્તો કરતાં અમે બંને જણાએ એકબીજાનું જીવન કેવું ચાલી રહ્યું છે તેની વાતો કરી. 

રવિના લગ્ન થઈ ગયા હતાં. એ સાંભળી મારી આંખો ભીની થઈ ગઈ ! ત્રણ વર્ષના ગાઢ પ્રેમ બાદ અમારા ભાગ્યમાં વિયોગ આવ્યો હતો. અમારા મન એકબીજા સાથે મળી ગયા હતાં પરંતુ અલગઅલગ સમાજના હોવાથી પરિવારજનોએ લગ્નની સંમતિ ના આપી. વળી, રવિએ તો મને ભાગીને લગ્ન કરવા જણાવ્યું હતું પરંતુ મારા પપ્પાએ મને ધમકી આપી હતી કે જો હું કોઈ ખોટું કૃત્ય કરીશ તો સમાજમાં તેમની આબરૂં નહીં રહે અને તેઆે મોતને વહાલું કરશે ! આખરે, પરિવાર માટે અમે અમારા પ્રેમનું બલિદાન આપ્યું. હવે, એકબીજાને કયારેય ન મળવાનો નિર્ણય લીધો. આજે બે વર્ષ બાદ નસીબે અમને ફરી એકવાર મળાવ્યા પરંતુ અફસોસ હવે, રવિના લગ્ન થઈ ગયા હતાં અને મારી પણ સગાઈ થઈ ગઈ હતી !

"રિયા તું ખુશ છે ? "

રવિના સવાલનો જવાબ મારી પાસે નહતો. 

"સાચું કહું રિયા હું તારા સિવાય કોઈને પ્રેમ નથી કરી શક્યો. પરિવારની ખુશી માટે બસ આ સંબંધથી જોડાયેલો છું."

રવિ મારી નજીક આવ્યો. રવિના હાથનો હુંફાળો સ્પર્શ મારા હાથને થતાં શરીરમાં એક ઝણઝણાટી થઈ ગઈ ! અમે જાણે વર્ષો બાદ મળ્યા હોઈએ એમ અમારાં હોઠ બંધ પણ આંખો અને પ્રેમાળ સ્પર્શ એકબીજા સાથે વાતો કરવા લાગ્યાં.

વેઈટરે રવિને આવીને કહ્યું કે, સાહેબ વરસાદ વધુ છે. આગળનો રસ્તો પણ બંધ છે તો થોડો સમય અહીં રોકાય જવું જ તમારા માટે યોગ્ય છે.

આજનો વરસાદ જાણે કે, અમારા મિલન માટે જ આવ્યો હોય એમ બંધ થવાનું નામ જ નહોતો લેતો. પલળેલું શરીર અને સુસવાટા મારતો પવન ! મારું શરીર ઠંડીના કારણે ધ્રુજવાં લાગ્યું. 

રવિએ મારો હાથ જોરથી પકડ્યો. અચાનક વીજળીના મોટા અવાજે ધડાકા થવા લાગ્યાં. હું ગભરાઈ અને મેં રવિને મજબૂત રીતે પકડી લીધો. મારા ધબકારાં બહાર વરસી રહેલાં વરસાદ કરતાં પણ ઝડપી બન્યાં. રવિએ મને આલિંગનમાં લીધી. ધીરેધીરે એનો હાથ મારા શરીરે ફરવા લાગ્યો. અમારા હોઠ મિલનની અદ્ભુત ક્ષણોને માણી રહ્યાં ! અવર્ણનીય ખુશી, સુખ તથા સંતોષની લાગણી હ્રદય અનુભવવા લાગ્યું પરંતુ અમારા પ્રેમની આવરદાં આેછી હતી. 

અચાનક રવિના મોબાઈલમાં રીંગ વાગી. અમારી સુખદ ક્ષણોમાં જાણે ભંગ પડ્યો. રવિએ મારાથી થોડી દૂર જઈ ફોન પર વાત કરવાની શરૂઆત કરી.

"હા.. ડાર્લિંગ આવું જ છું."

રવિની તેની પત્ની સાથેની વાતો સાંભળીને અભાન એવી હું જાણે કે સભાન થઈ ! મને સમજાયું કે રવિ હવે, મારો નથી રહ્યો અને હવે, મારા શરીર પર પણ રવિનો કોઈ અધિકાર નથી રહ્યો. 

સમાજના બંધનોએ અમારા નસીબમાં આ જીવન વિયોગ લખ્યો છે.

વરસતાં વરસાદમાં મારા પ્રેમના અરમાનોને ભીંજવતી, આંખોમાં આખો અશ્રુઓનો સમુદ્ર ભરી, મારા આંસુઆેને વરસાદના પાણી સાથે ભેળવતી, વિયોગની વેદના સહેતી હું ખૂબ જ ઝડપથી પાછળ જોયાં વગર રસ્તા તરફ દોડી નીકળી.  


Rate this content
Log in

Similar gujarati story from Romance