વજ્ર જ્વાલા
વજ્ર જ્વાલા
કુંભકર્ણની પત્ની વજ્ર જ્વાલાનું પાત્ર.
વજ્ર જ્વાલા મહાબલી બલી રાજાની પુત્રી. વિષ્ણુ ભક્ત પ્રહલાદનો પુત્ર વિરોચન. વિરોચનનો પુત્ર મહાબલી બલી રાજાને વિષ્ણુ ભગવાનના વામન અવતારે પાતાળે મોકલ્યા હતાં.
"મહારાની મંદોદરીનો જય હો"
"બોલો દાસી, શું સમાચાર છે ?"
દાસી," મહારાની, સમાચાર એ છે કે અયોધ્યાના રાજકુમારો લંકાની સામે તટ પર સમુદ્ર કિનારે આવી ગયા છે."
"દાસી, આ સમાચાર મને મલ્યા. બીજા શું સમાચાર લાવી છું ?"
"મહારાની, મહારાજ કુંભકર્ણની પત્ની મહારાની વજ્ર જ્વાલા આપને મળવા માંગે છે."
"સારૂં દાસી, એમને કક્ષમાં મોકલ."
થોડીવારમાં વજ્ર જ્વાલા કક્ષમાં આવી.
બોલી,"મહારાનીજી પ્રણિપાત."
મહારાની મંદોદરી," બોલો વજ્ર જ્વાલા, આજે મારા આંગણે ! કોઈ સમાચાર છે ?"
વજ્ર જ્વાલા," મહારાનીજી, સાંભળ્યું છે કે મહાન મહારાજ રાવણે કોઈ વનવાસી સ્રીને જબરજસ્તી ઉપાડી લાવ્યા છે ? અને અશોક વાટિકામાં કેદ કર્યા છે ?"
"હા, સત્ય કહ્યું તેં. મેં મહારાજને બહુ સમજાવ્યું, પણ માનતા નથી. શુર્પણખાના અપમાનનો બદલો લીધો છે એવું કહેતા હતાં."
વજ્ર જ્વાલા," મહારાનીજી, સાંભળ્યું છે કે વનવાસી સ્રી સીતા અયોધ્યાના રાજકુમાર શ્રીરામની ભાર્યા છે. આ એજ સીતાજી જેના સ્વયંવરમાં મહારાજ રાવણ નિષ્ફળ ગયા હતાં !"
મંદોદરીએ નીચું જોઈને હા પાડી.
પછી મંદોદરી બોલી," વજ્ર જ્વાલા, તું ચતુર છે. તને લંકા નગરીની બધી ખબર મળે છે."
"હા,મહારાનીજી, મહારાજ રાવણના એક ગુપ્તચરની ભાર્યા મારી દાસી છે. સાંભળ્યું છે કે સુંદર દેખાતા અયોધ્યાના રાજકુમાર સીતા સ્વયંવરના વિજેતા થયા હતાં. સાથે એવું પણ જાણ્યું છે કે રાજકુમાર શ્રીરામ કોઈ દેવતાના અવતાર છે."
મંદોદરી કંઈ બોલી નહીં.
પછી મંદોદરી બોલી," મહારાજ કુંભકર્ણ નિંદ્રામાંથી જાગી ગયા છે એવું જાણ્યું છે. ને નવા અસ્ર, શસ્ત્ર બનાવવા લાગી ગયા છે. ને તું પણ એમને મદદ કરે છે. તું બહુ હોશિયાર અને ચતુર છે. તેં કોઈ દિવસ ઈશ્વરને જોયા છે ? તારા પિતાશ્રીના કોઈ સમાચાર આવે છે કે નહીં ?"
વજ્ર જ્વાલા હસી. બોલી," પિતાશ્રી તો પાતાળમાં દાદા પ્રહલાદજી સાથે છે. સાક્ષાત વિષ્ણુ ભગવાન એમની ચોવીસ કલાક રક્ષણ કરે છે. હમણાં કોઈ સમાચાર નથી. હા. . હું બાલ્યાવસ્થામાં હતી ત્યારે ઈશ્વરના દર્શન થયા હતાં. પિતાશ્રીના યજ્ઞમાં એક બાલ બ્રહ્મચારી બ્રાહ્મણ દાન દક્ષિણા લેવા આવ્યા હતાં. દેખાવમાં એ બાલ બ્રહ્મચારી બ્રાહ્મણ માસુમ, સોહામણા ને મનમોહક હતાં. દાનમાં ત્રણેય બ્રહ્માંડ માંગીને વિરાટ સ્વરૂપના દર્શન કરાવ્યા. પિતાશ્રી વચને બંધાયેલા જેના કારણે હાલમાં પાતાળમાં રહે છે. વામન બ્રાહ્મણ ભગવાન વિષ્ણુના અવતાર છે એ પછી ખબર પડી."
"મહાબલી બલી રાજાની પુત્રીના સંસ્કાર ઉત્તમ છે. સાથે સાથે અસ્ર શસ્ત્ર બનાવવામાં પણ નિપુણ છે. તેમજ સારી સંશોધક પણ છે."
"મહારાનીજી, બાલ્યાવસ્થામાં જ નવું જાણવા તેમજ શીખવાનો રસ હતો. ગુરુ શુક્રાચાર્ય પાસેથી પણ થોડું શીખી હતી. પણ તમે જાણો છો કે મહારાજ રાવણને હરાવનાર વાનરરાજ બાલીને પણ રાજકુમાર શ્રીરામની સહાયતાથી સુગ્રીવે ઈશ્વર ધામ પહોંચાડ્યા હતાં, એવા સમાચાર પણ મળ્યાં છે. વાનરસેનાની સાથે રાજકુમાર રામ અને લક્ષ્મણ તેમજ પવનપુત્ર હનુમાનજી પણ છે. મહારાનીજી, તમે ફરી એકવાર મહારાજ રાવણને સમજાવો. મને તો આપણા રાક્ષસ કુળનો વિનાશ દેખાય છે. પિતાશ્રી કહેતા હતાં કે વિનમ્રતા અને સમર્પણથી જ ઈશ્વર સહાયતા કરે છે."
મંદોદરી બોલી," વજ્ર જ્વાલા, મહારાજ રાવણ જ્ઞાની છે તેમજ જ્યોતિષ શાસ્ત્રમાં પ્રવિણ છે. એમને પણ એવું લાગે છે કે અયોધ્યાના રાજકુમાર શ્રીરામ દૈવ પુરુષ છે. તેમજ સીતાજી સાક્ષાત માતાજી છે. એમને પૂર્વ જ્ઞાન છે. ભગવાન વિષ્ણુના કોઈ અવતારના હાથે મોક્ષ પ્રાપ્તિ થશે."
વજ્ર જ્વાલા બોલી," મહારાની, જતા જતા તમારી આજ્ઞા લઉં. મારે કામ પણ ઘણું છે. મારા સ્વામી માટે વિવિધ પ્રકારના ભોજન, મિષ્ટાન બનાવવા છે. એમની ભૂખ જાગૃત થશે તો વિવિધ પ્રકારના ભોજન માંગશે. કદાચ બે દિવસમાં તેઓ છ મહિનાની નિંદ્રામાં પોઢી જશે. તેઓ શસ્રોની પ્રયોગશાળામાં ચોવીસ કલાક કામ કરે છે. મારે એમને મદદરૂપ થવા પણ જવું પડશે. એમણે પ્રતિકૃતિ બનાવવાની કળા વિકસાવી છે. એમના સ્વરૂપના તેમજ અન્ય દાનવ સ્વરૂપના ધાતુના શિલ્પો બનાવી રહ્યા છે. પછી માયાવી વિદ્યાથી એને જાગૃત કરશે. ને મહારાની, આપના પિતાશ્રી પણ શિલ્પ સ્થાપત્યમાં હોંશિયાર છે. આપના જન્મની પૂર્વ માહિતી પણ મને પ્રાપ્ત થઈ છે. આપના પર પણ મહાદેવની કૃપા છે. મને તો વિનાશ જ દેખાય છે. મહાદેવજી જે કરે એ ખરૂં. બસ હવે વિદાય લઉં છું."
