એક વાર્તા
એક વાર્તા


પપ્પા, પપ્પા...એક વાર્તા કહું ?
હા.. બેટા બોલ.તારી વાર્તા કહે.
પપ્પા, હું સ્કૂલની નહીં કહું. રાજાની કહું કે મંત્રીની કહું ?
બેટા, તને વાર્તા આવડે છે એ સારું છે. રાજાની વાર્તા બહુ સાંભળી છે. મંત્રીની વાર્તા કહે.
સારું પપ્પા..પણ પપ્પા..આ મંત્રી રાજા જેવો છે.રાજા જેવો ઠાઠમાઠ.
ઓહોહો.. એટલે અત્યારના જમાનાની વાત છે..હા.. અત્યારે મંત્રીઓ રાજા કરતા ઓછા નથી. બોલ.
એક હતો મંત્રી.
બેટા..એક છે મંત્રી કહેવાય.
પણ પપ્પા.. મારી પુરી વાર્તા સાંભળો. મંત્રી આવતાં રહેશે મંત્રી જતા પણ રહેશે. રહી જવાના આપણે બધા.
ઓહોહો.. આટલું બધું સમજે છે તું ! મને ખબર નહોતી. આ બધું ક્યાંથી ખબર પડી ?
પપ્પા, હું પણ સમાચાર પત્ર વાંચું છું.
ઓહ.. સમાચાર પત્ર ! એટલે ન્યૂઝ પેપર.. બરાબર ને !
હા..એ સમાચાર પત્ર એટલે આપણે એને છાપું કહીએ છીએ. પપ્પા તમે આજકાલ છાપું વાંચતા નથી. પાનાં એમ ને એમ હોય છે. જાહેરખબરના છુટા પાનાં અંદર જ હોય છે.
બેટા.. આજકાલ છાપું વાંચવાની મજા આવતી નથી. હું ઓનલાઇન સમાચાર વાંચું છું.
તો ઠીક છે. તો વાર્તા કહું ?
બેટા.. બીજી વખત નિરાંતે કહેજે.
તો મારી વાર્તા કોણ સાંભળશે ?
તારી મમ્મી નવરી પડે એટલે કહેજે.
પણ મમ્મી નવરી પડતી નથી. મારી વાર્તા કોણ સાંભળશે ?
સારું રાત્રે કહેજે. હું સાંભળીશ.
(* જ્યારે સંતાન વાર્તા કહેવા માંગતો હોય ત્યારે એને શાંતિથી સાંભળવાનો પ્રયત્ન કરો. તમે એની વાર્તા બનાવી હોય એ ગમે કે ના ગમે પણ સાંભળો. તમે સાંભળશો તો એનો વાંચનનો શોખ જાગશે. વાંચન કરશે એટલે એને પોતાની રીતે વાર્તા બનાવવાનું મન થશે. ધીરે ધીરે એ સારી વાર્તા લખી કે બોલી શકશે. કોઈ લેખક નાનપણથી લેખક બનતો નથી. વાંચનનો શોખ એને લખવા માટે એનર્જી પૂરી પાડે છે. )