STORYMIRROR

Nency Agravat

Romance Inspirational

4  

Nency Agravat

Romance Inspirational

વરસાદ પહેલાંનો બફારો

વરસાદ પહેલાંનો બફારો

5 mins
369

ઉંમર અને સમયની સાથે બાથ ભીડવા સાંજે સોસાયટીના ગાર્ડનમાં ચાલવા નીકળ્યો. અત્યાર સુધી ઘર ,નોકરી, વ્યવહાર સાચવતા થાક અનુભવાતો. શું પામવા દોડ્યો જિંદગીમાં. . ? ક્યારેક ના સમજાતું અને ક્યારેક સમજાય જતું ,તો ચહેરા ઉપર સંતોષ તરવરી જતો. ગાર્ડનમાં મારી સાથે ઉંમર પણ ચાલતી. કારણ કે, દોડવાની હિંમત સમય સાથે દોડી દોડીને ગુમાવી દીધી હતી. બસ હવે ચાલવું હતું. . . ! ગાર્ડનમાં કોઈ બેન્ચ મળે ત્યાં વિસામો લેવો હતો. મળી ગઈ જગ્યા. . . ! જાણે શરીરને નહિ પણ જીવનના આ પડાવને પણ વિસામો દઈ રહી હોય એવું લાગ્યું. ક્યારેક નવા ચહેરા તો ક્યારેક જુના મળતા ચહેરા સામે હાસ્ય રેલાવી દેતો. આજે ચાલ્યો એનો પરસેવો છે કે ,58 વર્ષ પછી મળેલી નિવૃત્તિનો . . . ! ગાઢ ઊંડો શ્વાસોશ્વાસ સાથે એક સંતોષ પણ જાણે નાક વાટે ફેફસા સુધી પહોંચી જતો. કારણ કે, પરિવારનો સાથ માણવાનો હવે સમય પાકી ગયો હતો !

"હાશ,આજ તો વરસાદ પહેલાનો બહુ બફારો. વાદળાં વરસવા માટે તરસે છે અને ધરતી એને ઝીલવા તરસે છે. અકળામણ આપતો આ બફારો, ઉતાપ એક વરસાદની આશ પણ આપે છે. બસ એ આશા સાથે હમણાં ધોધમાર વરસાદ પડે એ પહેલાં ચાલો ઘરે કાલે ફરી સાંજે અહીં. "મનમાં પોતાની જાત સાથે સંવાદ કરી વિનયપ્રસાદ એક સંતોષ સાથે ઊભા થયા.

બગીચામાં ચાલતા- ચાલતા જતા વિનયપ્રસાદની નજર એક ઝાડ પાસે ગઈ. ચહેરા પરની સંતોષની સ્માઈલ એકદમ અચરજ સાથે પીડાદાયક બની ગઈ. મોજથી એકબીજા સાથે વાતો કરતા જતા પગ જાણે થંભી ગયા. સંતોષનો જે શ્વાસ ફેફસાં સુધી જતો એ રૂંધાવા લાગ્યો. વરસાદ પહેલાંનો બફારો બહાર અકળામણ આપતો હતો અને સામેનું દ્રશ્ય જોઈને ભીતર અકળામણ થવા લાગી. થોડી ક્ષણો જાણે થંભી ગઈ એમ લાગ્યું. અને પછી બીજી જ ક્ષણ સ્વસ્થ થવાનું નાટક કરી ઘરે આવી પોતાના રૂમમાં શૂન્ય મનસ્ક બની બેસી ગયા.

"આવી ગયા. લીંબુ શરબત લાવું. સાંજે જમવાનું શું બનાવું બોલો. ?"

પોતાની ધર્મપત્ની વર્ષાના વેણને સાંભળી વિનયપ્રસાદે કહ્યું,"વર્ષા ,જમવાની બહુ ઈચ્છા નથી. સાદું જ જમવું અને પ્રિયા ક્યાં ? "

"એ તો એની સહેલીના ઘરે ગઈ. "

"સારું,આવે એટલે કહેજે કામ હતું એનું. . "

"કેમ તબિયત ઠીક નથી. ? બીપી એની પાસે મપાવવું ?"

"ના ,વર્ષા સારું જ છે. એ આવે એટલે મારી પાસે મોકલજે. . "

પોતાનો મોબાઈલ લઈ વિનયપ્રસાદ બારીની બહાર જોતાં જોતાં આરામ ખુરશીમાં બેઠાં. ધીમે ધીમે શરૂ થતો વરસાદ ભૂતકાળની ઘણી સારી અને ખરાબ યાદો આપતું હતું. પણ સાથે એ બફારો (ઊતાપ ) જતો રહેવાનો સંતોષ પણ આપતો હતો.

થોડીવાર પછી ઘરે તેમની દીકરી પ્રિયા આવતા એની મમ્મીએ જણાવ્યું કે, "તારા પપ્પાનું બીપી ચેક કરી લે તો આજે ઠીક નથી લાગતું અને લીંબુ શરબત પણ એમના માટે લેતી જા. . "બીપીની લાડકી પ્રિયા વિનયપ્રસાદના રૂમમાં ગઈ.

"કેમ, મારા સુપરમેન આજે આરામ કરે ? લો તમારું એનર્જી ડ્રિન્ક. . "

"આવ બેટા,અહીં બેસ એક વાત કરવી. "

વિનય પ્રસાદે પોતાના મોબાઈલમાંથી એક ફોટો બતાવ્યો.

"સો બ્યુટીફૂલ લેડી. . . કોણ છે આ ડેડ ?"

"પ્રિયા, મારે તને એક વાત કહેવી છે. યોગ્ય સમયે કહીશ એમ વિચારી આજે કરી દઉં. આ વસંત છે. અમે બંન્ને સાથે કોલેજમાં હતા. એકબીજાને ખૂબ સારી રીતે ઓળખતા હતા અને એકબીજાને પ્રેમ પણ કરતા હતા"

"ઓહો . . ડેડ. . આ બધું શું છે. ? મમ્મીને ખબર પડશે ને તો વારો નીકળી જશે. " પ્રિયા હસીને બાજુમાં બેસી ગઈ.

"બેટા ,તારા મમ્મી બધું જાણે છે. અમારા સંબંધ પારદર્શક છે. કોઈ છુપાવવાનું નહિ. સાંભળ તને એક વાત કહેવી છે. . "

"શ્યોર,ડેડ મને પણ વાતમાં રસ જાગ્યો. . શું વાત છે. . ?"

ખુરશી ઉપરથી ઉભા થઈ બારીની પાસે આવી બહાર પડતાં વરસાદની બુંદોને જોઈને વિનય પ્રસાદે પોતાના અતીતના પન્ના ખોલ્યા,

ઉપરથી અને વસંત એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા. અમારી જ્ઞાતિ અલગ હતી. ઊંચ-નીચના ભેદભાવને લીધે અમે સાથે રહી શકીએ એમ નથી એ જાણતા હતા એટલે અમે ઘર છોડીને ભાગીને લગ્ન કરવાનું વિચાર્યું. . "

"તો,મમ્મી જોડે. . ? પ્રિયાએ અચરજથી પૂછ્યું.

"અમે મંદિરે મળવાનું નક્કી કર્યું. અને હું એની પસંદની કલરની શેરવાની પહેરી મંદિરે પહોંચી ગયો. પૂરો દિવસ વીતી ગયો એ ના આવી. "

"ઓહ. . પછી. . . ??"

" મારા મિત્રના બહેનની ઘરેથી એની સાથે રોજ ફોનમાં વાત કરતા ત્યાં એનો ફોન આવ્યો કે, એ નહિ આવે. . . "

"ડેડ, તો તો તમને બહુ ગુસ્સો આવ્યો હશે ને. . ?"

"ના,એનું ના આવવાનું કારણ જાણી ને વધુ પ્રેમ ઉપજયો અને ગર્વ પણ. "

"શું . . કારણ. . . . હતું. ?"

"આજે પણ એના શબ્દો મને યાદ છે. ' સોરી વિનય હું તને પ્રેમ બહુ કરું છું. જીવનભર તને નહિ ભૂલું. પણ મારા પપ્પાની વિરુદ્ધ જઈને ભાગીને લગ્ન નહિ કરી શકું. . હું એમને પણ બહુ પ્રેમ કરું છું. એમની ઈજ્જત ગામમાં ઉછળે એ હું નહિ જોઈ શકું. મને માફ કરી દેજે. . ' અને પછી એ બહુ રડી. "

'અને તમે. . ?"

પ્રિયાએ સામું જોયું આજે પણ આંખો થોડી ભીની થઈ હતી.

"પ્રિયા,અમારું મિલન થવું કે વિયોગ થવો એ કુદરતના હાથમાં હતું. પણ,મને ગુસ્સો નહિ પણ એના ઉપર ગર્વ થયો. એણે એના ઘરની આબરૂ માટે મને છોડ્યો. મેં એને છેલ્લે એટલું જ કહ્યું ,'

''વસંત ,ભલે તું મને આ જન્મે ના મળી પણ મારી દરેક પાનખરમાં હું તને યાદ કરીશ. . . . !! અને મારે ઘરે જો દીકરી જન્મે તો એ તારા જેવી ઈચ્છિશ. !'

'ગાર્ડનમાં તને આજે જોઈ મારી અંદર પાનખરમાં પર્ણ ખરી ગયેલા વૃક્ષ જેવી અનુભૂતિ થઈ. પ્રિયા,મને વસંતને છોડયાનો અફસોસ ક્યારેય નથી થયો કે હું એને યાદ પણ નથી કરતો. હું પ્રેમનો વિરોધી નથી. હું ખૂબ મોર્ડન વિચારધારા ધરાવું છું. એટલે જ આપણા બાપ દીકરીના સંબંધો મૈત્રી ભાવ જેવા મેં તારી સાથે રાખ્યાં છે. તારી મમ્મી સાથેના એરેન્જ મેરેજમાં હું સાચો પ્રેમ ફરી પામી શક્યો અને મને ફરી નવી જિંદગી આપી. તમે આજની પેઢી અમારા કરતા સ્માર્ટ છો. એક વાત યાદ રાખજે કે લાગણીના તાંતણે એટલી બધી પણ ના તણાતી કે સારા નરસાનું ભાન ના રહે. .!

પ્રિયા થોડામાં ઘણું સમજી ગઈ. પિતાના હાથ ઉપર હાથ મૂકી એટલું બોલી,

"ડેડ,તમારા જીવનમાં ક્યારેય પાનખર નહિ આવવા દઉં. અને વસંતની યાદ પણ નહિ. . . . ! કેમ કે , વર્ષા નામનું વરસાદી વાવાઝોડું જે બહાર જેમ ધૂમ મચાવે એમ રસોઈ ઘરમાંથી પણ ધૂમ મચાવશે એ પહેલાં ચાલો બહાર. . !"

પોતાની પરવરિશ ઉપર વિશ્વાસ રાખી વિનયપ્રસાદ હસીને રૂમની બહાર આવ્યાં.

"કેટલીક યાદ આજે પણ શ્વાસે વીંટળાઈ જાય ,

અતિતના પડખે ઊભા રહેતા, એ વાત વણાઈ જાય. . !

એટલી લાગણી બંધાણી જીવનમાં, આજે પણ દરેક વરસાદી માહોલે તારી યાદ ભીંજાય જાય. . . !"


Rate this content
Log in

Similar gujarati story from Romance