STORYMIRROR

Jyotsna Patel

Abstract

4  

Jyotsna Patel

Abstract

વિયોગની વેદના

વિયોગની વેદના

4 mins
259

લોલક સમ આમતેમ ફંગોળાવું મને ન ફાવે,

વાતેવાતે નકામુ આમ ડરવું, મને ન ફાવે;

ફૂલોનું મૂરઝાવું તો લેખ છે વિધાતાના,

પણ ખૂલ્યા વગર જ ખરવું મને ન ફાવે !


ધૂરંધર કવિઓથી શોભતા કવિસંમેલન ‘મહેફિલ-એ-શામ’માં સૌથી નાની ઉંમરની સર્જક વાસરિકાએ પોતાની રચના પેશ કરી, ને એની એક એક પંક્તિ પર રસિક શ્રોતાગણ દાદ વરસાવવા લાગ્યા. એકવીસેક વર્ષની વાસરિકાને સાંભળવી એક લ્હાવો હતો. એના કાવ્યોમાં ખાલી શબ્દોનો શણગાર નહિ, પણ ગહનતા અને ભાવનું અદભૂત સંયોજન જોવા મળતું. એ ઉપરાંત તેના અવાજમાં પણ માર્દવ હતું. સીધો જ સાંભળનારના હ્રદયમાં ઉતરી જાય તેવા કર્ણપ્રિય ધ્વનિમાં શબ્દોનું સખ્ય ભળે પછી તો પૂછવું જ શું ? આટલી નાની વયે આવી સમજણ એ કુદરતી ભેટ જ કહેવાય. આ ઉંમરે યુવતીઓ ફેશન, ટાપટીપ અને પ્રેમલા-પ્રેમલીમાં વ્યસ્ત હોય, ત્યારે વાસરિકા કલમના ખોળે ખેલી કાવ્ય સર્જન થકી સાહિત્ય સેવા કરતી હતી. 

સાહિત્ય રસજ્ઞ પિતા ઉમંગરાયે દીકરીનું નામ ‘વાસરિકા’ સમજી-વિચારીને જ રાખ્યું હતું. વાસરિકા એટલે રોજનીશી, કે જેમાં રોજેરોજ મનમાં ઊભરાતા વિચારોને ટપકાવવામાં આવતા હોય. વાસરિકાએ એના નામને સાર્થક કર્યું. તે બાર-ચૌદ વર્ષની હતી ત્યારથી પિતા સાથે સાહિત્ય-જલસામાં જતી ને શબ્દોને સમજવાની કોશિશ કરતી. પછી તો માતા-પિતાના પ્રોત્સાહનથી તે સર્જનકાર્યમાં પ્રગતિ કરતી ગઈ. ધીરે ધીરે તે સાહિત્ય સંમેલનોમાં ભાગ લેતી થઈ. સાથે સાથે, તેણે વિવિધ કાર્યક્રમો-સમારંભોમાં સફળ સ્ટેજસંચાલનની કુશળતા પ્રાપ્ત કરી. હ્રદયસ્પર્શી શેર-શાયરીઓથી કોઈપણ સમારોહમાં જાન લાવી દેવાની અનોખી આવડત તેનામાં હતી. તે સતત કંઈ ને કંઈ લખ્યા કરતી ને મનના વિચારોને શબ્દદેહ આપતી. કલમ હતી તેની સદાની સંગાથી. તેની ઘણી રચનાઓ ગૌરવવંતા પુરસ્કારને પાત્ર થતી. કલમ અને વાસરિકા જાણે એકબીજાના પર્યાય બની ગયા. મિત્ર-વર્તુળમાં પણ તે અતિપ્રિય. આમ, વાસરિકા સાવ નિરાળા વ્યક્તિત્વની માલિક હતી. 

કરમની કઠણાઈ કહો કે કુદરતનો અન્યાય, પણ ઉમંગરાયને જીવલેણ લિમારી લાગુ પડી, ને પિતાની હયાતીમાં જ તેમની એકમાત્ર સંતાન એવી વાસરિકાનાં લગ્ન કરી દેવાનો નિર્ણય લેવાયો. સગાં-સંબંધીઓ દ્વારા ‘છોકરા’ બતાવવામાં આવતા. એકબાજુ બિમારીની સારવાર ચાલતી હતી ને બીજી બાજુ વાસરિકા માટે છોકરો પસંદ કરવાની પ્રક્રિયા ચાલતી હતી. વાસરિકાનું સંપૂર્ણ ધ્યાન પિતાની સેવા-સુશ્રુષામાં રહેતું. ‘જોવાનો’ કાર્યક્રમ તે રસ વગર પૂરો કરતી. માતા-પિતા અને કુંટુંબીઓને બિઝનેસમેન વૈભવ યોગ્ય લાગતાં વાસરિકાએ પણ મંજૂરીની મહોર મારી દીધી, ને ઘડીયાં લગ્ન લેવાયાં. વ્હાલસોયી દીકરીને વિદાય કર્યા પછી થોડા જ સમયમાં ઉમંગરાયે પણ દુનિયામાંથી વિદાય લઈ લીધી.

કોડભરી વાસરિકા પરણીને સાસરે આવી. અહીં પણ તેની કુશળતા રંગ લાવી. તેણે આદર્શ ગૄહિણીને છાજે એ રીતે ઘર અને પરિવારને સંભાળી લીધાં. હવે તેને તેની પ્રિય કલમ માટે ઓછો સમય મળતો હતો, છતાં નવરાશની પળોમાં વાસરિકા કલમ સાથે સંયોગ કરી લેતી. તે કોરા કાગળ પર એના હ્રદયની ભીનાશ પ્રસરાવતી. એકંદરે વાસરિકા સુખી હતી.

 ઘરમાં સાસુ સર્વોપરિ. એમની ઈચ્છા એ સૌની ઈચ્છા. સૌએ એમનો પડ્યો બોલ ફરજિયાતપણે ઝીલવાનો રહેતો. વાસરિકાને પણ સાસુના માર્ગદર્શન મુજબ કામ કરવામાં કંઈ જ વાંધો નહોતો, પણ સાસુને વાસરિકાના કલમ સાથેના સ્નેહથી પાક્કો વાંધો હતો. ખબર નહિ એમને કલમ સાથે ગતજન્મનું શું વેર હશે કે વાસરિકાના હાથમાં કલમ જુએ કે એ એના માટે કંઈ ને કંઈ કામ ગોતી કાઢી ધંધે લગાડી દેતાં ! પતિ વૈભવને તો પોતાના ધંધા સિવાય કશામાં રસ જ ક્યાં હતો ?

ઘરની વહુને જાહેર સમારંભમાં જવાની મનાઈ તો એ આવી ત્યારથી જ લાદી દેવામાં આવી હતી. એના અવાજના માર્દવની કે એની શબ્દ-સોદાગરીની અહી કોઈ કિંમત નથી, એ તો વાસરિકા ક્યારનીય સમજી ચૂકી હતી. તે નિજાનંદ માટે જ સતત લખતી રહેતી. કલમ વગરના જીવનની તો તે કલ્પના પણ કરી શકે નહિ એટલી એ કલમમય હતી. એના વર્તુળમાંથી ધીરે ધીરે મિત્રોની બાદબાકી થતી ગઈ, ને વર્તુળ બની ગયું શૂન્ય ! છતાંય તે પોતાની જાતને એકલી નહોતી અનુભવતી, કેમ કે તેની સદાયની સંગાથી કલમનો તેને સાથ હતો. હવે તેની કલમથી મૂંઝવણ, દુઃખ, વેદના, પીડા અને વ્યગ્રતા ટપકતાં હતાં. તે કલમ દ્વારા મનને હળવું કરતી. વાસરિકા માટે હવે એકમાત્ર સાથી તેની કલમ જ હતી. કહો ને કે તેના જીવનનું ચાલકબળ હતી તેની કલમ !  

સમય સાથે સાસુનું કલમ સાથેનું વેર વધારે મજબૂત થયું. વાસરિકાના હાથમાં કલમ-કાગળ જુએ કે એમનું મન ભડકી ઊઠતું ! “આખો દિવસ બસ લખી લખીને પસ્તી વધાર્યા કરે છે, ઘરમાં તો એનો જીવ જ ચોંટતો નથી.” આ વાક્ય સાથે વાસરિકાને કલમથી અળગી કરવાનો હુકમ છૂટ્યો, ને તેના જીવ સમાન કલમ તેની પાસેથી છીનવાઈ ગઈ ! કંઈ પણ લખવા પર ચુસ્ત પ્રતિબંધ લાદી દેવાયો.

કલમ વિહોણી વાસરિકા તો જાણે નિર્જન ટાપુ પર પટકાઈ પડી. પોતાની ખૂશ્બુથી વાતાવરણ મહેંકાવતું પૂષ્પ સાવ મૂરઝાઈ ગયું. તેનું દિમાગ વિચારોના વમળમાં સતત આમથી તેમ ફંગોળાયા કરતું, ને દિલ પ્રેમભર્યા બે શબ્દો માટે હંમેશાં તરસતું રહેતું. ભર્યાભાદર્યા સંસારમાં તે સાવ એકાકી થઈ ગઈ. ભાવવિહિન ચહેરે તે આખો દિવસ યંત્રવત કામ કર્યા કરતી.

લગ્નનાં ચાર જ વર્ષમાં વાસરિકા જાણે પ્રૌઢ થઈ ગઈ ! તેના આત્માને જાણે તેના શરીરમાં કેદ કરી દેવામાં આવ્યો હતો. ધીરે ધીરે તે માનસિક દબાવને વશ થતી ગઈ. તેની ખિન્નતા તરફ ધ્યાન આપવાની તો કોઈને ફુરસદ જ ક્યાં હતી ? સૌને વાસરિકાની સેવા લેવામાં જ રસ હતો, તેના ભગ્નોત્સાહની કોઈને પરવા નહોતી. તે બસ, જીવનને ધકેલ્યે જતી હતી.

 એકવાર વૈભવને ધંધામાં સરકારી વેરાની ચોરી માટે ક્યાંક વાસરિકાની સહીની જરૂર પડી. તેણે વાસરિકા સમક્ષ ફાઈલ ખોલીને મૂકી ને તેની સામે પેન ધરીને સહી કરવા કહ્યું. તે થોડીવાર શૂન્યમનસ્કપણે પેન સામે અપલક તાકી રહી, ને પછી અચાનક ચીસ પાડીને ‘બોમ્બ..બોમ્બ’ બોલતી ઊભી થઈ ગઈ. તેની આંખોમાં અગમ્ય ગભરાટ વ્યાપી ગયો. વિહવળતા સાથે વૈભવના હાથ પર ઝાટકો મારીને પેન ફંગોળી દીધી. તેની આંખો ચકળવકળ થવા લાગી ને તેણે બંને હાથે પોતાના વાળ વીંખી નાંખ્યા. એક સમયે જ્યાં દિલ તરબતર કરતી શેર-શાયરીઓનો વાસ હતો એવા સુંદર અધરોને બિહામણા હાસ્યએ પોતાનું કાયમી સરનામું બનાવી દીધું ! 

આખરે કલમના વિયોગની વેદનાએ વાસરિકાને પાગલપણાની હદ સુધી પહોંચાડી દીધી.


Rate this content
Log in

Similar gujarati story from Abstract